



વડોદરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ શીતલ અને વંદનાનો લગ્ન પ્રસંગ યોજાયો









વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ શીતલ અને વંદનાના આજે લગ્નનો પ્રસંગ યોજાયો હતો. મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રીશ્રી મનિષાબેન વકીલે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી યુવતીઓ અને તેના પરિવારજનો સાથે વાતચીત કરી તેમના પરિવારનો હિસ્સો હોવાની અનુભૂતિ કરાવી હતી.
મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રીશ્રી મનિષાબેન વકીલે જણાવ્યું કે, નારી સંરક્ષણ ગૃહની બે દીકરીઓ શીતલ અને વંદના આશરે ત્રણ વર્ષની હતી ત્યારે તે આ સંસ્થામાં આવી હતી અને તેમની વિશેષ કાળજી લેવામાં આવી. તેમની લગ્ન માટેની વય થતાં તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા.
જીવનની આ સફરમાં નવા પડાવની શરુઆત કરનાર નવયુગલોને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પણ મંત્રીશ્રીએ પાઠવી હતી. તેમણે લગ્ન કરનાર શુભમ પવાર અને વિવેક વ્યાસ તથા તેમના પરિવારજનોએ લગ્ન માટે સંસ્થાની દીકરીઓનો સ્વીકાર કરી સમાજમાં નવો રાહ ચીંધ્યો હોવાનું જણાવ્યું.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સંજોગોવશાત કોઇપણ દીકરીને સંસ્થામાં આશ્રય મેળવવાનો થાય છે ત્યારે તેના જીવનના લગ્ન અને પારિવારિક સ્વીકાર માટે પવાર અને વ્યાસ પરિવારે આ બંને દીકરીઓના નવા જીવનના પ્રારંભમાં અનોખી ભૂમિકા ભજવી છે.
કલેકટરશ્રી અતુલ ગોરે કહ્યુ કે, બેટી બચાઓ બેટી પઢાઓ સંકલ્પને સાકાર કરતા આજે નારી સંરક્ષણ ગૃહની બે દીકરીઓ શીતલ અને વંદનાના લગ્નપ્રસંગે દાતાશ્રીઓનો સહયોગ સાંપડ્યો છે. જીવનના નવા પડાવની શરુઆત કરનાર આ બંને દીકરીઓને શુભકામનાઓ તેમણે પાઠવી હતી. નારી સુરક્ષા, અભ્યાસ અને તેમને આત્મનિર્ભર બનાવવાના વધુમાં વધુ કાર્યો થાય તે માટે તેમણે વધુ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
આ લગ્ન પ્રસંગે કલાકારોએ સંગીત કાર્યક્રમમાં લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. નારી સંરક્ષણ ગૃહના આંગણે યોજાયેલ આ લગ્નપ્રસંગમાં સંસ્થાની યુવતીઓ હોંશેહોંશે જોડાઇ હતી.
સંસ્થાની યુવતીઓ વરરાજાઓને વિધિસર આવકાર્યાઅને કન્યાઓને પરંપરાગત રીતે મંડપ સુધી લાવી તેમને ખાસ અનુભૂતિ કરાવી હતી. મનુષ્ય જીવનમાં જન્મ અને લગ્નનું વિશેષ મહત્વ છે ત્યારે સંસ્થાની દીકરીઓએ પોતાની બહેનઅને સખીને તેના સાસરી પક્ષના પરિવારમાં જીવનસાથી સાથે સ્થાયી થવા અને નારી સંરક્ષણ ગૃહ, સંસ્થામાંથી વિદાય એમ બંને ઘટનાઓ એકસાથે બનતી હોય. આ પ્રસંગે દીકરીઓમાં ઉમંગ અને હરખના આંસુ, ખુશીનો માહોલ તથા પોતાની સખીને વિદાય સહિતના પ્રસંગોનો સંગમ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, કલેકટરશ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિકારીશ્રી સુધીર દેસાઇ, અધિક કલેકટરશ્રી ઝાલા, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. સુધીર જોષી, મહિલા અને બાળ અધિકારીશ્રી માધવી ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી મકવાણા,નારી સંરક્ષણ ગૃહની દીકરીઓ અને સંચાલકશ્રીઓ, દાતાશ્રીઓ અને યુવકના કુટુંબીજનો સહિતના જોડાયા હતા.
