વડોદરા જિલ્લામાં જનસુખાકારી અને જનસુવિધાના રૂા.૧૧૦૦ લાખના વિવિધ ૫૮૫ વિકાસ કામો મંજૂર

પ્રભારી મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

વિકાસ કામોની ગુણવત્તા સાથે  તેની યોગ્ય જાળવણી થાય તે જરૂરી : પ્રભારી મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર

 વડોદરા, તા.૦૧ અપ્રિલ, ૨૦૨૨ શુક્રવાર (વિ. સં. ૨૦૭૮ ફાગણ વદ ૩૦)   વડોદરા જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળેલી વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ ના વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ તળે મળવાપાત્ર વિકાસલક્ષી અનુદાનોની મદદથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગંદા વસવાટની નાબૂદી, ગ્રામ રસ્તા, પાણી પુરવઠા, પોષણ, પ્રાથમિક શિક્ષણ, ભૂમિ સંરક્ષણ, વીજળીકરણ, સ્થાનિક વિકાસ અને પ્રાથમિક આરોગ્યના ક્ષેત્રોમાં ૧૫ ટકા વિવેકાધિન ( સામાન્ય અને ખાસ અંગભુત) હેઠળ સૂચિત ૫૬૪ કામોને અમલીકરણ માટે મંજૂરી આપવાનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. કૂલ રૂા.૧૧૦૦ લાખના વિવિધ ૫૮૫ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. યાદ રહે કે રાજ્ય સરકાર પાસે થી ૧૫ ટકા વિવેકાધિન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.રૂ.૮૯૫ લાખ અને ખાસ અંગભુત હેઠળ રૂ.૮૦ લાખ મળીને ફૂલ રૂ.૯૭૫ લાખ મળવાપાત્ર છે. તેની સામે કુલ રૂ.૯૭૮ લાખ ના અંદાજિત ખર્ચ થી ૫૬૪ કામોનું સૂચિત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.     આ ઉપરાંત ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ ગ્રામ રસ્તા, ભૂમિ સંરક્ષણ અને સ્થાનિક વિકાસના ૧૦ કામોનું રૂ.૨૫ લાખના ખર્ચે સુચિત આયોજનનો બેઠકમાં મંજુરીલક્ષી વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એટીવીટી યોજનાના વર્ષ ૨૦૧૮-૧૯થી વર્ષ ૨૦૨૧ સુધીના કામોની સમીક્ષા, સાંસદ અનુદાનમાંથી મંજૂર થયેલા કામની સમીક્ષા કરવા સાથે વર્ષ ૨૦૨૨-૨૩માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (ખાસ આયોજન) યોજનાના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ગત વર્ષના આયોજનના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે આ કામો ઝડપભેર પૂરા કરવાની તાકીદ કરવામાં આવી હતી.જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ તરીકે મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે વિકાસના તમામ કામો ઉચ્ચતમ ગુણવત્તા વાળા થાય અને સમયસર પૂર્ણ થાય તેની સર્વોચ્ય કાળજી લેવા તમામ અમલીકરણ અધિકારીઓ ને ખાસ અનુરોધ કર્યો હતો. કામો બેવડાય નહિ તેની તકેદારી રાખવાની તાકીદ કરવાની સાથે નગર પાલિકાઓની સોસાયટી વિસ્તારના કામો જનભાગીદારીથી લોકફાળો મેળવીને જ કરવાની સૂચના આપી હતી. મંત્રીશ્રીએ આયોજન મંડળ હેઠળ હાથ ધરાનાર કામોની સત્વરે વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ મેળવી ઝડપભેર કામો શરૂ કરવા  જણાવ્યું હતું. આયોજન હેઠળના કામો ગુણવત્તાસભર રીતે સમયમર્યાદામાં પૂર્ણ થાય એટલુ જ નહી તેની યોગ્ય  જાળવણી પણ  થાય તેની તકેદારી લેવા અધિકારીઓને જણાવ્યું હતી.    તેમણે વિકાસ કામોનુ આયોજન કામો બેવડાય નહી તે રીતે કરવાનું જણાવી જન સમુદાયને સામુહિક સુવિધા પ્રાપ્ત થાય તેવા કામોનો સમાવેશ કરવા તેમણે સૂચન કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, કેતનભાઈ ઈનામદાર, જસપાલસિંહ પઢિયાર, સીમાબેન મોહિલે, અક્ષયભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા, મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, કલેકટર શ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓ જોડાયા હતા.જિલ્લા આયોજન અધિકારી શ્રી એમ. આર. રાઓલે જિલ્લા આયોજન મંડળના વિવિધ વિકાસ કામોની જાણકારી આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી કુલદીપસિંહ ઝાલા,  તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM