

ભારત સરકારના અસંગઠીત શ્રમયોગી સામાજીક સુરક્ષા અધિનિયમ ર૦૦૮ની કલમ ૧૦ની જોગવાઈ મુજબ અસંગઠીત શ્રમયોગીઓ જેવા કે બાંધકામ શ્રમયોગીઓ, ડોમેસ્ટીક વર્કર્સ, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, સ્ટ્રીટવેન્ડર્સ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, પ્લાનટેશન વર્કર્સ, મીલ્કમેન તેમજ અન્ય સબંધિત શ્રમયોગીઓની નોંધણી કરવાની રહે છે. જેને માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગ ધ્વારા ‘ઈ-શ્રમ’ પોર્ટલ બનાવવામાં આવેલ છે. ‘ઈ-શ્રમ’ માં નોંધણી કરાવનાર શ્રમિકોને આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂા. ર લાખની સહાય તથા આંશિક અપંગતતાના કિસ્સામા રૂા. ૧ લાખની સહાયનો લાભ આપવામાં આવે છે. વધુમાં સદર નોંધણી થકી શ્રમિકોને સામજીક સુરક્ષા અને સરકારશ્રીની કલ્યાકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહેશે.
સુરત જીલ્લામાં આજદિન સુધીમાં કુલ ૮,૯ર,૩૭૦ જેટલા શ્રમિકોની નોંધણી ઈ-શ્રમ પોર્ટ ઉપર કરવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાથી અસંગઠીત શ્રમયોગીઓ વંચિત ન રહે તથા તેઓ સુધી સરકારશ્રીની આ યોજનાનો લાભ પહોચાડી શકાય તદઉપરાંત ભવિષ્યમાં પણ સરકાર ધ્વારા અસંગઠિત શ્રમ યોગીઓને સીધી સહાય પુરી પાડી શકાય તે હેતુથી વધુમાં વધુ શ્રમિકોની ઈ-શ્રમમાં નોંધણી કરાવવા આજ તા.ર૧/૦૩/ર૦ર૩ના રોજ માન. કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ, આઈ.એ.એસ અને માન. કલેકટર શ્રી આયુષ ઓક, આઈ.એ.એસ ની અધ્યક્ષતામાં પરફોર્મિંગ આર્ટ સેન્ટર, સુરત ખાતે મિટિંગનું આયોજન થયેલ. સદર મિટીંગમાં મા.કમિશ્નરશ્રીએ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના ઝોનલ ચીફશ્રી, આસી. મ્યુ.કમિશ્નરશ્રી અને પુરવઠા વિભાગના ઝોનલ ઓફીસરશ્રીઓની સંયુકત ટીમ બનાવીને આગામી દશ(૧૦) દિવસમાં આ બાબતે ઘનિષ્ઠ કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરી મહત્તમ શ્રમીકોની નોંધણી સુનિશ્ચીત કરવા સુચના અપાયેલ તથા માર્ગદર્શન પુરુ પાડેલ છે. આ ઉપરાંત માન. કલેકટર શ્રી આયુષ ઓક, આઈ.એ.એસ એ પુરવઠા વિભાગના ઝોનલ ઓફિસરો, તમામ ઝોનના આસી. કમિશ્નરશ્રીઓને સદર કામગીરી સંદર્ભે જરૂરી સુચનો કરી કોમ્પ્યુટર ઓપરેટરોને ડેટા એન્ટ્રી કરવા સંબંધિત જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી કરવા માટે સી.એસ.સી. મારફતે ઓપરેટરો ઉપલબ્ધ કરાવાશે તથા સુરત મહાનગરપાલિકા ધ્વારા પણ કુલ ર૪૬ એસ.એસ.કે. આઈ.ડી. મેળવાયેલ છે જેઓ મારફતે રજીસ્ટ્રેશનની કામગીરી કરાવવામાં આવશે. વધુમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો, સીવીક સેન્ટર, વોર્ડ ઓફીસ જેવા સ્થળોએ પણ રજીસ્ટ્રેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જયાં જઈને શ્રમિકો નોંધણી કરાવી શકે છે.
ત્યારબાદ સી.એસ.સી જિલ્લા મેનેજર શ્રી તુષાર બેલડીયાએ ઈ-શ્રમ પોર્ટલમાં નોંધણી કરવાની પ્રોસેસ સંદર્ભે પ્રેઝન્ટેશન રજુ કરી ઉપસ્થિત અધિકારીશ્રીઓ તેમજ ઓપરેટરોને વિસ્તૃત સમજ આપી હતી. સદર મિટીંગમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના માન. ડે.મ્યુ. કમિશ્નરશ્રીઓ, માન. આસી.મ્યુ. કમિશ્નરશ્રીઓ અને માન. નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓ, માન.પુરવઠા વિભાગના ઝોનલ ઓફિસરો, માન. આસી.કમિશ્નરશ્રી, લેબર, સી.એસ.સીના કોમ્પ્યુટર ઓપરેટર અને એસ.એસ.કે. આઈ.ડી ધારકો ઉપસ્થિત રહયા હતા.
