
સરકારની કૃષિ અને બાગાયતની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવી ખેતીને ઉન્નત બનાવવાનો અનુરોધ કરતા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ

કૃષિ કિટ્સમાં ૧ બેગ એ.પી.એસ. NPK, ૧ બેગ પ્રોમ, ૧ નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર, અડદ, ડાંગર, રીંગણ અને જુવારનું બિયારણ સામેલ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આદિવાસી ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૫- ૨૬ હેઠળ ખાતર-બિયારણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માંડવી કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ કે, આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. કૃષિ પાક માટે આદિજાતિ ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલી બનાવી છે. માંડવી તાલુકામાં ખેડૂતોને ખેતરે બોર અને સોલર પેનલ સાથે વિજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સીના સૌજન્યથી આ વર્ષે માંડવી તાલુકાના ૪૦૦ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ અપાયું છે. આ કીટમાં ખાતર સ્વરૂપે ૧ બેગ એ.પી.એસ. NPK, ૧ બેગ પ્રોમ, ૧ નેનો યુરિયાની બોટલ તેમજ તુવેર, અડદ, ડાંગર, રીંગણ અને જુવારનું બિયારણ સામેલ છે.
આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે રહેલા તથા ફોરેસ્ટ રાઈટ એક્ટ ધરાવતા આદિજાતિ ખેડૂત લાભાર્થીઓની પસંદગી કરી અંદાજે રૂ. પાંચથી સાત હજારની કિંમતની કીટ નજીવા દરે રૂ.૫૦૦ ના લોકફાળા અને રાજ્ય સરકારની સબસિડીમાંથી કીટ વિતરણ કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કૃષિ અને બાગાયતની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવી ખેતીને ઉન્નત બનાવવાનો સૌને અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ એજન્સી (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા પ્રાયોજના વહીવટદાર કચેરીના સંકલનમાં યોજનાનુ અમલીકરણ થઈ રહ્યું છે.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ, APMC પ્રમુખ, પ્રાયોજના કચેરીના અધિકારીઓ, મામલતદાર, સરપંચ એસો. ના પ્રમુખ, ખેડૂત અગ્રણીઓ સહિત લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
