ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦માં યુનિવર્સલ હીલિંગ દિવસના ઉજવણી પ્રસંગે મહાત્મા ગાંધીજીના શુદ્ધ અને સાત્વિક જીવનશૈલીને યાદ કરી હતી,તેમણે જણાવ્યું હતુ કે, ગાંધીજીનું જીવન એ વ્યાપક દ્રષ્ટિએ ચિંતન વાળું હતું અને તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ચિકિત્સાના ઉપાસક હતા. “પહેલું સુખ તે જાતે નર્યા” કહેવતને સૌ કોઈને જીવનમાં સાર્થક કરવાની સલાહ આપતા, રાજ્યપાલ શ્રી એ જણાવ્યું હતું કે,કોઈ પણ વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે મન અને તનનું સ્વાસ્થ્ય નીરોગી રહે એ ખૂબ જ જરૂરી છે.ભારતીય દિનચર્યા અને જીવનશૈલીનું મહત્વ સમજાવતા રાજ્યપાલશ્રી કહ્યું હતું કે,આપણી ભારતીય જીવનશૈલી એ સ્વાસ્થ્ય હિતને પોષનારી છે, જેમાં આહાર, વિહાર, અને સાત્વિક ખાન – પાન નો સમાવેશ થાય છે. તેઓએ દ્રઢતાપૂર્વક કહ્યું કે, ઋષિમુનીઓ અને યોગીઓ આવી દિનચર્યાને અનુસરતા હતા,તેના જ પરિણામે તેઓ લાંબા આયુષ્ય અને નિરોગી જીવનના સ્વામી હતા.રાજ્યપાલશ્રીએ આધુનિકીકરણની આંધળી દોટ તરફ પ્રહાર કરતા કહ્યું કે,આજે આપણે જે ગ્લોબલ વોર્મિંગ, કેન્સર, હાર્ટ એટેક, જેવા અસાધ્ય રોગથી અને સમસ્યાઓથી પીડાઇ રહ્યા છીએ તેનું કારણ આપણે અપનાવેલી આધુનિક જીવનશૈલી છે,જેને અપનાવીને આપણે સમસ્યાઓને સામેથી આપેલું આમંત્રણ છે.પ્રાકૃતિક ખેતી અને પ્રકૃતિનું મહત્વ સમજાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક અને ખેતીથી જે ખાદ્ય પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ ,તો જ નાગરિકો સ્વાસ્થ્યપ્રદ રહેશે. રાજ્યપાલશ્રીએ અનુરોધ કરતા કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આખા વિશ્વને ભારતીય યોગની ભેટ આપી છે. આપણે સૌ પ્રાણાયામ, ધ્યાન, અને યોગ કરીને સ્વસ્થ રહીએ અને કુદરતી સાનિધ્ય અને સંસ્કૃતિ તરફ પાછા વળવા આહવાન કર્યું હતું.યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામના જન્મદાતા શ્રી ડોક્ટર રમેશ કાપડિયા એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજે ભારતમાં યુવાવસ્થામાં સૌથી વધારે હૃદયરોગ કારણે મૃત્યુ થઈ રહ્યા છે, પરંતુ સ્વાસ્થ્યપ્રદ જીવનને ફોલો કરવાથી તેનું જોખમ ટાળી શકાય છે.અને યુનિવર્સલ હીલિંગના પ્રોગ્રામ દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે જ અવરનેસ કાર્યક્રમ કરવામાં આવે છે.આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી ડોક્ટર રાજેન્દ્ર ખીમાણીએ ગૂજરાત વિદ્યાપીઠ ગતિવિધિ અને યુનિવર્સલ પ્રોગ્રામના હાર્દને સ્પષ્ટ કર્યા હતા.અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ રાડિયાએ પોતાના વક્તવ્યમાં યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામમાં ડો. રમેશ કાપડિયાના પ્રદાનથી માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વાસ્થયલક્ષી જનઉપયોગી “હાર્ટ ડિસઓર્ડર” પુસ્તકનું વિમોચન કર્યું હતુ. તદ્ઉપરાંત તેઓએ હિન્દી ભાષામાં અનુવાદિત “હ્યદય ધમની વિકાર” અને ગુજરાત ભાષામાં અનુવાદિત “હ્યદય રોગ” પુસ્તકનું પણ આ પ્રસંગે વિમોચન કર્યું હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ રાડીયા, ગુજરાત વિદ્યાપીઠના કુલનિયામક શ્રી ડો.રાજેન્દ્ર ખીમાણી, રજીસ્ટ્રાર શ્રી નિખિલ ભટ્ટ, વિવિધ ફેકલ્ટીના આચાર્યશ્રીઓ , વિદ્યાર્થીઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.









