








રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તખતગઢ ગામની મહિલાઓ દ્વારા જય આશાપુરા સખી મંડળ થકી રાખળી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત તાલીમ મેળવી મહિલાઓ વિવિધ પ્રવૃતિઓ કરી આત્મનિર્ભર બની આજીવિકા રળી રહી છે.
વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તિકરણના સ્વપ્નને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગામડાની મહિલાઓ વિવિધ સુશોભનની વસ્તુઓ બનાવતા, વાનગીઓ પાકનું મૂલ્ય વગેરે દ્રારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તાલીમ આપવામાં આવે છે. સખી મંડળોને ઓછા વ્યાજની બેંક લોન આપવામાં આવે છે. જેથી મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો ઉપયોગ કરીને નાણાં કમાઈ શકે.
સખી મંડળના નિરૂબેન પટેલ જણાવે છે કે, તખતગઢનું જય આશાપુરા સખી મંડળ આવનારા રક્ષાબંધનના તહેવાર માટે રાખડીઓ બનાવવાની કામગીરી શરૂ કરી છે. અત્યારે આ બહેનો દ્રારા બનાવવામાં આવતી રાખડીઓ ગામમાં અને આસપાસના ગામોમાં છૂટક વેપાર થાય છે તેમજ આવનાર સમયમાં તેઓ રાખી મેળામાં ભાગ લેવા માટે ૫૦૦૦થી વધુ રાખડીઓ બનાવવાના છે. આ રાખડીમાં હાલની ફેશન પ્રમાણે મોતીની ભગવાન ગણેશ, ૐ, સ્વસ્તિક ની ડિઝાઇન વાળી રાખડી, ભાભી રાખડીઓ નાના બાળકોને ગમતી કાર્ટૂન વાળી રાખડી જેવી રાખડીઓ બહેનો બનાવે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, ગામની અન્ય મહિલાઓ પણ અનેક પ્રવૃતીઓ સાથે જોડાઇ પગભર બની રહી છે. જેથી મહિલાઓએ પોતાના અને બાળકોના ઘણા ખરા ખર્ચ પોતે જ ઉપાડી ઘરમાં આર્થિક મદદ કરી શકે છે. જેથી ઘરની આર્થિક સ્થિતિ સુધરવાની સાથે બાળકો પર પણ આની સારી અસર જોવા મળે છે.
