





મુન્દ્રા, રાજ્યભરમાં સારા વરસાદના પગલે મચ્છરજન્ય રોગના દર્દીઓ વધવાની સંભાવનાને ધ્યાનમાં લેતા રોગને અટકાવવા માટે સાફ સફાઈ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મુન્દ્રા તાલુકાના ઝરપરા અને ધ્રબ ગામે પંચાયત અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રોગ અટકાયતી પગલાના ભાગરૂપે પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંધિયાર પાણીમાં મચ્છરના પોરા ઉત્પન્ન ન થાય તે માટે જરૂરી દવાનો પંપ દ્વારા છંટકાવ અને બ્લીચીંગ પાવડર તથા ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.મચ્છરથી ફેલાતા રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી બચવા માટે સ્વબચાવના ઉપાયો અંગે જન સમુદાયને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.જનજાગૃતિના પગલાના ભાગરૂપે દિવસ દરમિયાન આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, સવારે તથા સાંજે લીમડાનો ધુમાડો કરવો, મચ્છરદાની ઉપયોગ કરવો, ઘરમાં બીન વપરાશી પાત્રોમાં પાણી ભરેલું હોય તો તેનો નિકાલ કરવો, ચોમાસાની સિઝનમાં ધાબા ઉપર પાણી ભરેલું હોય તો તેનો પણ નિકાલ કરવા અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી.મચ્છરજન્ય રોગચાળા અટકાયતી આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડિકલ ઓફિસર ડો. યસ ઘેટિયાના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર પ્રકાશ ઠક્કર, સામુદાહિક આરોગ્ય અધિકારી ડો. હસનઅલી આગરીયા, આરોગ્ય કાર્યકર નિકુલ પરમાર, ચિરાગ ઉપેરિયા, દેવેન્દ્ર ચાવડા તથા ધ્રબ ગ્રામ પંચાયતના સરપંચ અસલમ તુર્ક, ઉપસરપંચ ઇરફાન જુસબ તુર્ક, પૂર્વ સરપંચ અધ્રેમાન તુર્ક, દાઉદ ઓસમાણ તુર્ક, તલાટી મામદ સોઢા તથા ઝરપરાના તલાટી ક્રિષ્નાબેન મહેશ્વરી અને વીસીઇ જીવરાજ મીંઢાણી સાથે રહ્યા હતા.
