હાથરસ કેસઃ મુખ્યમંત્રી યોગીએ SITને તપાસ માટે વધુ ૧૦ દિવસનો સમય આપ્યો
હાથરસ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલી SITને વધુ ૧૦ દિવસનો સમય મળ્યો છે. સમગ્ર મામલાની તપાસ માટે પહેલાં SITને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની અવધિ આજે પૂરી થઈ રહી હતી. આ વચ્ચે SITએ તપાસ માટે વધારે ૧૦ દિવસનો સમય માગ્યો હતો. જેને ઉત્તર પ્રદેશ સરકારે મંજૂરી આપી દીધી છે. ગૃહ સચિવ ભગવાન સ્વરુપની આગેવાનીમાં બનાવેલી એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પીડિતાના ન્યાયની માગ સતત જાેર પકડી રહી છે અને કદાચ આજે એ વાત સાફ થઈ જાય કે હાથરસનો આરોપી કોણ છે? છેલ્લા સાત દિવસોથી ઉત્તરપ્રદેશના ૩ ટોપ ઓફિસર્સવાળી SIT સતત હાથરસનું સત્ય સામે લાવવા માટે તપાસ કરી રહી છે. SITએ પીડિત પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધ્યા છે. આ સાથે SITએ સાક્ષીઓ સાથે વાત કરી અને ક્રાઈમ સીનને રિક્રિએટ પણ કર્યો હતો.
બીજી તરફ SIT દ્વારા પ્રાથમિક રિપોર્ટ સોંપ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસના SP-CO સહિત ૫ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
હાથરસ કેસમાં દરરોજ નવી જાણકારીઓ અને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેવામાં સંભાવના છે કે, SIT ના રિપોર્ટમાં કોઈ નવો ખુલાસો સામે આવી શકે છે. જાણકારી મળી છે કે, પીડિતાના ભાઈના મોબાઈલ ફોન તેની પત્ની એટલે કે પીડિતાની ભાભી ઉપયોગ કરતી હતી. આ નંબરથી આરોપી સંદીપના નંબર પર સતત વાતો કરવામાં આવતી હતી. વાતચીતનો આ સિલસિલો ૧૩ ઓક્ટોબર ૨૦૧૯થી ૨૦ માર્ચ ૨૦૨૦ સુધી ચાલ્યો હતો. અને પીડિતાના ભાઈના મોબાઈલથી સંદીપને ૬૨ વખત તો સંદીપના ફોનથી પીડિતાના ભાઈ પર ૪૨ વખત ફોન કરવામાં આવ્યા હતા. બંને વચ્ચે ૧૦૪ વખત વાતચીત થઈ હતી.
સરકારે સુપ્રીમ કોર્ટ પાસે અપીલ કરી છે કે, કોર્ટ આ તપાસ પોતાના નિર્દેશનમાં કરાવે. પણ પીડિત પરિવાર વારંવાર કહી રહ્યા છે કે, તે સીબીઆઈ તપાસ ઈચ્છતા નથી.

