પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે પૃથ્વીલોક પર સુધરવું અને બગડવું માનવના વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે.કોઈ પ્રદેશ વિસ્તાર કે સમૂદાય જવાબદાર નથી આપણે રામાયણમાં જોઈએ તો બે વ્યક્તિ એવી હતી એક વિભીષણ અને બીજી કૈકેયી.વિભીષણ રાવણના રાજમાં રહેતો હતો,છતાં પણ બગડ્યો નહિ.કૈકેયી રામના રાજ્યમાં રહેતી હતી,છતાં પણ સુધરી નહિ.ભાવાર્થ : સુધરવું અને બગડવું વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે. ઈશ્વરે તો મનુષ્યમાત્રમાં પ્રસન્નતાનું સૉફ્ટવેર મૂકેલું જ છે.જરૂર છે માત્ર એને યોગ્ય રીતે ઉપયોગ કરવાની.ચાલો આપણે આજથી જ આ સૉફ્ટવેરને કાર્યાન્વિત કરવાના પ્રયત્નમાં લાગી જઈએ–પ્રારંભમાં નિષ્ફળ જઈએ તોય લેશમાત્ર ડગીએ નહિ.આપણા પ્રતિકૂળ સંજોગો અનુકૂળ કરવા પ્રયત્ન જરૂર કરીએ પરંતુ એ શક્ય ન પણ બને,સંજોગો પરત્વેનો આપણો અભિગમ તો જરૂર બદલી શકીએ.પરસેવે રેબઝેબ શરીર ને કરી દે તેવી કાળઝાળમાં ગરમી સામે બળાપો કાઢ્યા ક૨વાનો કશો અર્થ ખરો ? આવે સમયે હળવા વસ્ત્રો શરીર પર લપેટવાં, પંખા,કુલર, એ.સી.નો ઉપયોગ કરવો કે વૃક્ષ નીચે બેસી ગરમીથી રાહત મેળવવી એ જ સાચો ઉપાય છે.વ્યાકુળતાને ગંભીરતાથી નહીં હળવાશથી લો.વરસાદ ચોકકસ આવશે ને ઠંડક પ્રસરવાની જ છે.પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા ચાલો, મન પર સ્વસ્થતાનું કવચ ચડાવીએ.ગીતાકથિત ‘સ્થિતપ્રજ્ઞતા’ તે આ.‘સ્થિતપ્રજ્ઞતા’ એટલે શુષ્કતા નહિ–‘સ્થિતપ્રજ્ઞતા’ એટલે કોઈ પણ સંજોગોમાં મનની સ્વસ્થતા અને અંતરની પ્રસન્નતા ટકાવી રાખવી તે.વિનોબાજી કહે છે તેમ પૂર્ણપણે સ્થિતપ્રજ્ઞ હોય તેવો મનુષ્ય મળવો મુશ્કેલ છે,પણ આ એક આદર્શ છે. ડગલું-ડગલું આગળ જવાનું છે.જીવનને પૂર્ણપણે માણવાનો કદાચ આ જ એક માર્ગ છે.આપણે ગઈકાલના વ્યાખ્યાનમાં દ્રષ્ટિકોણ અભિગમ વિશે જાણ્યું હતું.બસ માનવી માનવ થાય તો ઘણું.આપણે માનવ યોનીમાં જન્મ્યા છીએ તો એ પ્રકારનો ઉત્તમ દ્રષ્ટિકોણ અભિગમ જીવનમાં કેળવીએ.

