વઘઇ ખાતે યોજાયો ‘આરોગ્ય મેળો’

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૧૯: આરોગ્યલક્ષી યોજનાની ઝીણામા ઝીણી માહિતી, છેવાડાના લોકો સુધી સુપેરે પહોંચાડવા માટે, વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે રાજ્યભરમા “આરોગ્ય મેળા”નુ આયોજન કરાયુ છે, તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે આરોગ્યકર્મીઓની તપસ્યા, અને સેવાને બિરદાવી તેમને દેવદૂત તરીકે વર્ણવ્યા હતા.

જાહેર સ્વાસ્થ્ય અને સલામતી માટે સતત કાર્યરત આરોગ્ય વિભાગના કર્મચારીઓની સમસ્યા, અને પ્રશ્નો પરત્વે સરકાર અને તેના અધિકારીઓ તથા પ્રતિનિધિઓ સતત ચિંતિત છે, ત્યારે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓએ તેમની પડકારજનક ભૂમિકાને વધુ અસરકારક બનાવીને, પ્રજાજનોના સ્વાસ્થ્ય, સારવાર અને સુશ્રૂષા માટે પ્રતિબદ્ધ બનવુ જોઈએ તેમ તેમણે જણાવ્યુ હતુ.

સ્વચ્છ અને સ્વસ્થ ભારતની વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાને સાકાર કરવા માટે, સૌને સંકલ્પબદ્ધ બનવાની હિમાયત કરતા પ્રમુખ શ્રી ગાવિતે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ છેવાડાના ગામડાઓ સુધી ગુંજતો કરવાની પણ અપીલ કરી હતી.

PMJAY-મા કાર્ડ સહિતની અનેક વિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓને મળી રહે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરતા પ્રમુખશ્રીએ, જિલ્લાનો એક પણ લાભાર્થી PMJAY-મા કાર્ડથી વંચિત ન રહે તે જોવાની અપીલ કરી હતી.

પ્રજા પ્રતિનિધિઓ, અને આરોગ્ય ટીમના સહયોગથી પ્રજાજનોને શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લેવાની અપીલ કરતાં શ્રી ગાવિતે, આશા સહિતના આરોગ્ય કર્મચારીઓની સફળ કામગીરીને બિરદાવી, પ્રજાપ્રતિનિધિ અને પ્રશાસન હંમેશા તેમની પડખે છે, તેમ જણાવ્યુ હતુ.

જિલ્લાની જાહેર સ્વાસ્થ્યની ચર્ચા કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ, આરોગ્ય મેળાના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. આરોગ્ય અને તંદુરસ્તીનુ દરેક વ્યક્તિના જીવનમા અદકેરું મહત્વ છે, ત્યારે આશા, આંગણવાડી વર્કર, અને આરોગ્ય વિભાગના ગ્રામીણ કર્મચારીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે તેમ તેમણે જણાવ્યુ હતુ.

તેમણે સગર્ભા અને ધાત્રી માતાઓની સારસંભાળ સાથે મહિલાઓ અને કિશોરીઓમા સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃતિ જરૂરી છે તેમ ઉમેર્યુ હતુ.

જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓના પ્રશ્નો, સમસ્યાઓ બાબતે સતત ચિંતા સેવી રહ્યા છે ત્યારે, ગ્રામીણ કર્મચારીઓ પણ ખંત પૂર્વક તેમની સેવા બજાવે તે આવશ્યક છે, તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંસ્થાકિય સુવાવડ, PMJAY-મા કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના સહિતની શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ, છેવાડાના વંચિતજનોને મળે તેવા પ્રયાસોની હિમાયત કરી હતી.

સૌ પ્રજાજનોની સુખાકારીની કામના સાથે વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પવારે આરોગ્ય અને પ્રજા વચ્ચે સુચારૂ સંકલન જરૂરી છે તેમ જણાવ્યુ હતુ.

રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કાર્યક્રમો, અને આરોગ્ય કર્મીઓના ભગિરથ પ્રયાસોમા પ્રજાકિય ભાગીદારી ઇચ્છનિય છે તેમ જણાવતા સામાજિક કાર્યકર અને ચીંચીનાગાવઠાના સરપંચ શ્રી સંકેત બંગાળે, આરોગ્ય વિભાગના ગ્રામીણ કર્મચારીઓના સતત સંપર્ક અને સંકલન સાથે વિવિધ યોજનાઓનો લાભ લેવાની હિમાયત કરી હતી.

પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે શરૂ થયેલા કાર્યક્રમનુ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો પણ એનાયત કરાયા હતા. કાર્યક્રમના સ્થળે જિલ્લાના જુદા જુદા વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ પણ ઊભા કરાયા હતા.

કાર્યક્રમમા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન ચૌધરી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બળવંતભાઈ દેશમુખ સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત, RCHO શ્રી ડો.સંજય શાહ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી બી.એચ.રાઉત તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્યકર્મીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમા સ્વાગત પ્રવચન THO શ્રી ડો.શ્વાતિ પટેલે કર્યુ હતુ. જ્યારે અંતે અભારવિધિ ડો.ગર્વિના ગામીતે આટોપી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM