વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સુધી એક કિમિ લંબાઈનો સી.સી. રોડ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે કરાયું હતું. આ અવસરે રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, બીલપુડી ગામે મુખ્ય રસ્તાને જોડતો સી.સી. રોડ બનવાથી અહીંના પ્રજાજનોને આવન જાવનમાં સરળતા રહેશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકાર સતત કાર્યશીલ રહી પ્રજાકીય પ્રશ્નોના નિવારણના સતત પ્રયાસો હાથ ધરી રહી છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ગામ અગ્રણીઓ ગામના વિવિધ ફળિયાઓમાં જરૂરિયાત મુજબ સુવિધા ઉપલબ્ધ બનાવવાની સાથે સરકારની યોજનાઓનો જરૂરિયાતમંદોને લાભ અપાવવા માટે સહયોગ આપે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. બીલપુડી સબ સેન્ટરનું નવું મકાન બનવાથી અહીંના લોકો માટે આરોગ્યની વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેમ જણાવી કોરોના મહામારી દરમિયાન આરોગ્યકર્મીઓની કામગીરીને બિરદાવી હતી. આ વિસ્તારના આદિજાતિના લોકોને જાતિના દાખલા લેવામાં પડતી મુશ્કેલીના નિવારણ માટેનો નિર્ણય ટુક સમયમાં લેવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ગામના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સહાય મેળવી કામગીરી કરવા જણાવ્યું હતું. આ અવસરે નાયબ કાર્યપાલક ઈજનેર કે.કે. પટેલ, બીલપુડી સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન, ધરમપુર મામલતદાર, જિલ્લા/તાલુકા પંચાયત સભ્યો, અગ્રણી ગણેશભાઈ બિરારી, નવીનભાઈ ભોયા, આરોગ્યકર્મીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કરો, ગ્રામજનો હાજર રહયા હતા.



