






મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે સ્મારકના નિર્માણ કાર્યનું સ્થળ નિરીક્ષણ કર્યું
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે આજે અહી નિર્માણાધીન ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ભવનની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલી કામગીરીની અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમને આ કામગીરી સારી રીતે અને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સ્મારકની એકંદર ૮૫ ટકા કામગીરી પૂરી થઈ છે.
દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિ વડોદરા સાથે જોડાયેલી છે અને તેને સ્થાપત્યબદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કલ્યાણનગરમાં રૂ. ૧૦ કરોડના ખર્ચથી સ્મારક ભવનનું નિર્માણ થઇ રહ્યું છે.
અહી અદ્યતન ડિજિટલ પ્રદર્શન, એમ્ફી થિયેટર, સ્તૂપ સહિતની સુવિધાઓ સાથે ભવ્ય અને દિવ્ય સ્મારક બનવા જઈ રહ્યું છે. ત્રણ હજાર ચોરસ મીટરમાં કુલ ૩૮૬૮ ચોરસ મીટરના બાંધકામ કરાઈ રહ્યું છે.
મંત્રીશ્રીએ સ્તૂપની મુલાકાત લઈ જાય નિરીક્ષણ કર્યું હતું અને માર્ગ તથા મકાન વિભાગના અધિકારીઓ પાસેથી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મેયર શ્રી કેયુર ભાઈ રોકડિયા તથા અગ્રણી શ્રી વિજયભાઈ શાહ પણ આ મુલાકાતમાં મંત્રીશ્રી સાથે જોડાયા હતા.
