રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમને અનુલક્ષીને નવસારી જિલ્લાના ચુંટણી નિરીક્ષક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટના અધ્યક્ષપદે કલેકટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. આ બેઠકમાં ચૂંટણીને લગતી કામગીરી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ રીતે વધુ સુદ્રઢતાથી થાય અને રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપાલન થાય તેમ ચુંટણી નિરીક્ષક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઇ જતી હોય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે અમલી બનતી હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું. નવસારી જિલ્લાના ચૂંટણી નિરીક્ષક શ્રી બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ પોસ્ટલ બેલેટ પેપરથી થતી હોવાથી મતદાન યોગ્ય રીતે થાય અને મતદાન કરતી વખતે મત નકામો ન જાય તે માટે લોકોમાં જાગૃત્તિ લાવવાની તેમણે હિમાયત કરી હતી. જિલ્લાના ચૂંટણી નિરીક્ષકશ્રી જી.પી.બ્રહ્મભટ્ટે જિલ્લાના રિસીવિંગ અને ડિસ્પેચીંગ સેન્ટર, મતદાન મથકોની મુલાકાત લીધી હતી. જેમાં પ્રાથમિક સુવિધાઓ ચકાસી હતી અને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

