

રિપોર્ટ:-બીના પટેલ
જિલ્લામાં યોજાઇ રહેલ આરોગ્ય મેળાઓનો લાભ લેવા નાગરિકોને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની અપીલ
જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ સમગ્ર રાજયમાં આજથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના રાષ્ટ્રને સ્વસ્થ બનાવવાના આહવાનના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા યોજાઇ રહેલ રાજયવ્યાપી આરોગ્ય મેળાઓ અંતર્ગત આણંદ જિલ્લામાં સારસા ખાતેથી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવતાં આરોગ્ય મેળાઓ નાગરિકો માટે નિરોગી જીવન શૈલી અને રોજિંદા જીવનમાં ફેરફારો માટે ઉપકારક સાબિત થશે તેમ જણાવી જિલ્લામાં યોજાઇ રહેલ આરોગ્ય મેળાઓનો લાભ લેવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.
શ્રી દક્ષિણીએ જિલ્લામાં બ્લોક સ્તરે આરોગ્ય મેળાઓ યોજીને આરોગ્યલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજીને નાગરિકોને અને રાષ્ટ્રને સ્વસ્થ બનાવવાની દિશામાં આ નવતર પહેલ હોવાનું જણાવી આ આરોગ્ય મેળા દરમિયાન આયુષ્યમાન ભારત ડિજીટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ કાર્ડ બનાવવાની કામગીરી, પી.એમ.જે.એ.વાય. કાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
શ્રી દક્ષિણીએ વધુમાં આ આરોગ્ય મેળાઓ દરમિયાન જુદા જુદા પ્રકારના ચેપી અને બિનચેપી રોગો સંદર્ભે અટકાયતી પગલાંથી નાગરિકોને માહિતગાર કરવામાં આવશે જયારે તજજ્ઞો દ્વારા તપાસ, સારવાર, દવા, લેબોરેટરી, આયુર્વેદિક દવાઓ, ટી.બી. જનજાગૃતિ, અંગદાન-મહાદાન, મેલેરિયા, કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓની કામગીરી-તપાસ કરવાની સાથે જાણકારી આપવાની અને નાગરિકોમાં આરોગ્ય પ્રતિ જનજાગૃતિ કેળવાય તે માટેની કામગીરી કરવામાં આવનાર હોઇ નાગરિકોએ તેનો મહત્તમ લાભ લેવો જોઇએ તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સારસા ખાતેથી પ્રારંભ થયેલ આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજર રહ્યા હતા તેમાં પણ ખાસ કરીને ૨૫૦થી વધુ સગર્ભા માતાઓએ આરોગ્ય મેળામાં હાજર રહીને તપાસ કરાવી જરૂરી સારવાર મેળવી આરોગ્ય મેળાનો લાભ લેવા અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી.
કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મહાનુભાવોના હસ્તે આરોગ્યની સહાય મેળવનાર ચાર લાભાર્થીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે છે.
પ્રારંભમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ર્ડા.વિન્સન્ટ ક્રિશ્ચિયને સૌનો આવકાર કરતા રાજય સરકાર દ્વારા યોજવામાં આવેલ આરોગ્ય મેળાનો હેતુ સમજાવી સારસા સી.એચ.સી.ખાતે કરવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓની સવિસ્તાર જાણકારી આપી હતી.
જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રદિપભાઇ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હસમુખભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી સંજયભાઇ પટેલ, સારસા ગ્રામ પંચાયતના સરપંચશ્રી કિરીટભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એમ.ટી.છારી, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી આલોક કુલશ્રેષ્ઠ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સગર્ભા સ્ત્રીઓ, આરોગ્ય કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ હાજર રહયા હતા.
