
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ-૨૦૧૯ ૪,૦૧૯ વર્ષ-૨૦૨૦ ૩,૩૪૯ અને વર્ષ-૨૦૨૧ દરમિયાન ૩,૬૩૫ ક્ષયના કેસ નોંધાયા જેમાંથી ૯૦ ટકા જેટલા દર્દીઓ ટીબી મુક્ત થયા-જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. વિપુલ ત્રિવેદી







જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોરના અધ્યક્ષસ્થાને સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિવારણ કાર્યક્રમ અંતર્ગત ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઇ હતી. ટીબીનો કેસ છુપાવવામાં ન આવે અને ટીબીના દર્દીઓની સારવાર, માર્ગદર્શન માટે કામ કરતા ડૉકટર્સ અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવા કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતુ. વધુમાં કલેકટરશ્રી ગોરે જુદાં-જુદાં મેડિકલ એસોસિએશન સાથે સંકલન કરી તેમને સેમિનાર અને વર્કશોપ યોજી નવી બાબતોથી અવગત કરવા સહિતના કાર્યો કરવા જણાવ્યુ હતુ.ટીબીના દર્દીઓને આવશ્યક હોય તેવા સમયે તેને જુદી-જુદી કંપનીઓની સામાજિક જવાબદારીઓમાંથી તે ટીબીના દર્દીઓ માટે જરુરી પોષણ કિટ માટે સહાય કરે તે માટે સંકલન કરવા કહ્યુ.સામાન્ય રીતે ભીડ અને સ્લમ વિસ્તારોમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધુ હોય છે ત્યારે તેમની ઇમ્યુનિટી વધારવા અને તેમને પોષણયુક્ત આહાર આપવા માટે વિશેષ પગલાઓ ભરવા આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રીય સ્તરે વર્ષ-૨૦૩૫ સુધીમાં ક્ષય નિવારણ કરવા માટે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૫ દરમિયાન કરવાની પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શિકા છે તે અનુસાર વિવિધ પગલાઓના આગોતરા આયોજન વિશે પણ કલેકટરશ્રીએ વિગતો મેળવી હતી. ક્ષયના કારણે રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર ૩૪ છે તે ઘટાડીને ૩ સુધી લઇ જવાની નેમ પણ છે. ક્ષયનો ફેલાવો ઘટાડી શકાયતે માટે ક્ષયનો શંકાસ્પદ કેસ હોય તેવા સંજોગમાં તે દર્દીને કેસ પેપર પર પ્રાયોરિટી માટે અલગથી વ્યવસ્થા કરવામાં પણ જિલ્લા ક્ષય કચેરી દ્વારા કરવામાં આવી છે. જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. વિપુલ ત્રિવેદીએ સમગ્ર બેઠકનું સંચાલન કરતા કહ્યુ કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ-૨૦૧૯ ૪,૦૧૯ વર્ષ-૨૦૨૦ ૩,૩૪૯ અને વર્ષ-૨૦૨૧ દરમિયાન ૩,૬૩૫ ક્ષયના કેસ નોંધાયા હતા. આ તમામ કેસમાં દર્દીઓને યોગ્ય સમયે સારવાર, માર્ગદર્શન અને દવા મળી રહેતા ૯૦ ટકા જેટલા દર્દીઓ ટીબી મુક્ત થયા છે. રાજય સરકારના દરેક આરોગ્ય કેન્દ્ર અને દવાખાનાઓ પર ટીબીના દર્દીઓને મફત સારવાર, માર્ગદર્શન અને ટેસ્ટીંગ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત ગળફાની તપાસ માટે અદ્યતન સાધનો પણ ઉપલબ્ધ છે. ટીબીના દર્દીને દવા શરુ હોય તે સમય દરમિયાન તેના બેંક ખાતામાં દરમહિને રુ.૫૦૦ સીધા જમા કરવામાં આવે છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. વિપુલ ત્રિવેદી અને સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
