અન્ન, નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને રાજ્યમંત્રી શ્રી પૂનમચંદ બરંડાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ ઉજવાયો

વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રાહકોનું સશક્તિકરણ અનિવાર્ય :- કેબિનેટ મંત્રીશ્રી શ્રી રમણભાઈ સોલંકી

‘કન્ઝ્યુમર ક્લબ’ યોજના દ્વારા શાળાઓ અને કોલેજોના લાખો વિદ્યાર્થીઓને બાળપણથી જ ગ્રાહક અધિકારોની સમજ આપવામાં આવી રહી છે :- રાજ્ય મંત્રીશ્રી પૂનમચંદ બરંડા

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને રાજ્યમંત્રીશ્રી પૂનમચંદ બરંડાની ઉપસ્થિતિમાં ૨૪ ડિસેમ્બરે અમદાવાદમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ(‘Efficient and Speedy disposal through Digital Justice’) ની થીમ સાથે ઉજવાયેલા ‘ગ્રાહક સુરક્ષા દિવસ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો અને ડિજિટલ માધ્યમો દ્વારા તેમની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવાનો હતો.

આ કાર્યક્રમમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ગ્રાહક જાગૃતિને લગતા કેલેન્ડર (વર્ષ ૨૦૨૬) નું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, લીગલ મેટ્રોલોજી ટેક્નિકલ મેન્યુઅલનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ ગ્રાહક સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રાહકોનું સશક્તિકરણ અનિવાર્ય છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સૌ જીવનના રોજબરોજના વ્યવહારમાં કોઈને કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ, તેથી આપણે સૌ એક ગ્રાહક છીએ અને ગ્રાહક સુરક્ષા એ આપણી સૌની સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે. ભારત સરકાર દ્વારા ૧૯૮૬માં ગ્રાહકોને સુરક્ષા અને રક્ષણ આપવા માટે કાયદો લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ કાયદામાં મહત્વના સુધારા કરીને ગ્રાહક અધિકારોને નવી ઊંચાઈ આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ગ્રાહકોને પૂરતો ન્યાય મળે તથા તેમના હક્કોની સુરક્ષા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

વધુમાં મંત્રીશ્રીએ ગ્રાહક જાગૃતિના આધુનિક અભિગમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, હવે આપણે ડિજિટલ યુગમાં પ્રવેશ્યા છીએ ત્યારે ગ્રાહકો પોતાના ડિજિટલ પ્લેટફોર્મ અને હેલ્પલાઈન નંબર દ્વારા પણ ફરિયાદ નોંધાવીને ન્યાય મેળવી શકે છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આશરે ૧૨,૭૫૦ જેટલા ગ્રાહકોએ પોતાની ફરિયાદો બાબતે હકારાત્મક માર્ગદર્શન મેળવ્યું છે. સરકારે ૪૧ જેટલા માન્યતા પ્રાપ્ત ગ્રાહક સુરક્ષા મંડળોને નાની-મોટી આર્થિક મદદ કરીને ગ્રાહક જાગૃતિના અભિયાનને વેગ આપ્યો છે.

મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું કે આગામી સમયમાં દરેક તાલુકા મથકોએ શિબિરો અને સેમિનારો યોજાય જેથી ગ્રાહકોમાં જાગૃતિ વધે અને ગ્રાહકોને સંતોષ મળે. આપણે સૌ સાથે મળીને સરકારના આ ભગીરથ પ્રયત્નને સફળ બનાવીએ અને ‘જાગો ગ્રાહક જાગો’ ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરીએ તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.

ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રી પૂનમચંદ બરંડાએ ગ્રાહક સુરક્ષાને લોકશાહીનો મજબૂત સ્તંભ ગણાવતા જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા એ માત્ર કાયદાકીય બાબત નથી પરંતુ રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિકાસ સાથે સીધી જોડાયેલી છે. તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા ૧૯૮૬ના કાયદા બાદ વર્ષ ૨૦૧૯માં નવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ લાવીને ઈ-કોમર્સ અને ડાયરેક્ટ સેલિંગ જેવી આધુનિક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોને રક્ષણ, માહિતી અને પસંદગીનો અધિકાર આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં તાલુકા સ્તરે મામલતદારશ્રી અને જિલ્લા સ્તરે કલેક્ટરશ્રીને ગ્રાહક અધિકારી તરીકેની જવાબદારી સોંપી ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવામાં આવી રહ્યું છે.

વધુમાં, મંત્રીશ્રીએ નવી પેઢીના ઘડતર પર ભાર મૂકતા જણાવ્યું કે, ‘કન્ઝ્યુમર ક્લબ’ યોજના દ્વારા શાળાઓ અને કોલેજોના લાખો વિદ્યાર્થીઓને બાળપણથી જ ગ્રાહક અધિકારોની સમજ આપવામાં આવી રહી છે, જેથી તેઓ આવતીકાલના જવાબદાર નાગરિક બની શકે. તેમણે ગ્રાહક જાગૃતિની સાથે ‘સ્વદેશી અભિયાન’ અને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ ગાંધીજીના શબ્દોને ટાંકી જણાવ્યું હતું કે “ગ્રાહક એ બજારનો રાજા છે” અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી એ માત્ર ખરીદી નથી પરંતુ રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ છે, જેનાથી છેતરપિંડીથી બચી શકાય છે અને દેશની આર્થિક શક્તિમાં વધારો થાય છે.

કાર્યક્રમમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયામક શ્રી સુમિત સેંગર અને અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ(ઈ. ચા)શ્રી એ.બી.પંચાલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોએ ગ્રાહકોના અધિકારો, ગ્રાહક સુરક્ષા સંબંધિત કાયદાઓ, ન્યાય મેળવવા માટે ઉપલબ્ધ ડિજિટલ માધ્યમો અને વિવિધ અન્ય પ્લેટફોર્મ, કન્ઝ્યુમર હેલ્પલાઇન, કેમ્પ્લેઇન રિડ્રેસલ, રાષ્ટ્રીય માનકો અને માનકો આધારિત ઉત્પાદનો સહિતની બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, અમદાવાદના ચેરમેન શ્રી સુનિલ પારેખે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા.

“જાગૃત ગ્રાહક, જાગૃત રાષ્ટ્ર”ના મંત્ર સાથે ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી, અમદાવાદ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે ઉજવાયેલા કાર્યક્રમ દરમિયાન ગ્રાહક જાગૃતિ અંગેના વિવિધ પાસાઓ અને કાયદાકીય જોગવાઈઓ વિશે વિવિધ સ્ટોલ્સ દ્વારા તેમજ કાર્યક્રમ દરમિયાન વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ ઉજવણી કાર્યક્રમમાં અમદાવાદના નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના નાયબ સચિવ(ગ્રાહકોની બાબતો) શ્રી કિંજલ થોરાટ, અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના સભ્ય સુશ્રી વાય.ટી. મહેતા, અમદાવાદ જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી દીનતા કથીરીયા તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ અને મંડળોના પ્રતિનિધિઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM