ચીખલી તાલુકાના ૦૭ ગામોમાં કુલ રૂા.૩.૮૦ કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત/લોકાર્પણ કરતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ

રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઇ પટેલે ચીખલી તાલુકાના શ્રી સી.આર.પાટીલના સંસદીય મત વિસ્તારના ૦૭ ગામોમાં અંદાજીત કુલ  રૂા.૩.૮૦ કરોડના ખર્ચે રસ્તાઓ, આંગણવાડી કામોના ખાતમુર્હૂત/લોકાર્પણ કર્યા હતાં.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. પ્રજાની સમસ્યા અને મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે વિકાસ કામો કરી રહ્યા છીએ.  કોરોનાકાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રાને થંભવા દીધી નથી. કોરોનાકાળમાં સમગ્ર દેશમાં ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી છે. ખાસ કરીને લોકોની તકલીફ દૂર કરવાના તમામ પ્રયત્નો કર્યા છે. રાજય સરકાર છેવાડા અને નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી લોકોને મદદરૂપ થઇ રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ ગામડાંઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો છે. તમામ ગામોને રોડ કનેકિટવીટીથી જોડવામાં આવ્યા છે. છેવાડાના લોકોની ચિંતા કરી તમામ સુખ સુવિધા ઉપલબ્ધ કરવા તમામ પ્રયાસો આદર્યા છે.

મંત્રીશ્રી નરેશભાઇ પટેલે ચીખલી તાલુકાના મજીગામ, સમરોલી, થાલા, દેવસર, વંકાલ અને ઘેકટી ગામે રસ્તાઓ તથા આલીપોર ગામે આંગણવાડી કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કર્યા હતાં. મંત્રીશ્રી નરેશભાઇ પટેલનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન ગાંવિત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *