અગાઉના વર્ષોમાં ગુજરાતમાં વાર્ષિક કૃષિ આવક રૂ. ૭ હજાર કરોડ હતી, આજે આવક રૂ.૧ લાખ ૪૦ હજાર કરોડે પહોંચી – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

  • વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિપૂજન
  • વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માટે નવા રોડની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી

                અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે તે માટે નર્મદા, સુજલામ સુફલામ અને  સૌની સિંચાઈ યોજના પગલે ગુજરાતની ખેતી સમૃદ્ધ બની છે. પરિણામે, અગાઉના વર્ષોમાં ગુજરાતની કૃષિ આવક વાર્ષિક રૂ ૭ હજાર કરોડ જેટલી હતી, જે આજે વધીને રૂ.૧ લાખ ૪૦ હજાર કરોડે પહોંચી છે.

                નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈનું સ્મરણ કરતા કહ્યું કે, જો મને પૂછવામાં આવે કે નરેન્દ્રભાઈના ઉત્તમ કાર્યો ગણાવો, તો હું સૌથી પ્રથમ ક્રમે નર્મદા યોજનાને મુકું. તેમણે આ અંગેનું કારણ વર્ણવતા કહ્યું કે, નર્મદા યોજના તેમ જ વિવિધ સિંચાઈ યોજનાઓ અને જળસંચય ઝુંબેશના કારણે ગુજરાતમાં જળ-સમસ્યાનો ઉકેલ આવ્યો અને કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં સમૃદ્ધિ આવી, જેને ગુજરાતના ગ્રામ્ય અર્થતંત્રની કાયાપલટ થઈ છે.

                શ્રી નીતિનભાઈએ વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલન-મંડળને અભિનંદન પાઠવતા કહ્યું કે, નવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 11 વીઘામાં આકાર પામશે, જેના કારણે ખેડૂતોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્વને રેખાંકિત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ સહકારી વ્યવસ્થાના કારણે ખેડૂતોના માલની હરાજી થતા સારા ભાવ મળે છે, સાચો તોલ થાય છે અને ખેડૂતને તરત જ નાણા મળે છે જેના પરિણામે ખેડૂત વધુ ખમીરવંતો બન્યો છે.

                નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે તેમના સહકારીક્ષેત્રના સંસ્મરણો તાજા કરતા કહ્યુ કે, હું છેલ્લા 37 વર્ષથી કડી માર્કેટયાર્ડમાં સભ્ય હોવાના કારણે મને ખેતી-ખેડૂતની સમસ્યાઓની સારી પેઠે જાણ છે. તેમણે કહ્યું કે, વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતની સૌથી જૂની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પૈકીની એક છે, અને આ સમિતિએ કરેલી પ્રગતિનો મને વિશેષ આનંદ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *