


ગુજરાતનો વિકાસ સતત જારી રહે તેવી નેમ સાથે છેવાડાના ગરીબ માનવી પોતાના પાકા મકાનની છતનું સ્વપ્ન સાકાર કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના સફળ સુકાની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું છે
રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રીશ્રી મોરડીયાના હસ્તે અંદાજે રૂા.૧૯.૯૫ કરોડથી વધુના ખર્ચના ૨૫ જેટલા વિવિધ વિકાસકામોના ડિજીટલી ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત થકી કરાયું તકતીનું અનાવરણ
રાજપીપલા,-શૈશવ રાવ
ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે આજે રાજપીપલા અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલ ખાતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યામભાઇ પટેલ, શ્રી વિક્રમભાઇ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને જિલ્લાવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના જિલ્લા કક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના ઉક્ત કાર્યક્રમમાં મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ અંદાજે રૂા.૧૯.૯૫ કરોડથી વધુના ખર્ચના ૨૫ જેટલા વિવિધ વિકાસકામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરી ડિજીટલી લોકાર્પણ-ખાતમુર્હૂતની તકતીનું અનાવરણ કર્યું હતું. મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ જિલ્લા કક્ષાના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસ મોડેલને ચરિતાર્થ કરનાર ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ જારી રાખી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે વિશ્વના ફલક ઉપર એક અલગ પ્રભાવ પાડ્યો છે. ગુજરાતની સાથોસાથ નર્મદા જિલ્લો પણ વિકાસની મુખ્યધારામાં આવી ગયો છે. બે દાયકા અગાઉના અને હાલના પ્રવર્તમાન સમયની સરખામણીએ જિલ્લાનો વિકાસ આંખે ઉડીને વળગે તે રીતની પ્રગતિ થઇ રહી છે. પ્રજાજનોની મૂળભૂત જરૂરિયાત સંતોષવાની દિશામાં જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઇ છે. છેવાડાના ગરીબ માણસોના પોતાના પાકા મકાનની છતનું સ્વપ્ન સાકાર કરવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના સફળ સુકાની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું છે. તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યું હતું. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતે પ્રાપ્ત કરેલી ગણના દરમિયાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જો દેશના વડાપ્રધાનપદે હોય તો ભારતની કાયાપલટ થઇ જાય તેવી પ્રત્યેક ગુજરાતવાસીઓના હ્રદયમાં જે તે સમયે રહેલી લાગણી, આકાંક્ષા અને અપેક્ષાઓનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં નાખેલો વિકાસનો પાયો અને વિકાસ માટે કંડારેલી કેડીને આગળ વધારવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું છે, ત્યારે વિષમ પરિસ્થિતિમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યા કે રૂંધાયા વિના ખૂણે ખૂણે ગુજરાતનો વિકાસ સતત જારી રહે તેવી નેમ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતની શાસન ધુરા સાંભળી રહી છે, તેમ પણ શ્રી મોરડીયાએ ઉમેર્યું હતું.દેશના ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક મૂળ સંસ્કૃતિના મૂલ્યોના જતન અને તેના સંવર્ધન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઇ રહેલા અસંખ્ય અને અદ્વિતીય પ્રયાસોનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં છેવાડાના માનવીના સર્વાંગી વિકાસની સાથોસાથ દેશના સીમાડાઓની સલામતી-રક્ષા સહિતના અનેકવિધ ક્રાંતિકારી લીધેલા પગલાંઓની સાથેસાથ કોરોના કાળમાં દેશમાં કોરોના વિરોધી વેક્સિનના ઉત્પાદનની અને દેશવાસીઓને કરોડો રૂપિયાના ખર્ચ સાથે નિ:શૂલ્ક રસીકરણ કરીને પ્રજાજનોને સુરક્ષા કવચ પુરૂં પડાયું છે. નવનિર્માણની સાથોસાથ આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહેલા અને પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે પહોંચવા માટે ભારત એક પછી એક નીતનવા કદમ લઇ રહ્યું છે, ત્યારે પ્રજાએ કેન્દ્ર-રાજ્ય સરકારમાં મૂકેલા અતૂટ વિશ્વાસથી આગળ ધપી રહેલી આ વિકાસયાત્રા હજી પણ વધુ તેજ બનશે અને ભારતમાતા સમગ્ર વિશ્વમાં પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે અચૂક બિરાજશે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે, વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને પ્રેરણા પૂરી પાડવાનો છે આપણે સૌએ તેને જોઈને કંઈક ને કંઈક પ્રેરણા લેવાની છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના વ્યક્તિનો વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ સરકારશ્રીએ અમલમાં મૂકી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સરકારશ્રી દ્વારા વિકાસના અનેકવિધ કામો અસરકારાક રીતે કરવામાં આવી રહ્યા છે. આજે આદિવાસી અધિકાર દિવસ પણ ઉજવાઇ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપુરૂષોના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવાની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે આદિવાસીઓ માટેના ઐતિહાસિક નિર્ણયો પણ કર્યા છે અને વનબંધુ કલ્યાણ યોજના જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સરકારશ્રીએ આપણને ભેટમાં આપી છે, તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યુ હતું.
સંસદસભ્યશ્રી વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે સલામત રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાતની સલામતી જોઈને દેશ-વિદેશના ઉદ્યોગોએ પણ મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરી અહીં ઉદ્યોગો પ્રસ્થાપિત કર્યાં છે. તેના કારણે જ આજે સ્થાનિકોને રોજગારી મળી છે. માત્ર એટલું જ નહીં ગુજરાત સરકારે છેવાડાના અંતરિયાળ વિસ્તરના બાળકોને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટેના અનેક પ્રયાસો કરી આજે દરેક માનવીના વિકાસ સાથે દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની દિશામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબધ્ધ રહી છે, તેમાં આપણે સૌ નાગરિકોએ પણ સામેલ થઇ દેશને ઉચ્ચ શિખરે લઇ જવામાં સહભાગી થવાનું આહવાન તેમણે કર્યું હતું. આ પ્રસંગે ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, નંદનવન એવા નર્મદા જિલ્લાને આપણે સૌ સાથે મળી વધુ સુંદર બનાવીએ કારણ કે નર્મદા જિલ્લાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અમૂલ્ય ભેટ આપીને જિલ્લાનું નામ વિશ્વમાં અંકિત કરાવ્યું છે, ત્યારે જિલ્લાના થઈ રહેલા વિકાસમાં આપણે સહભાગી બની આપણા જિલ્લાને વિશ્વમાં નામના અપાવીએ તેવી આ તબક્કે તેમણે અભિલાષા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના સંકલ્પને આગળ ધપાવતા ગુજરાત રાજ્યના પંચાયત વિકાસ વિભાગ દ્વારા ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ પૈકી નાંદોદ તાલુકાની ચિત્રાવાડી અને આમલેથા ગ્રામ પંચાયતને સ્વચ્છતાના અભિયાનને આગળ ધપાવવા માટે ગામમાં કચરાના એકત્રીકરણ અર્થે ટ્રેક્ટરની કરાયેલી ફાળવણી સંદર્ભે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા અને અન્ય મહાનુભાવના હસ્તે ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને ટ્રેક્ટરની ચાવી અર્પણ કરી લીલી ઝંડી દ્વારા ટ્રેક્ટરને સંબંધિત ગામો તરફ પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારશ્રીઓ, શહેર-જિલ્લાના અગ્રણીઓ, શહેર-જિલ્લાવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભમાં પ્રાયોજના વહિવટદારશ્રી પંકજ ઔંધિયાએ તેમના સ્વાગત પ્રવચમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં રાજપીપલાના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણીએ આભારદર્શન કર્યું હતું.
