
રાષ્ટ્રીય એકતા દોડમાં ઉપસ્થિત સર્વે લોકોએ મોરબી પુલ તૂટવાની હોનારતમાં મૃત્યુ પામેલ નાગરિકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા





સમગ્ર દેશમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી, તા. 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ ગાંધીનગર શહેરના ઘ-4 નજીકના સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આરંભ થયો હતો. આ દોડના આરંભે સહભાગી બનેલા સર્વે નાગરિકોએ રાષ્ટ્રીય એકતા ના શપથ લીધા હતા તેમજ મોરબી પુલ તૂટવાની હોનારતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં હતા. ત્યારબાદ સાદગી પુર્ણ રાષ્ટ્રીય એકતા દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા દોડના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી ભરત જોષી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કેયુરભાઈ જેઠવા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારી શ્રી વિનય અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.


