

તાજેતરમાં ગુજરાતના કર્મયોગી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ જળક્રાંતિ, ગોક્રાંતિ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના પ્રણેતા તેમજ ભારતીય સંસ્કૃતિનો પાંચમો વેદ ગોવેદ મહા ગ્રંથના રચયિતા મનસુખભાઈ સુવાગગીયાને મળવા બોલાવ્યા હતા. મનસુખભાઈ સુવાગીયાએ પોતાના ૨૪ વર્ષની રાષ્ટ્ર સેવાનું વર્ણન કરતાં રાજ્યપાલ શ્રી ને જણાવેલ કે, પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાંખો એ અમારો જીવનમંત્ર છે. આ મંત્રનો પ્રથમ પ્રયોગ અમે રાષ્ટ્રીય જળસંકટ નિવારણમાં કર્યો. જ્યારે કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈ યોજના નહોતી, ત્યારે જળ સંકટને મૂળમાંથી ઉખેડી નાખવા અમે પાંચ સિદ્ધાંતની યોજના બનાવી. ૧. ગ્રામ સંગઠન ૨. ચેકડેમ તળાવની યોગ્ય સ્થળ પસંદગી ૩. ચેકડેમની નવી ડિઝાઈન ૪. લોકફંડ અને ૫.શ્રમદાન . નવી યોજનાથી અમે સરકારી સહાય વગર 300 ગામોમાં 3,000 થી વધુ ચેકડેમ તળાવ પરંપરાગત ખર્ચથી માત્ર 10 થી 20 ટકા ખર્ચ નિર્માણ કર્યા. ભેખડીયા માં અમે માત્ર દસ લાખ ખર્ચમાં બાંધેલા તળાવ જોઈને સિંચાઈ વિભાગના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયરોએ કહ્યું કે અમે આવા તળાવો ત્રણથી ચાર કરોડ રૂપિયામાં બાંધ્યા છે. માત્ર દસ લાખમાં તમે બાંધેલા તળાવનું આયુષ્ય સદીઓ સુધી સુરક્ષિત રહેશે. અનેક વિદ્વાનો અને ઇતિહાસકારોએ જામકા થી મધ્યપ્રદેશના જામલી સુધીના ચેક ડેમો જોઈને જણાવેલ કે સરકારી સહાય વગર અને શ્રમદાનથી સેંકડો ગામોમાં ચેકડેમ તળાવ નિર્માણ કરનારા મનસુખભાઈ સુવાગીયા વિશ્વ ઇતિહાસના પ્રથમ વ્યક્તિ છે. આ ચેકડેમોથી ગામ દીઠ વાર્ષિક 3 થી 25 કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન વધ્યું છે અને ઘાસચારો – રોજગારી ત્રણ ગણા થયા છે. જળરક્ષાના કાર્ય દરમિયાન અમે ગીર અને કાંકરેજ ગાય ને લુપ્ત હતી જોઈ. અમે ગો સેવા અને જીવદયાથી અલગ રસ્તે ચાલીને પ્રથમ ભારતીય ગોવંશની લુપ્તતાના કારણો શોધ્યા. લુપ્ત થતા ગોવંશને બચાવવા પ્રથમ સાત સિદ્ધાંતની યોજના બનાવી. ૧. ગીર કાંકરેજ ગાય આપણા આંગણે ૨.જાતવાનનંદી થી ગોસંવર્ધન ૩.માતાના ગર્ભથી જીવન પર્યંત દેશી ગાયના દૂધ- ઘી- છાશનો આહાર ૪. ગોબર- ગોમુત્ર- બળદથી કૃષિ ૫.જળ સમસ્યા મુકત ગામ ૬.વિદેશી જર્સી- એચ એફ જાનવરનો બહિષ્કાર અને ૭. રખડતા ખૂટ્યા- સાંઢ મુક્ત ગામ. તેમજ ગીર ગાય ગ્રંથ, કાંકરેજ ગાય ગ્રંથ, ગોસત્વ અને ગોવેદ મહા ગ્રંથ લખ્યા. જેની ગુજરાતી- હિન્દી આઠ લાખ નકલનું દેશમાં વિતરણ કર્યું. સન 2004માં રસાયણ- ઝેર મુક્ત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ નો સમગ્ર ભારતમાં સૌપ્રથમ પ્રારંભ કર્યો. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેર મુક્ત પ્રાણવાન જિંદગી ગ્રંથ લખ્યો. ભારતના 6000 ગામોમાં જઈને 7000 સંમેલનો દ્વારા લોકોને જળરક્ષા, દેશી ગોવંશ સુરક્ષા અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો સંકલ્પ લેવડાવ્યો. અને સાથે રહીને નિરંતર પ્રેરણા માર્ગદર્શન આપ્યા. જેનાથી આ ત્રણ નવી યોજનાઓનો રાષ્ટ્રમાં વિસ્તાર થયો. કૃષિ- કિસાન- ગાય- ગામડું – પર્યાવરણ અને રાષ્ટ્ર આબાદ થયા. આ નવી યોજનાથી ગીર- કાંકરેજ ગાયની સંખ્યા માત્ર 25000 હતી, તે વધીને પાંચ લાખ થી વધુ થઈ છે. દુધાળ ગાયની નવી 5000 ગૌશાળા નો પ્રારંભ થયો. એક કરોડથી વધુ લોકોને દેશી ગાયના દૂધ ઘી છાશની પ્રાપ્તિ થઈ. સંપૂર્ણ ઉપેક્ષિત ગાયના દૂધ ઘીનું સોના જેવું મૂલ્ય થયું. મફતમાં કે 2 થી5,000 માં મળતી ગીર કાંકરેજ ગાયનું મૂલ્ય 1 થી 11લાખ થયું છે જે વિશ્વ ઇતિહાસની પ્રથમ ઘટના છે. ગુજરાત અને ભારત સરકારે અમારી ત્રણેય યોજનાના પરિણામો અને જરૂરિયાત પારખીને પાણી, ગાય અને કૃષિની નવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓને જોવા ભારતના 20,000 થી વધુ ગામોના અને વિશ્વના 40 દેશના લોકો આવ્યા છે. * અનંતકાળથી ગરીબી, કુપોષણ, શોષણમાં સબળતી અને આઝાદી પછી ધર્માંતરણનો ભોગ બનેલી આદિવાસી પ્રજાના સર્વાંગી વિકાસ માટે જળ- જમીન- જંગલ- જીવસૃષ્ટિ અને જન સમાજનું જતન અને વિકાસની દિવ્યગ્રામ યોજના બનાવીને ગામ ભેખડિયા તાલુકો કવાંટ અને ગામ જામલી જિલ્લો આલીરાજપુર મધ્ય પ્રદેશને ભારતના પ્રથમ દિવ્યગ્રામ બનાવ્યા છે. ગામડાનો સર્વાંગી વિકાસ અને પરમાત્માએ બનાવેલ સૃષ્ટિની શાશ્વત સુરક્ષા નો ઉપાય દિવ્યગ્રામ યોજના છે. ભારતીય સંસ્કૃતિની વિશ્વ સર્વોપરીતા અને સુવર્ણભૂમિ ભારત નિર્માણ અમારું ધ્યેય છે જેના માટે અમે યુવાનીમાં જીવન સમર્પણ કર્યું છે. અમારી સંસ્થા જળક્રાંતિ ટ્રસ્ટ આ સેવા યજ્ઞથી આજે રાષ્ટ્રીય સંસ્થા બની છે જે ભવિષ્યમાં સમગ્ર વિશ્વને આ કાર્યોની પ્રેરણા આપશે. મનસુખભાઈ સુવાગીયાની રાષ્ટ્ર સેવા, કૃષિ સેવા, ગોસેવા અને સંસ્કૃતિ સેવાથી પ્રભાવિત થઈને કર્મયોગી અને ગુજરાતના લાડીલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવેલ કે, મનસુખભાઈ તમે દર બે મહિને મળવા આવો આપણે સાથે મળીને આ તમારી યોજનાઓનું સમગ્ર ગુજરાતના 18000 ગામો અને સમગ્ર ભારતમાં વિસ્તાર કરીશું. મનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને હું આ યોજનાઓનો અહેવાલ આપીશ. કિસાનોની આવક ડબલ કરવા અને કૃષિ પ્રધાન ભારતના વિકાસ માટે આ યોજનાઓ પાયાની યોજના છે. -લી. મહેન્દ્ર આણદાણી જળક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ.

