વડોદરામાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી. ગોરે રાજકીય પક્ષો સાથે કરી બેઠક

રિપોર્ટ : ચિરાગ પાંડેય
ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થયા બાદ વડોદરા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોર દ્વારા આજે શુક્રવારે વિવિધ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમણે વિવિધ મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવા સાથે આદર્શ આચાર સંહિતના અનુપાલન માટે રાજકીય પક્ષોને ભારપૂર્વક જણાવ્યું હતું.
વડોદરા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજકીય પ્રચાર અને પ્રસાર માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં સભા કે રેલી માટેની પરવાનગી આવશ્યક છે. ધર્મ કે જાતિના નામે વર્ગવિગ્રહ ના થાય એ રીતે પ્રચાર અને પ્રસાર કરવાનો રહેશે. ધાર્મિક સ્થાનો અને શૈક્ષણિક સંકુલોમાં પ્રચાર નહીં કરી શકાય. સરકારી ઇમારતો ઉપર કોઇ પણ પ્રકારનું રાજકીય પ્રચારાત્મક સાહિત્ય લગાવી શકાશે નહીં. ખાનગી મિલ્કતો ઉપર તેના માલિકની પરવાનગી વિના આવું સાહિત્ય નહી લગાવાઇ.

ચૂંટણી પ્રક્રીયામાં તમામ લોકોની સક્રીય ભાગીદારી ખૂબ જ જરૂરી છે, એમ કહેતા કલેક્ટર ગોરે વધુમાં જણાવ્યું હતું કે, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રીયા દરમિયાન રાજકીય પક્ષોનો સહયોગ આવશ્યક છે.

આ ઉપરાંત તેમણે વિવિધ પરવાનગીઓ, રાજકીય પ્રવાસો સહિત મુખ્ય નિયમો સહિતનું માર્ગદર્શન રાજકીય પક્ષોને આપ્યું હતું. રાજકીય પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સેવાઓ અને સાધનોના નિયત કરવામાં આવેલા દરોની પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

ચૂંટણી ખર્ચ માટે જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલે કહ્યું કે, ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરવામાં આવી છે. પ્રતિપ્રેષક અધિકારીની કક્ષાએ ચૂંટણી ખર્ચનો તાળો મેળવવા માટે નિયત કરાયેલા સમયે ઉમેદવાર કે તેના પ્રતિનિધિએ ઉપસ્થિત રહેવાનું રહે છે. ચૂંટણી ખર્ચ માટે એક જ બેંક ખાતું ખોલાવવાનું રહે છે. રૂપિયા ૧૦ હજાર કે તેના ઉપરના તમામ પ્રકારના આર્થિક વ્યવહાર ચેકથી કરવાના રહે છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ ઉપર ખર્ચ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાની વિસ્તૃત માહિતી રાજકીય પક્ષોને આપી હતી.

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઉક્ત માર્ગદર્શિકાઓના કમ્પોડિયમ પણ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર સુશ્રી મિતા જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM