વેલંજા ખાતે પ્રાથમિક શાળાનાં નવા ભવન અને રમતગમતના મેદાનનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

કામરેજ તાલુકાનાં વેલંજા ખાતે રૂ.૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૫ વર્ગો ધરાવતી પ્રાથમિક શાળાના નવા ભવન તથા રમતગમતના મેદાનનું શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, શિક્ષણ એ સ્વપ્નો સાકાર કરવાનો ઉમદા રસ્તો છે. વેલંજા ખાતે નિર્માણ થનાર શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારશે.

શિક્ષણ જીવનના પડકારો સામે લડવાની અને લક્ષ્યોને સિદ્ધ કરવાની દિશા આપે છે. શિક્ષણ બાળકના જીવન ઘડતરમાં ઉપયોગી થવા સાથે તેનામાં ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ કરે છે. આજના ટેક્નોલોજીના યુગમાં શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનેશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષિત દેશો જ વિકસિત બને છે. શિક્ષણથી સમાજની દિશા અને દશા બદલાય છે. શિક્ષિત વ્યક્તિ રાષ્ટ્ર વિકાસમાં વિશેષ યોગદાન આપવા સક્ષમ બને છે.

તેમણે શિક્ષિત વ્યક્તિઓ કયારેય વ્યસની ન હોઈ શકે તેવી ટકોર કરી વ્યસનથી દૂર રહેવા શીખ આપી હતી. શ્રી પાનશેરીયાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કન્યાઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડે અને ધો.૧૨ સુધી વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પૂર્ણ કરે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે, ત્યારે તાજેતરમાં અમલી કરેલી “નમો લક્ષ્મી” યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ રૂ.૫૦,૦૦૦ સુધીની સહાય તેમજ “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના” હેઠળ કન્યાઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને રૂ.૨૫,૦૦૦ સુધીની સહાય કરવામાં આવશે. આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, સરપંચ જીતુભાઈ, પ્રા.શાળાના આચાર્ય ભરતભાઈ ધાનાણી, પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્રીના નિરૂદીદી, અગ્રણી રાહુલભાઈ, કાનજીદાદા, સુરેશભાઈ, ધર્મેશભાઈ, વિનુભાઈ સહિત કોર્પોરેટરો શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM