સુરત સર્કિટ હાઉસ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને લોકપ્રશ્નોના નિરાકરણ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ

રિપોર્ટ, મયુર પટેલ

આમજનતાની સુવિધા માટે વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ જરૂરી છેઃ સાંસદ પ્રભુભાઈ વસાવા

અધિકારીઓને માનવીય અભિગમ સાથે પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અનુરોધ કરતા સાંસદશ્રી

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે મીઠીખાડી, કોયલીખાડી, વરસાદી પાણીની લાઈન, જેટકોની લાઈન, રોડ-રસ્તા, આરોગ્ય, વિજળી, દબાણો જેવા લોકપ્રશ્નોના નિરાકરણ તેમજ વિભાગીય કામગીરીની સમીક્ષા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સાંસદશ્રીએ આમજનતાની સુવિધા માટે વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને માનવીય અભિગમ સાથે પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અનુરોધ કર્યો હતો. લોકપ્રશ્નોના નિવારણ માટે પોતે હરહંમેશ પ્રતિબદ્ધ છે એમ જણાવતાં જનતા હોય કે પદાધિકારી, કોઈ પણ વ્યક્તિ લોકહિતને સ્પર્શતા પ્રશ્નો લઈને વિનાસંકોચે આવી શકે છે. સમસ્યાઓ અને રજૂઆતોને પૂરતો ન્યાય આપવા લોકસેવક તરીકે તેઓ તત્પર છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય એ માટે દરેક પ્રશ્નોના નિવારણને સરકારે પ્રાથમિકતા આપી છે, ત્યારે વોર્ડના પ્રમુખશ્રી-મંત્રીશ્રી-કોર્પોરેટરશ્રીઓ તેમજ જાગૃત લોકોને લેખિતમાં પોતાની રજૂઆત આપવા અને આ રજુઆતોને ન્યાય આપવા, સમાસ્યાઓનું નિરાકરણ કરવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે બેઠકમાં મીઠીખાડી અને કોયલી ખાડીની સ્વચ્છતાની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને અને જેટકો લાઈનનું ઝડપભેર કામગીરી પુર્ણ થાય એ માટે જેટકોના અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં અનેક ફુટપાથ પર દબાણ કરતાં ફેરિયાઓના દબાણ હટાવવા, મીઠીખાડી અને કોયલીખાડીની આજુબાજુમાં ગેરકાયદે વસવાટ કરી રહેતાં લોકોના દબાણ દુર કરવા માટે સુચના આપી હતી. મનપાના અધિકારીઓને સમયાંતરે સ્થાનિક વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિકો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોને ઝડપથી નિવારવા કરવાનો અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ વોર્ડના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM