
” यदा यदा हि धर्मस्य ग्लानिः भवति भारत,अभ्युत्थानमधर्मस्य तदा आत्मानं सृजामि अहम् |
परित्राणाय साधूनां विनाशाय च दुस्-कृताम्, धर्म-संस्थापन-अर्थाय सम्भवामि युगे युगे ||
મથુરાના રાજા કંસના મહાત્રાસમાંથી સર્વ યાદવોને, પ્રજાને, પૃથ્વીને, વસુદેવ તથા દેવકીને મુકત કરવા માટે તથા ધર્મના સ્થાપન માટે, અસુરોના નાશ માટે ભકતવત્સલ વિષ્ણુએ પૃથ્વી પર જન્મ લેવાનું નકકી કર્યું. શ્રાવણવદ આઠમના દિવસે અંધારી મેઘલી રાતે મથુરાના કારાગૃહમાં દેવકીનાં કૂખે કૃષ્ણ પ્રગટયા. આ દિવસ એટલે સમસ્તભારતને ભકિતરસમાં તરબોળ કરનાર જન્માષ્ટમી કૃષ્ણાષ્ટમી. કૃષ્ણએ પોતાના કાર્યોને સિદ્ધ કરવા, ગોપીઓને ઘેલું લગાડવા, જન્મતાં જ ગોકુળ જવા માટે સફર ચાલુ કરી. વાદળોના ગડગડાટ, વીજળીના કડાકા અને મુશળધાર વરસાદમાં યમુનાના તોફાની નીર ઓળંગી નવજાત કૃષ્ણ પહોંચ્યા ગોકુળ. કારાગૃહમાં જન્મનાર દેવકીપુત્ર જાણે ફરી જન્મ્યા ગોકુળમાં. ત્યાં ગોકુળવાસીઓને તેમણે ઘેલું લગાડયું, ગોકુળમાં તેમણે અનેક અનંતલીલાઓ કરી, મુરલીના નાદે જીવમાત્રના, જડચેતનના મન મોહ્યાં, અસુરોના વધ કર્યા, પૂતનાનો વધ કર્યો, ગોવર્ધન પર્વત તોળ્યો, માખણ ચોર્યાં, નાગદમન કર્યું, માતા જશોદાને બ્રહ્માંડ દર્શન કરાવ્યું, ગેડીદડે રમ્યા, યૌવનલીલા કરી અને ખાસતો યુગો સુધી અમર રહે તેવું યુગ્મ રચ્યું .રાધેકૃષ્ણનું !ગોકુળમાં રાસલીલાકરવામાં રમમાણ રહયાં પણ કંસવધરૂપી જીવનધ્યેય ન ભૂલ્યા, બધાંને વિરહ વેદનાના સાગરમાં ડૂબાડી ફરી સફર આદરી ગોકુળથી મથુરાની, મથુરા આવી તેમણે પૃથ્વીને પીડનાર મામાકંસનો વધ કર્યો, આસુરીવૃત્તિ, અધર્મ અને અનીતિનો વધ કર્યો, અને ગોપાલ કૃષ્ણ બન્યા મથુરાના રાજવી ! મથુરાથી હસ્તિનાપુર જઈ પાંડવો સાથે રહીને કુરુક્ષેત્રમાં ફરી એક વાર દુર્યોધન રૂપી અધર્મ, અનીતિરૂપી અસુરનો વધ કરાવ્યો. અને આ જ મહાસંગ્રામમાં પ્રભુએ અર્જુનને વિશ્વરૂપ વિરાટ દર્શન પણ કરાવ્યું. અને પોતાના શ્રીમુખેથી શીતળગીતાગંગા વહાવી. પાંડવોને જિતાડયા પછી ફરી આવ્યા કર્મભૂમિ સૌરાષ્ટ્ર-દ્વારિકામાં. દ્વારિકામાં વર્ષો સુધી શાસન કર્યા પછી ભાલકાતીર્થે એક સામાન્ય પારધીના તીરથી સુદર્શન સ્વામી મૃત્યુને પામ્યા ! કારાગૃહથી સફર શરૂ કરી જગતનો ઉદ્ધાર કરી ભાલકાતીર્થે વિશ્વેશ્વર અનંતમાં વિરમ્યા !
જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવે છે કે શ્રીકૃષ્ણ માનવજીવનના અજર- અમર ભોમિયા છે. આજે પણ એ મહતત્વજ્ઞાની આપણને પ્રેરણા આપવા ઊભા છે. જન્મ થી મૃત્યુ સુધીનું તેમનું સમગ્ર જીવન એક બોધ છે.કૃષ્ણ કારાગૃહમાં જન્મ્યા. સમગ્ર જગત જે કામ, ક્રોધ, લોભ, મોહમાયારૂપી બંધનોથી ભરેલું કારાગૃહ જ છે. બાલકૃષ્ણનો જન્મ થતાંજ જેલના દ્વાર ખૂલી ગયા હતા અને વસુદેવની બેડીઓ છૂટી ગઈ હતી તેમ આપણા જીવનમાં પણ પ્રભુનુ આગમન સાચા અર્થમાં થાય તો તમામ સાંસારિક માયાના બંધનોથી છૂટી જવાય.
સ્વયંકૃષ્ણએ જ કહ્યું છે, ‘તમારા મનના માનેલાં સર્વધર્મોને ત્યજી મારા શરણે આવો, હું સર્વ પાપબેડી થકી તમને મુકત કરાવીશ.’કૃષ્ણ તરફ જોનારને કૃષ્ણ પોતાના લાગતા. શણગાર તરીકે તે માથે મોરપીંછ અને ગળામાં ચણોઠીની માળા ધારણ કરતા, ભરવાડોની વેણુ-વાંસળીને તેમણે પોતાના શોખની વસ્તુ બનાવી, ગેડીદડા જેવી રમત તથા મલ્લકુસ્તી જેવા કસરતના દાવોને પ્રચલિત કર્યાં. કૃષ્ણ નાના હતા ત્યારે માખણ ચોરીને ખાતા અને સૌ ગોપમિત્રોને ખવડાવતા તેથી સૌ હૃષ્ટપુષ્ટ બનતા. માખણ એટલે નવનીત-સાર, પ્રત્યેકનાં ઘરમાં જે સારરૂપ છે, સદ્દગુણો છે તે માખણ સૌને ખવડાવી સંસ્કાર-સિંચન કરતા. ગોવાળિયાંઓને ભેગાં કરી કૃષ્ણએ તેમનો પ્રેમ જીતી લીધો હતો. સત્તા કે સંપત્તિ વિના પણ સેંકડો લોકોનું સંગઠન કરી શકાય તે મુરલી-મનોહરે ગોકુળમાં કરી બતાવ્યું.
કૃષ્ણને સનાતન શિશુ તરીકે જોઈ શકાય. કોઈપણ નટખટ બાળકને જોઈએ ત્યારે તેમાં જરૂર કૃષ્ણની ઝાંખી થાય ! રામનું બાળપણ બાહ્ય કાળમાં પૂરું થયું, બુદ્ધ અને ઈશુનું બાળપણ ગંભીરતામાં વિલીન ગઈ ગયું, પરંતુ કૃષ્ણ આજીવન બાળક રહ્યાં-બાળક જેવા નિર્દોષ રહ્યાં. તેની બાલ્ય રમતમાં તેમણે પ્રાણ પૂર્યાં છે. યુવાનીમાં તેમણે અનેક લીલાઓ કરી, પરંતુ લક્ષ્મણ રેખાદોરીને ! તેઓ શૃંગારી છે, પણ તેમના શૃંગાર કે લીલામાં વ્યભિચાર નથી. રાધા, ગોપીઓ, આઠ પટ્ટરાણીઓ કે સોળહજાર રાણીઓ વચ્ચે રહેવા છતાં તેઓ વાસનાથી અલિપ્ત રહ્યાં છે. તેમના એક હાથમાં પ્રેમ ભકિતની વાંસળી હતી. આ વાંસળી સાંભળી દેહભાન ભૂલી ગોપીઓ યમુના કિનારે દોડી આવતી અને કૃષ્ણલીલામાં તન્મય થઈ જતી. જો ગોપીઓ જેવું દેહભાવનું આવરણ છૂટે તો પ્રભુ પામી શકાય, જાત ભૂલી જઈએ તો જ પ્રભુ મિલનનો આનંદ પામી શકાય. રાસ દરમ્યાન કૃષ્ણ પોતે પણ ખોવાઈ જતા અને ગોપીઓ ભાન ભૂલી જતી. તો ગોપીઓમાં સાથે મળીને તેમણે સ્ત્રી શકિત જાગૃત કરી છે, કૃષ્ણમાં રાધા ગોપીનો પ્રણય પણ છે. દેવકી યશોદાનો માતૃપ્રેમ પણ સ્થિર થયો છે. સમગ્ર વિશ્વને પોતાનામાં ધારણ કરનાર કૃષ્ણ રાધામાંસમાઈ ગયા છે. અને માતા યશોદાને સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવીને માતૃપ્રેમના ઊંચા આસને બેસાડી છે અને દેવકીને કારાગૃહમાંથી મુકત કરાવી તેનો ઉદ્ધાર કર્યો છે. પરંતુ વૃંદાવનનું આનંદી જીવન છોડી ધર્મનો પરિચય કરાવવા કૃષ્ણને યુદ્ધ મેદાને પણ પડવું પડયું હતું. મહાભારતના કુરુક્ષેત્રમાં તેમણે અર્જુનના સારથિ બની ધર્મનો જય કર્યો હતો. પાંડવો પર કૃષ્ણના અનંત ઉપકાર છે, તેમ મિત્ર અર્જુનના માધ્યમથી તેમણે માનવજીવનને બોધ આપીને માનવજાત પર પણ ઉપકાર કર્યો છે. યુદ્ધમાં થતો મહાવિનાશ જોઈ અર્જુન વિચલિત થઈ ગયો, ત્યારે રણભૂમિમાં કૃષ્ણએ તેને વિરાટરૂપનું દર્શન કરાવ્યું અને ઘોર સંગ્રામ વચ્ચે પણ તેમણે પોતાના શ્રીમુખેથી વહાવી શીતળ ગીતાગંગા. જેમાં તેમણે જીવનનો સાચો કર્મયોગ સમજાવ્યો, અદભુત તત્વજ્ઞાન પ્રગટાવ્યું આથી તેઓ જગદગુરુ પણ કહેવાયા. ગીતાજ્ઞાન સાંપ્રદાયિક સંકુચિતતાથી મુકત છે, ભગવદગીતા થાકેલાનો વિસામો અને હારેલાનું આશ્વાસન છે, જીવનની વિષમતાથી દાઝેલાની તે શીતળગંગા છે. આ ભગવદગીતા દરેક માનવ જીવન માટે સાંસ્કૃતિક માતા હોવી જોઈએ. જેનું દૂધ પી માનવજીવન પુષ્ટ થાય.
જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણી એમ પણ જણાવે છે કે કૃષ્ણ પરમેશ્વર છે તો સાથેસાથેપરમસખા પણ છે, ભકતોના ઉદ્ધારક પણ છે. નરિસંહ, મીરાંએ બધુંજ છોડી પોતાના જીવનનું કેન્દ્ર કૃષ્ણને બનાવ્યા તો જયારે તેઓએ સાદ પાડયો ત્યારે કૃષ્ણએ તેમને ઉગાર્યા હતા. તેમનો સખા સ્વભાવ, ભકતવાત્સલ્ય, અર્જુન, સુદામા, ઉધ્ધવ, નરસિંહ, રાધા, રુકમણિ, દ્રૌપદી, ગોપી અને મીરાંમાં સાકાર થાય છે જેમ કૃષ્ણએ સુદામાનું દારિદ્રય હર્યું તેમ જો દરેક ધનિક નિર્ધનની પડખે ઊભો રહે તો આજે જોવા મળતી સામાજિક અસમતુલા દૂર થઈ જાય. કૃષ્ણનું જીવન વિરોધાભાસથી ઘડાયું છે, કુરુક્ષેત્રમાં ધર્મના રક્ષણ માટે પ્રતિજ્ઞા તોડી પણ હતી. તો રામાવતારમાં વાલીને આપેલ વચન પૂરું કરવા કૃષ્ણ ભાલકાતીર્થમાં પારધીના તીરથી હણાયા પણ હતા ! પોતાના તીરથી કૃષ્ણને મૃત્યુ શૈય્યામાં પોઢાડનાર પારધી તેજ વાલી ! મૃત્યુમાં પણ વચનપાલનનો સંદેશ ! સદૈવ પ્રસન્નમુખ રહેતા કૃષ્ણએ જન્મદાતા, પાલક માતાપિતા અને રાધાના વિરહની વેદના સહન કરી હતી, પોતાના સગા મામાનો વધ કરવાનું દુઃખ, ગાંધારીના શાપને કારણે પોતાના યાદવ કુળના વિનાશની પીડા પણ સહન કરવી પડી હતી, છતાં તે પ્રસન્ન રહી બીજાના સંતાપો હરતા રહયાં.
જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઇ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં ઉમેર્યુ કે આવો તારણહાર, ઉધ્ધારક જન્મે ત્યારે હૈયું પુલકિત થાય જ ! કૃષ્ણ જન્મ આવે એટલે બધાંજ પોતાના સંતાપોભૂલી જઈ ઉત્સવ ઉજવે છે, ‘નંદ ઘેર આનંદભર્યો, જય કનૈયા લાલકી’ના નારાઓ સાથે માનવમહેરામણ હિલોળે ચઢે છે. આખી મથુરા, ગોકુળ અને દ્વારિકા શણગારાય છે. યુવાનો ઊંચે બાંધેલી મટકી ફોડી દાણ લેવા મેદાને પડે છે, પંજરીના પ્રસાદની લહાણી થાય છે, લોકો ઉપવાસ કરી પુણ્ય પણ આ દિવસે મેળવે છે.
“वसुदेव सुतं देवं, कंस चाणूर मर्दनम्….. देवकी परमानंदं, कृष्णं वंदे जगद्गुरुम्” –जयश्री कृष्ण
