
મહિલાઓને ચૂલાનો નુકસાનકારક ધુમાડો ન લેવો પડે તેની ચિંતા કરીને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યા :- રેલ્વે રાજયમંત્રી

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ યાત્રા દ્વારા ગામેગામ વિવિધ યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગામડાઓમાં સુવિધાઓ પણ પહોંચી છે. મહિલાઓને ચૂલાનો નુકસાનકારક ધુમાડો ન લેવો પડે તેની ચિંતા કરીને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યા છે, નલ સે જલ યોજના દ્વારા પાણી ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજના થકી આર્થિક સહાય મેળવી રહ્યા છે. નમો ડ્રોન દીદીમાં બહેનોને તાલીમ થકી ડ્રોન ઉડાવવા માટે તૈયાર કરાશે. ૨૦૧૪માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર ઘર શૌચાલય બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું આજે ૧૦૦ ટકા સેચ્યુરેશન સાથે ગામડાઓમાં સ્વચ્છતા જોવા મળે છે. આયુષમાન ભારત કાર્ડ થકી આજે ૧૦ લાખની નિશુલ્ક સારવાર ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ મેળવી શકે છે. સરકારની જન ઔષધિ કેન્દ્રો પરથી સસ્તી દવાઓ લોકો મેળવી શકે છે સાથે બહેનોને ૧૦રૂપિયામાં ૧૦ સેનેટરી પેડ આપવામાં આવે છે.

વધુ વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. યાત્રાના રથ થકી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.

ઉપરાંત તેમણે જણાવ્યું કે, દેશના વિકાસ માટે સો ટકા સેચ્યુરેશન પોઈન્ટ સુધી યોજનાકીય લાભો મળે એવા પ્રયાસોની વિગતો આપી તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી મહિલા, યુવાઓ, બાળકો, કિસાનોનું ભવિષ્ય બદલાવવાનો શુભાશય એમ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ સહિત વિવિધ વિભાગોની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. લભાર્થીઓએ યોજનતી થયેલા લાભો અંગે વિગતે વાત કરી અન્ય લોકોને સરકારની કલ્યાણ કારી યોજનાઓનો લાભ મેળવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં ઓલપાડ તા. પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, તા.પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હેમુભાઈ, પંચાયત દંડક કિશોરભાઈ,જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ, સરપંચ નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કિશનભાઇ પટેલ, ભાજપા ઉપપ્રમુખ ભક્તિબેન,શાસકપક્ષ નેતા જીગ્નેશભાઈ,મહામંત્રી કુલદીપ સિંહ ઠાકોર, સુનીલભાઈ પટેલ, ગ્રામજનો લાભાર્થીઓ, મામલતદાર એલ આર ચૌધરી, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ, પ્રા.શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓ સહિત, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
