











રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો ૭૪મો વન મહોત્સવ તલોદના ઓમ શાન્તિ ભવન ઉજેડીયા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલે જણાવ્યું હતુ કે વૃક્ષમાં વાસુદેવને જોનારા આપણા પૂર્વજો આદિકાળથી પ્રકૃતિના પૂજક રહ્યા છે.સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે. વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલનને કારણે જીવસૃષ્ટિને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.કોરોનાએ આપણને સૌને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. આ પરિસ્થિતિને નિવારવા માટે વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે.
આ કાર્યક્રમમાં પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણીની સાથે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ. અને માનવીઓએ શુદ્ધ જીવનશૈલી આપનાવી માનવ કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ એ.પી સિંહે જણાવ્યું હતું કે ઈ.સ 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા અગમબુદ્ધિ વાપરી વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ લાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધાર્મિક, સાંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોને જોડીને વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી છે. જિલ્લામાં ૧૧% વન આરક્ષણ છે. જેને વધારવા માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા પડશે.
ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટરના ડાયરેક્ટરશ્રી બી. કે નેહાબેને જણાવ્યું હતું કે મનુષ્યની માનસિક સ્થિતિની અસર પ્રકૃતિ પર પડે છે. સમય જતા પ્રકૃતિ પ્રત્યેની લોકોની લોભ અને શોષણ વૃત્તિને કારણે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને કારણે કુદરતે પોતાના રોદ્ર સ્વરૂપ દેખાડવા લાગી છે. આથી આપણે સૌએ વૃક્ષ ઉછેરવા જોઈએ.
વન મહોત્સવમાં પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વન પ્રેમીઓ, સખી મંડળની બહેનો,વિવિધ યોજનાકીય લાભાર્થીઓને તમેજ વનક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં “વૃક્ષરથ”ને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા બાળ સમિતિના ચેરમેનશ્રી, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, એપીએમસી ચેરમેનશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઇડર,નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર, નાયબ વન સંરક્ષકશ્રી એસ. ડી. પટેલ,પ્રાંત અધિકારીશ્રી,વિવિધ અગ્રણીશ્રીઓ,તાલુકા વન વિભાગના ઉચ્ચ અધિકારી, કર્મચારી તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
