“દીકરી છે તો દુનિયા છે” આ શબ્દોને ચરિતાર્થ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે દીકરીઓ માટે “કૂખથી લઈને કરિયાવર સુધી” ની અનેક યોજનાઓ લાગુ કરી છે -જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત નર્મદા જિલ્લાકક્ષાનો યોજાયેલો સખી મેળો

રાજપીપલા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત કાર્યક્રમ સ્થળે વિવિધ ૬ જેટલાં સ્ટોલ ઉભા કરી મહિલા-કિશોરીઓને લગતી યોજનાઓની અપાઇ જાણકારી

જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સહભાગી તમામ મહિલા-કિશોરીઓનું આરોગ્ય વિાભાગ દ્વારા કરાયું હેલ્થ ચેકઅપ

શૈશવ રાવ. રાજપીપળા

      રાજપીપલા,બુધવાર :- ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત નર્મદા જિલ્લાકક્ષાનો સખી મેળો આજરોજ રાજપીપલા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રમતી પર્યુષાબેન વસાવા દ્વારા અન્ય પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને દિપપ્રાગટ્ય થકી ખૂલ્લો મુકાયો હતો.

       આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે દેશભરમાં દીકરીઓ માટે અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં દીકરીઓ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. આપણે સૌએ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, “દીકરી છે તો દુનિયા છે”. આ શબ્દોને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે દીકરીઓ માટે “કૂખથી લઈને કરિયાવર સુધી” ની અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. દીકરીઓને સક્ષમ અને સુરક્ષિત બનાવવા સાથે સારું શિક્ષણ આપવા માટે તેમજ માતા-પિતા ઉપર દીકરીનું ભારણ ન આવે તે માટે સરકારશ્રીએ બેટી બચાવો-બેટી પઢાવોના અભિયાનને સાકાર કરવા સુકન્યા સમૃદ્ધિ યોજના લાગુ કરી છે. આ સિવાય પણ સરકારશ્રીની અનેક યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓને ગામે ગામ સુધી પહોંચાડવાનું કામ આંગણવાડીની બહેનો કરી રહી છે ત્યારે તેમને પણ આપણે ધન્યવાદ આપવા જોઈએ. હજુ પણ જ્યાં ગામડાઓમાં કિશોરીઓ અને મહિલાઓ સરકારશ્રીની એક પણ યોજનાથી વંચિત ન રહે તેના માટે સકારાત્મક કાર્યો કરવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને દિશા સૂચન આપ્યું હતું.

        આ તબક્કે નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરી,આઇસીડીએસના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, અભયમ હેલ્પલાઇન ૧૮૧ ની ટીમ, અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુશ્રી શીતલબેન પટેલ તેમજ બરોડા સ્વરોજગાર સંસ્થાન રાજપીપલાના રાજેન્દ્રભાઇ ગોહિલ અને નાંદોદ-ગરૂડેશ્વરના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. કે.એસ.સુમને સરકારશ્રીની મહિલાઓ અને કિશોરીઓને લગતી વિવિધ અમલી યોજનાઓ અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. તેમજ મહિલાઓની સમસ્યાઓ અંગે પણ વિસ્તૃતમાં ચર્ચા કરી સમસ્યાઓ કેવી દૂર કરી શકાય તે અંગે દ્રષ્ટાંત સહ જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. જ્યારે નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી અને મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી મહિલા અને કિશોરીઓને પ્રોત્સાહિત કરી હતી. 

        અત્રે ઉલ્લેખનીય છે કે, બેટી બચાવો-બેટી પઢાવો યોજના અન્વયે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત સખી મેળાના સ્થળે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ૬ જેટલાં સ્ટોલ ઉભા કરી કાઉન્સેલીંગ, કિશોરી પોષણ-સ્વાસ્થ્ય વિષયક જાગૃતતા તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા-કિશોરીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ સ્ટોલ પરથી વિવિધ હેલ્પલાઇન બાળક/કિશોરીઓ/મહિલાઓ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી, જાતિગત સંવેદનશીલતા (જેન્ડર) ને  સ્પર્શતા મુદ્દાઓ, બેટી બચાવો-બેટી પઢાવો વગેરે જેવી બાબતો આવરી લઇને તેની વિસ્તૃત જાણકારી અપાઇ હતી.

 કાર્યક્રમના પ્રારંભે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી સચિનભાઇ રાઠવાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇ રહેલી કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM