મંત્રીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ તથા કોરોના વોરિયર્સોને સન્માનિત કરાયાઃ
મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી એક મહીના દરમિયાન બે લાખ તુલશીના રોપાનું વિતરણ કરવામાં આવશેઃ વનમંત્રી ગણપતસિંહ વસાવા
મહાનગરપાલિકા અને વનવિભાગના સંયુકત ઉપક્રમે પમી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તથા વન, આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણભાઈ પાટકરે નવી સિવિલ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરીને કરી હતી. આ વેળાએ મંત્રીશ્રીઓ તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ કોરોના વોરિયર્સ સમા ડોકટરશ્રીઓ, નર્સીગ સ્ટાફને તુલશીના રોપા આપીને સન્માનિત કર્યા હતા.
આ વેળાએ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે જળ, જમીન અને વાયુ પ્રદુષણ ઘટાડીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ભાવિપેઢી માટે સ્વસ્થ પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરવાની હિમાયત તેમણે કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી એક મહીના દરમિયાન બે લાખ તુલશીના રોપાનું વિતરણ કરવામાં આવશે. તાઉ-તે વાવાઝોડાના કારણે જે વૃક્ષો ધરાશાયી થયા છે તેના સ્થાને નવા વૃક્ષો વાવેતર કરવાનો નિર્ધાર વ્યકત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, ૨૦૦૩ના વર્ષમાં વનો બહારના વિસ્તારમાં ૨૫ કરોડ વૃક્ષો હતા જે ૨૦૧૭માં વધીને ૩૪ કરોડે પહોચ્યા છે. રાજય સરકારના અવિરત પ્રયાસોના કારણે ભારત સરકારના ૨૦૧૭ના સર્વે અનુસાર રાજયના વનક્ષેત્ર વિસ્તારમાં ૧૦૦ ચો.કિ.મી.ના જંગલ વિસ્તારમાં વધારો થયો હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું. ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના મંત્રને સાર્થક કરીને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે મહાનગરપાલિકા પણ સંકલ્પબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અવસરે વન, આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયે આપણને ઓકિસજનની કિંમત સમજાય છે ત્યારે આવનારા સમયમાં વધુમાં વધું વૃક્ષોનું જતન અને સવર્ધન થાય તેવા પ્રયાસો કરવા પડશે. સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વન વિસ્તાર જરૂરી છે. જેની સામે ગુજરાતમાં ૧૧ ટકા વિસ્તાર છે જેની પૂર્તતા કરવા માટે સૌને વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
મહાનગરપાલિકાના મેયરશ્રી હેમાલીબેન બોધાવાલાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં બી.આર.ટી.એસ.ના ડિવાઈડર, તળાવો, બાગ બગીચાઓમાં ૧૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આગામી દિવસોમાં પણ પાલિકાના વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ધરતીને હરિયાળી બનાવવાનો સૌ કોઈને અનુરોધ કર્યો હતો.
મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિપાનીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે આપણને સમજાયુ છે કે, પ્રકૃતિ સાથે ખભે ખભા મિલાવીને નહી ચાલીશું તો માઠા પરિણામો આવશે. આજે અન્ય શહેરો કરતા સુરત મહાનગરપાલિકા ૧૮ ટકા વૃક્ષો ધરાવે છે. જેમાં કતારગામ અને અઠવાઝોન વિસ્તારોમાં સૌથી વધુ વૃક્ષો છે. પાલિકાએ બાયોડાયવર્ટસીટી પાર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘનકચરાનો સુયોગ્ય નિકાલ જેવા અનેક પગલાઓથી પર્યાવરણનું જતન થાય તે માટેના પગલાઓ લીધા છે.
આ વેળાએ ધારાસભ્યશ્રી સર્વશ્રી અરવિંદ રાણા, પ્રવિણભાઈ ધોધારી, વિવેકભાઈ પટેલ, ડે.મેયરશ્રી દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગઢવી, મુખ્ય વનસંરક્ષકશ્રી સી.કે.સોનવણે, નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયર, સિવિલના તબીબી અધિક્ષક ડો.રાગિણી વર્મા તેમજ ડોકટરશ્રીઓ, નર્સીગ સ્ટાફ, વનવિભાગ તથા મહાનગરપાલિકાના ગાર્ડનના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







