આજે વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ

૧૮૮૨માં વૈજ્ઞાનિક રોબર્ટ કોકે આ દિવસે આ રોગ માટે જવાબદાર જીવાણુ ( બેક્ટેરિયા) ઓળખી કાઢ્યા હતા….

જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ૨૦૨૧ના વર્ષમાં વડોદરા જિલ્લામાં ટીબીના ૩૬૩૫ નવા દર્દીઓ શોધીને સારવાર ચાલુ કરવામાં આવી છે…

આ કેન્દ્રમાં અદ્યતન સિબીનાટ અને ટ્રુનાટ યંત્રો દ્વારા ગળફાની તપાસ કરવામાં આવે છે……

ટ્યુબરકલોસિસ બહુધા ટી.બી.ના ટૂંકા નામે ઓળખાય છે.સ્વદેશી ભાષામાં ક્ષય રોગ તરીકે ઓળખાતી આ બીમારી એક જમાનામાં રાજરોગ ગણાતી કારણકે ખાધે પીધે સુખી સંપન્ન લોકોની આમન્યા પણ આ રોગ રાખતો ન હતો.

૧૮૮૨ માં સંશોધક તબીબ ડો.રોબર્ટ કોકે આ રોગ માટે જવાબદાર જીવાણુઓ – બેક્ટેરિયાની ૨૪ મી માર્ચના રોજ ઓળખ કરી.તેની સ્મૃતિમાં અને આ રોગની અસરો અને સારવાર સાદ્યતા અંગે લોકોને માહિતગાર કરવા તા.૨૪ મી માર્ચ,૧૯૮૨ થી દર વર્ષે આ દિવસે વિશ્વ ટીબી દિવસ – વિશ્વ ક્ષય રોગ નિવારણ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.

ભારત સરકારે સન ૨૦૨૫ સુધીમાં દેશમાં થી અને વિશ્વ આરોગ્ય સંસ્થા – આરોગ્ય તંત્રોએ ૨૦૩૦ સુધીમાં ધરતી ના પટ પરથી આ રોગને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે.

આપણા દેશમાં ૧૯૬૨ માં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અને ૧૯૬૩ થી સુધારેલો રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સમય તેમજ સારવાર ના વિજ્ઞાનમાં પ્રગતિની સાથે તેની કાર્ય પદ્ધતિ અને દવાઓમાં સુધારા વધારા સાથે કાર્યક્રમનો અમલ થઈ રહ્યો છે.ક્ષયની તપાસ અને સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે કરવામાં આવે છે,તેની સાથે રોગીઓ દ્વારા એક પણ દિવસની ચૂક વગર દવાઓ નું  અને પોષક આહારનું સેવન ખૂબ અગત્યના છે.હવે આ રોગ અસાધ્ય નથી પણ દવાઓમાં અનિયમિતતા આ રોગને વકરાવે છે.

  • ૨૦૨૧ માં ૩૬૩૫ નવા દર્દીઓ મળ્યા….

વડોદરા શહેરમાં ડભોઇ રિંગરોડ પર ડભોઇ દશાલાડ વાડી થી આગળ જિલ્લા ક્ષય કેન્દ્ર કાર્યરત છે.જિલ્લા ક્ષય અધિકારી ડો.વિપુલ ત્રિવેદીએ જણાવ્યું કે કેન્દ્ર દ્વારા  જિલ્લા આરોગ્ય તંત્રની મદદથી વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં નિયમિત નવા ક્ષય રોગીઓની શોધ કરીને તેમને સારવાર હેઠળ લાવવામાં આવે છે. સન ૨૦૨૧ માં વડોદરા  જિલ્લામાંથી ૩૬૩૫ નવા દર્દીઓ શોધીને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા.

૨૦૨૨ના પ્રથમ ત્રણ મહિનામાં ૯૩૦ જેટલાં નવા દર્દીઓ મળી આવ્યા છે જેમને સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. વડોદરા શહેરી વિસ્તારમાં મહાનગર પાલિકા આરોગ્ય તંત્ર હેઠળ શહેર ક્ષય રોગ અધિકારી દ્વારા આ કામગીરી કરવામાં આવે છે.

  • અદ્યતન યંત્રો દ્વારા ગળફાની તપાસની સુવિધા…….

રાજ્ય સરકારે ગળફાની સચોટ અને ઝડપી તપાસ કરવા માટેની સાધન સુવિધા રૂપે ૩ સીબીનાટ અને ૨ ટ્રુ નાટ યંત્રો ફાળવ્યા છે. ગળફા ના એક ટીપાં થી આ યંત્રો ટીબીનું નિદાન કરી શકે છે.જિલ્લા ક્ષય રોગ કેન્દ્ર ખાતે અને સયાજી હોસ્પિટલમાં આ બંને યંત્રો ઉપલબ્ધ છે.જ્યારે એક સીબી નાટ યંત્ર સુમનદીપ હોસ્પિટલ,પીપળીયા ખાતે કાર્યરત છે.

આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીના નિદાન માટે ગળફાની માઇક્રોસ્કોપિક તપાસ કરવાની અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે એક્ષરે તપાસ કરવાની સુવિધાઓ છે.

ડો.ત્રિવેદી જણાવે છે છે કે ટીબીની સારવારમાં ડોટ( ગોળીઓ નો કોર્સ) ની સાથે પોષક આહારની ખૂબ અગત્યતા છે.જેને અનુલક્ષીને રાજ્ય સરકાર સરકારી દવાખાનાઓમાં સારવાર લેતા ટીબી દર્દીઓને દર મહિને રૂ.૫૦૦ ની પોષણ સહાય ચૂકવે છે જે સીધી તેમના ખાતામાં જમા થાય છે.

દર્દી નિયમિત દવાઓ લે તે સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેક દર્દીને એક ડોટ પ્રોવાઇડરની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.આ કેરટેકર દર્દીઓને દવા ગોળીનું નિયમિત સેવન કરાવવાની સાથે કોઈ આડઅસર જણાય તો તેની આરોગ્ય કેન્દ્રને જાણ કરવાનું અને દર્દીઓની સમજાવટનું ખૂબ અગત્યનું કામ કરે છે.ઘર ના સદસ્યો પણ ઘણીવાર આ સંભાળની જવાબદારી સ્વીકારે છે અને આશા કાર્યકર,પુરુષ મહિલા આરોગ્ય કાર્યકરો પણ આ સેવા આપે છે.

  • પોષક આહાર કીટ વિતરણ….

સારવાર દરમિયાન દર્દીને પૂરતો પોષક આહાર મળી રહે તેની ખાત્રી માટે ઔધોગિક એકમો અને સેવા સંસ્થાઓની મદદથી,સારવાર ચાલે તે સમયગાળામાં દર્દીઓને દર મહિને ન્યુટ્રીશન કીટ ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.અંદાજે રૂ.૧૪૦૦ ની કિંમતની આ કીટમાં દર્દીને એક મહિનો ચાલે તેટલા મગ, ચણા,દાળ,લોટ અને પ્રોટીન પાવડર હોય છે.

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જિલ્લાની પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને પાદરા તાલુકાના મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળના ક્ષય રોગીઓ ને પોષણ કીટ આપવાનું આયોજન ગુલ બ્રાન્ડ્સન કેમિકલ અને સેવા સંસ્થાઓ ની મદદથી કરવામાં આવી છે.

  • ક્ષય રોગના સંભવિત લક્ષણો…

જો કોઈ વ્યક્તિને સતત બે સપ્તાહ સુધી ખાંસી અને તાવ આવે,વજનમાં ઘટાડો જણાય,રાત્રે પરસેવો વળે તો નજીકની સરકારી હોસ્પિટલમાં સમયસર તપાસ અને નિદાન કરાવી લેવું સલાહભર્યું ગણાય.

  • ડાકણ પણ એક ઘર છોડે…

ગામઠી પરંપરાગત માન્યતા આધારિત એક કહેવત છે કે ડાકણ પણ એક ઘર તો છોડે.ક્ષય રોગ ને જો ડાકણ ગણીએ તો કહી શકાય કે વાળ અને નખ સિવાય શરીરના ગમે તે અંગને ટીબી થઈ શકે છે.

ભારતમાં રાજરોગ ગણાવવામાં આવેલી આ બીમારીને વિદેશોમાં captain of all these men of death (યમદૂતો નો સુકાની) કે white plague (રોગી નિસ્તેજ અને ફિકો દેખાય છે તેથી) જેવા નામો થી ક્યારેક ઓળખવામાં આવતો,તેની સારવાર માટે સેનીટરિયમ બનાવવામાં આવતા( વડોદરામાં ગાયકવાડી શાસન દ્વારા બનાવવામાં આવ્યું હતું જે પછી થી ટીબી હોસ્પિટલ તરીકે ઓળખાતું).

જો કે તબીબી અને ઔષધ વિજ્ઞાનની પ્રગતિ ની સાથે આ રોગ હવે અસાધ્ય નથી રહ્યો.જો કે નિયમિત સારવાર લેવાથી જ આ રોગ મટે છે અને સારવાર અધૂરી રાખવાથી વકરે છે એ ભૂલવું ન જોઈએ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM