નર્મદા જિલ્લાના પાંચેચ તાલુકાના નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને “સ્વચ્છ ભારત-CLEAN INDIA” ના સ્ટીકર તેમજ કચરા એકત્રીકરણની બેગ એનાયત કરાઇ

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે જિલ્લામાં  “સ્વચ્છ ભારત-CLEAN INDIA” નો કાર્યક્રમ લોન્ચીંગ

શહેર-જિલ્લા-ગ્રામ્યકક્ષાએ રહેતો દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સ્વચ્છ ભારત અભિયાન સાચા અર્થમાં સાર્યક બને તેવા સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્તાં – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧ લી થી તા.૩૧ મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમને નહેરૂ યુવા કેન્દ્ર- નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે  આયોજિત લોન્ચીંગ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ સુપરવાઈઝર અને કાર્યવાહક જિલ્લા યુવા ઓફિસરશ્રી ચંદ્રકાન્તભાઈ બક્ષી,  જિલ્લાના અગ્રણીશ્રી અજીતભાઈ પરીખ, શ્રી વિક્રાંતભાઇ વસાવા, નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક, યુવક મંડળ, મહિલા મંડળ, NGO તથા વિવિધ સંગઠનો વગેરેની ઉપસ્થિતિમાં  આજે રાજપીપલા મુખ્ય મથકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “સ્વચ્છ ભારત-CLEAN INDIA” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, દેશના રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદી અપાવવાની સાથોસાથ દેશને સ્વચ્છ બનાવવા પર ભાર મૂક્યો હતો. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નને સાર્થક કરવા માટે તા.૧ લી થી તા.૩૧ મી ઓકટોબર દરમિયાન “સ્વચ્છ ભારત” અભિયાન હાથ ધર્યુ છે. શહેર-જિલ્લા-ગ્રામ્યકક્ષાએ રહેતો દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને પ્લાસ્ટિકનું એકત્રિકરણ કરવાં ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન સાચા અર્થમાં બને તે રીતના સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.  “સ્વચ્છ ભારત” અભિયાનની શરૂઆત આપણા ઘરના આંગણાથી લઇને ગામ, તાલુકા, જિલ્લાની સાથોસાથ દેશને સ્વચ્છ બનાવવાની હિમાયત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને સ્વચ્છ બનાવવાં પોતે હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતાનો સંદેશો સહુ કોઈને આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશમાં તા.૨  જી થી લઇને તા.૩૦ મી ઓક્ટોબર સુધી  સ્વચ્છ ભારત અભિયાન શહેરી અને ગ્રામિણકક્ષાએ હાથ ધરવામાં આવ્યું છે. તા. ૨ જી ઓક્ટબરે આપણે સહુ  ગાંધીજીના જન્મદિન તરીકે ઉજવીએ છીએ, પરંતુ સરકારશ્રીએ ગાંધીજીના જન્મદિન ઉપરાંત દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, વિવિધ સંગઠનોએ ઉક્ત અભિયાનમાં સહભાગી બનીને જિલ્લાના વિવિધ ગામોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રિકરણ, પાણીના પરંપરાગત સ્થળોની સફાઇની સાથે  જાળવણી પણ થાય તે રીતના વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ ગામો, તાલુકાઓમાંથી એકત્ર થયેલ કચરાનું જિલ્લાકક્ષાએ વજન કરી તેનું મુલ્યાંકન કરવામાં આવશે. વધુમાં શ્રી પલસાણાએ ઉમેર્યું હતું કે, લોકોમાં સ્વચ્છ ભારત મિશન અંગે જાગૃત્તિ વધે તે માટે  “ નગરજનો નમસ્તે-કચરો ન ફેંકીએ રસ્તે ”, “ ગંદકી ત્યાં માંદગી-સ્વચ્છતા ત્યાં પ્રભુતા ” જેવા સૂત્રો તેમજ પ્રભાતફેરી, ગ્રામસભા, પપેટ-શો, તેમજ સોશિયલ મિડીયાનો સહારો લઈને દેશને સ્વચ્છતાયુક્ત બનાવવાની સહુ કોઈને અપીલ કરી હતી. કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના ૫૮૭ ગામો પૈકી ૫૮૫ ગામો રસીકરણનો પહેલો ડોઝ લઈને ૧૦૦ ટકા વેક્સિનેટ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. નેહરુ યુવા કેન્દ્રના મુખ્યાલય દિલ્હીના પ્રતિનિધિ અને જનજાતિ કલ્યાણ આશ્રમ, સહમંત્રી ગુજરાત પ્રાંતના ડૉ. પ્રેમપ્યારીબેન તડવીએ તેમના ઉદબોધનમાં કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં નહેરૂ યુવા કેન્દ્ર ધ્વારા ૧૦૦ જેટલા ગામોમાં સ્વચ્છતાના કાર્યક્રમો અને સીંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રીકરણ, સ્વચ્છતાલક્ષી નિબંધ-વક્તુત્વ-ચિત્ર સ્પર્ધા અને સ્વચ્છતાને લગતા સ્લોગનના પેંઇટીંગ્સ ધ્વારા સ્વચ્છતા અંગે લોક જાગૃત્તિ કેળવાશે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાના પાંચેચ તાલુકાના નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને “ સ્વચ્છ ભારત-CLEAN INDIA ” ના સ્ટીકર તેમજ કચરા એકત્રીકરણની બેગ એનાયત કરી હતી. નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા “ સ્વચ્છ ભારત-CLEAN INDIA ” ના  સામુહિક  સ્વચ્છતા શપથ લેવાયાં  હતા.પ્રારંભમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ સુપરવાઈઝરશ્રી ચન્દ્રકાન્તભાઈ બક્ષીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપવા ઉપરાંત અંતમાં આભારદર્શન પણ તેમણે કર્યુ હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM