યુવા કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો અને નવી ટેકનોલોજી વિકસાવી
આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૮મા દીક્ષાંત સમારોહમાં માર્ગદર્શન આપતા રાજયપાલશ્રી
- ૨૭ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૮ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો અને રોકડ પુરસ્કાર અને
- ૫૪૯ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવીઓ એનાયત કરાઇ
- આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારોહ સંપન્ન
ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૮મા દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. રાજયપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી સમગ્ર માનવજાત ત્રસ્ત છે ત્યારે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે સ્વીકારવી પડશે. તેમણે યુવા કૃષિ વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો અને નવી ટેકનોલોજી વિકસાવી આત્મનિર્ભર કૃષિ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
રાજયપાલશ્રીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૮મા પદવીદાન પ્રસંગે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇ જણાવ્યું હતું કે, આઝાદી સમયે દેશની ખાદ્યાન્નની જરૂરિયાતો પૂરી કરવા હરિત ક્રાંતિએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતના કૃષિ વૈજ્ઞાનિનકોએ હરિત ક્રાંતિ દ્વારા ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આજે સ્થિતિ જુદી છે. રાસાયણિક ખાતરોના અને ઝેરી કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. રાસાયણિક કૃષિમાં ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ખાદ્યાન્નમાં ઝેર ભળવાને કારણે માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે, લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુકિત મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે.
રાજયપાલશ્રીએ કૃષિ ઉત્પાદનની સાથે ગુણવત્તાની ચિંતા કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે, કૃષિ લાયક ભૂમિ એટલી પ્રદૂષિત થઇ ગઇ છે કે, ખેતીમાં અળસિયાં જેવા મિત્ર જીવો અને અન્ય સૂક્ષ્મજીવો નષ્ટ થઇ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતા જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગના કારણે ખેતરમાં જીવોની વૃધ્ધિ થાય છે અને સરવાળે જમીનના ઓર્ગેનિક કાર્બનની માત્રમાં વધારો થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવો હોવાનું અને ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર હોવાનું પણ રાજયપાલશ્રીએ જણાવ્યું હતું.
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી એકદમ અલગ ગણાવી બંને પધ્ધતિના તફાવત સ્પષ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જૈવિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિ જો યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી. આ માટે રાજયપાલશ્રીએ ગુરૂકુળ કુરૂક્ષેત્રમાં કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિનું ઉદાહરણ આપી વધુ સમજ પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશ સરકારના અહેવાલ મુજબ પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતોની આવકમાં ૨૭ ટકા વૃધ્ધિ અને કૃષિ ખર્ચમાં ૫૬ ટકાનો ઘટાડો થયો છે.
પ્રાકૃતિક કૃષિની મહત્તાને ધ્યાને લઇ આ વખતના બજેટમાં પણ પ્રાકૃતિક કૃષિ માટે જોગવાઇઓ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરી રાજયપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આભાર પણ માન્યો હતો. રાજયપાલશ્રીએ આ તકે સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનને યાદ કરીને પ્રાકૃતિક કૃષિ સાથે અમૂલ મોડેલને જોડવાની પણ હિમાયત કરી હતી.
રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સીટીના કુલપતિ પ્રાધ્યાપક શ્રી ડૉ. બીમલ પટેલે દીક્ષાંત પ્રવચન કરતાં પોતે બી. એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં તેમણે કરેલા અભ્યાસના સમયને યાદ કરી વિશ્વના તમામ રાષ્ટ્રો અથવા પ્રદેશો માટે ખોરાક સહિત અનેક પાયાની જરૂરિયાતો પૂરી પાડતું કૃષિ-શિક્ષણ હંમેશા અર્થતંત્રનું મુખ્ય ક્ષેત્ર રહયું છે તેમ જણાવી ભારતમાં કૃષિક્ષેત્રે ઐતિહાસિક રીતે નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું, આજે કૃષિની કલા એ બહુવિધ વૈજ્ઞાનિક ઇનપુટ્સ, સિદ્ધાંતો અને વ્યવસ્થાપન સાથે પાક ઉગાડવા માટેના ‘વિજ્ઞાન’માં પરિવર્તિત થઈ છે જેના પરિણામે આપણે હરિયાળી ક્રાંતિ મેળવી હોવાનું ઉમેર્યુ હતું.
તેમણે આપણી લોકશાહી સામેના તમામ પડકારો હોવા છતાં દરેક ભારતીયની ક્ષમતાને સાકાર કરવાની સાથે જેમ લોકશાહી મજબૂત બની છે, તેમ આપણું કૃષિ ક્ષેત્ર પણ, તેની સામેના અનેક પડકારો વચ્ચે તેનો વિકાસ દર જાળવી રાખીને ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે તેમ જણાવી કૃષિ શિક્ષણ, કૃષિ વ્યવસાય, એગ્રીકલ્ચર એન્ટરપ્રિન્યોરશીપ, કૃષિ દ્વારા મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય સુરક્ષા અને કૃષિ, નાણાંકિય સુરક્ષા અને કૃષિ, કુદરતી ખેતી તેમજ ભાવિ પડકારો વિશે સવિસ્તાર માર્ગદર્શન આપ્યું હતુ.
ડો. પટેલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, આપ સૌનું વાસ્તવિક શિક્ષણ આજથી શરૂ થાય છે. આજ સુધી, તમે મોટાભાગે તમારા શિક્ષકો પાસેથી શીખ્યા છો, પરંતુ હવેથી, તે તમારું જીવન અને વ્યવસાય હશે, તેથી ઇમાનદારી અને સખત મહેનત સાથે શીખતા રહો. આજ દિન સુધી, તમે શૈક્ષણિક ડિગ્રીને યોગ્યતાપૂર્વક મેળવવા માટે શીખ્યા છો, જો કે હવેથી, જીવન અને વ્યવસાયની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરવા માટે તમારા માટે શીખવાનું થશે, તેમ જણાવી તેમણે કૃષિ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં થઈ રહેલા સતત પરિવર્તનોને ધ્યાને લઈ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શીખવાનું ચાલુ રાખવાનું આહ્વાન કર્યું હતુ.
૨૦૫૦ના વર્ષને ધ્યાનમાં રાખી તે સમયના કૃષિ અંદાજો અને તેમાં કૃષિકાર – તજજ્ઞો તરીકેની ભૂમિકા શું હોઈ શકે ? તેના વિશે વિશદ છણાવટ કરતાં તેમણે ઉમેર્યું હતુ કે, ૨૦૫૦ માં ૯ બિલિયનને ખોરાક આપવો એ મુખ્ય પડકાર હશે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) અનુસાર, ૨૦૦૯ અને ૨૦૫૦ની વચ્ચે વિશ્વની વસ્તી ત્રીજા ભાગ અથવા ૨.૩ બિલિયન લોકો વધવાની ધારણા છે. બજારમાં ખાદ્યપદાર્થોની માંગ ચાલુ રહેશે. અનાજની માંગ, ખોરાક અને પશુ આહાર બંને માટે ૨૦૫૦ સુધીમાં લગભગ ૩ બિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે, જે આજના લગભગ ૨.૧ બિલિયન ટનથી વધારે છે. વિકાસશીલ દેશોમાં વધુ આવક માટે વધુ ભાવ આપતા અન્ય ખાદ્ય ઉત્પાદનોની માંગ અનાજ કરતાં ઘણી ઝડપથી વધશે. એક અહેવાલ મુજબ, ૨૦૫૦ માં વિશ્વની વસ્તીને ખોરાક આપવા માટે ૨૦૦૫-૦૭ અને ૨૦૫૦ ની વચ્ચે એકંદર ખાદ્ય ઉત્પાદનમાં લગભગ ૭૦ ટકા વધારો કરવાની જરૂર પડશે. વિકાસશીલ દેશોમાં ઉત્પાદન લગભગ બમણું કરવાની જરૂર પડશે, અને વાર્ષિક અનાજનું ઉત્પાદન લગભગ એક અબજ ટન વધારવું પડશે.
પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની ઝાંખી કરાવી આણંદ કૃષિ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય કક્ષાએ ૨૦મું સ્થાન હાંસલ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ના ભાગરૂપે યોજાયેલ પ્રિ-ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ સમિટનો ઉલ્લેખ કરી આ ત્રિ-દિવસીય સમિટ દરમિયાન યોજાયેલા વિવિધ સેમિનારોનો ઉલ્લેખ કર્યો હતો.
ડૉ. કથીરીયાએ વધુમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ વિવિધ સંશોધનો, બિયારણો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટી સાથે કૃષિ શિક્ષણના આદાન-પ્રદાન માટે કરવામાં આવેલ સમજૂતી કરારોની વિગતો આપી સ્નાતક-અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમનું ભાવિ ઉજજવળ બની તેવી શુભેચ્છાઓ પાઠવી કૃષિ ક્ષેત્રેના વર્તમાન અને ભાવિ પડકારોને પહોંચી વળવા નિર્ધારીત લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા શીખ આપી હતી.
આ પ્રસંગે રાજયપાલશ્રીએ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રૂા. ર.૧૫ કરોડના ખર્ચે નિર્મિત કસ્તૂરબા ગર્લ્સ હોસ્ટેલનું ડીજીટલી લોકાર્પણ કર્યું હતું. જયારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાર્ષિક વહીવટી અહેવાલ અને ખેડૂતો માટે ઉપયોગી એવી સંશોધન ભલામણો-૨૦૨૧ની પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રાધ્યાપક ડૉ. બિમલ પટેલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના હસ્તે ૨૭ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ-૫૮ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
પદવીદાન સમારોહ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચરના પ્લાન્ટ અને પેથોલોજીના હેડ અને આસિ. પ્રોફેસર ડૉ. આર. જી. પરમાર, સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના રીસર્ચ સાયન્ટીસ્ટ ડૉ. કે. વી. પટેલ અને આસિ. રીસર્ચ સાયન્ટીસ્ટ ડૉ. એચ. પી. પટેલને જયારે શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર એસો. એકસટેન્શનના ડૉ. જે. કે. પટેલને વર્ષ-૨૦૨૦નો અને પ્રો.ડૉ. બી. ડી. પટેલને વર્ષ-૨૦૨૧નો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. જી. આર. પટેલએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શીરીષ કુલકર્ણી, જીસીએમએમએફના મેનેજીંગ ડીરેકટર શ્રી આર. એસ. સોઢી, વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, બોર્ડના સભ્યો, વિવિધ ફેકલ્ટીઓના ડીનશ્રીઓ અને વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, વૈજ્ઞાનિકો, એકેડેમીક રીસર્ચ, એકસટેન્શન કાઉન્સિલના પ્રાધ્યાપકશ્રીઓ, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે પદવી ધારક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, વાલીઓ આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કરવામાં આવેલ પ્રસારણના માધ્યમથી વર્ચ્યુઅલ જોડાયા હતા.

