નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે તા.૨૪ મી એ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે

નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગરીબ કલ્યાણ મેળાના અયોજન-પૂર્વ તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક

શૈશવ રાવ

નર્મદા જિલ્લામાં તા.૨૪ મી ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ રાજપીપલા ખાતે શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલ સંકુલ ખાતે ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના આગોતરા આયોજન અને તેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભાર્થીઓ માટે થઇ રહેલી ડેટા એન્ટ્રીની વિસ્તૃત સમીક્ષા કરતાં નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસે તમામ વિભાગોના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની ખાસ હિમાયત કરી હતી. જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા પહેલાં જ ૧૬,૦૦૦ થી પણ વધુ લાભાર્થીઓની ડેટા એન્ટ્રી અત્યાર સુધીમાં થઇ ગયેલ છે અને મેળા દરમિયાન પણ ૨૩૦૦ થી પણ વધુ ડેટા એન્ટ્રી થનાર છે, એટલે લાભાર્થીઓની સંખ્યા હજી પણ વધી શકે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. તદ્ઉપરાંત લાભાર્થીઓને અપાનાર વિવિધ કિટ્સ અને સાધનો પણ પરફેક્ટ કાર્યરત હોવા અંગેની જે તે વિભાગ ધ્વારા પૂરતી ચકાસણી કર્યા બાદ જ લાભાર્થીઓને તેનું વિતરણ થાય તે જોવાની પણ અમલીકરણ અધિકારીશ્રીઓને ખાસ તાકીદ કરાઇ છે.

નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસે વધુમાં જણાવ્યાં મુજબ કોવિડ-૧૯ અંગેની સરકારશ્રીની પ્રવર્તમાન માર્ગદર્શિકા અને સૂચનાઓના પાલન સાથે જિલ્લામાં યોજાનાર ઉક્ત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન અને પૂર્વ તૈયારીઓ પૂર્ણતાને આરે છે, ત્યારે જુદા જુદા વિભાગો અને અમલીકરણ અધિકારીશ્રીઓને ગરીબ કલ્યાણ મેળાના સૂચારા આયોજન સંદર્ભે સોંપાયેલી કામગીરી અને જવાબદારીઓ સૂપેરે પાર પડે અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે જોવા શ્રી વ્યાસે ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ અને શ્રી દિપક બારીયા, નાયબ કલેકટરશ્રી સુશ્રી તૃપ્તિ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *