મહીસાગર જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજનામાં ૨૦૫ ખેડૂત લાભાર્થીઓને પ્રાથમિક મંજુરી અપાઇ
ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજનામાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનો બજારોમાં સરળતાપૂર્વક લઈ જઈ સારા ભાવે વેચાણ કરી શકે તે માટે મધ્યમ માલવાહક યોજના શરૂ કરવામાં આવી છે. કોરોનાના સંકટકાળમાં સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાઓને ખેડૂતો આવકારી રહ્યા છે. આ યોજનાના પ્રારંભીક સારા પરીણામો જમીની સ્તર પર મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યા છે. જેનો લાભ મેળવનાર મહીસાગર જિલ્લાના કાળુભાઇ ખાંટના ખેડૂત પરીવારે આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું છે.
આ યોજનામાં રૂપિયા પંચોતેર હજારની સહાય મેળવી વાહન ખરીદનાર કડાણા તાલુકાના લાડપુર ગામના લાભાર્થી ખેડૂતપુત્ર નરેશભાઇ કાળુભાઇ ખાંટે જણાવ્યુ કે ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના લાભદાયી છે. અગાઉ ખેત પેદાશો બજારમાં લઈ જવા તકલીફનો સામનો કરવો પડતો હતો અને સમયસર અમારૂ ખેત ઉત્પાદન બજાર ન પહોંચી શકવાના કારણે ભાવમાં નુકશાન વેઠવું પડતુ હતું પણ હવે પોતાની ખેતપેદાશો સમયસર બજારો સુધી પહોંચવાના કારણે સારો ભાવ પણ મળે છે. આ ઉપરાંત આસપાસના ખેડૂતોના ખેત ઉત્પાદનો બજાર સુધી પહોંચાડી ભાડાની આવક મળતાં આવકમાં વધારો થયો છે. અને અમે આત્મ નિર્ભર બન્યા છીએ. તે બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારનો આભાર વ્યકત કરતાં હર્ષની લાગણી અનુભવી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી સુમિત પટેલે જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૨૦૫ ખેડૂત લાભાર્થીઓને વાહન ખરીદવા પ્રાથમિક મંજૂરી આપવામાં આવેલ છે. જમીન પ્રમાણે મંજૂર થયેલ રૂપિયા પચાસ હજારથી પંચોતેર હજાર સબસિડી સહાય માન્ય થયેલ ચાર ડીલરોને ત્યાં બાદ કરીને જ લાભાર્થી ખેડૂતને વાહન આપવામાં આવે છે તેની પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૨૦૫ ખેડૂત લાભાર્થીઓને વાહન ખરીદવા પ્રાથમિક મંજૂરી આપવામાં આવતા વાહન ખરીદનાર ખેડૂતો કિસાન પરીવહન યોજનાને ખેડૂતો માટે લાભદાયક અને આવકવૃધ્ધિ કરનારી ગણાવી ખેડૂત હિતલક્ષી યોજના માટે સરકારશ્રીનો આભાર વ્યકત કરી રહ્યા છે.



