ધોળકા ખાતે ૯૩૯ અને ધંધુકામાં ૫૨૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો





આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે રાજ્યના તમામ તાલુકા મથકોએ તા. ૧૮ થી ૨૨ એપ્રિલ દરમ્યાન દરેક તાલુકાઓને આવરી લેતા રાજ્યવ્યાપી આરોગ્ય મેળાઓનું વિશિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામા આજરોજ ધંધુકા અને ધોળકા ખાતે આરોગ્ય મેળો યોજાયો હતો. આ આરોગ્ય મેળાના માધ્યમથી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જન આરોગ્યલક્ષી જુદા-જુદા કાર્યક્રમો અને યોજનાઓ થકી લોકોને માહિતગાર કરવામાં આવશે. આરોગ્ય મેળામાં લોકોને એક જ સ્થળેથી આરોગ્ય સેવાઓ અને જુદી-જુદી આરોગ્યલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવશે. આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન હેઠળ યુનિક આઈ-ડી કાર્ડ બનાવવામાં મદદ મળશે. ટી.બી.નિર્મૂલન કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરાશે. જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડની સુવિધા આપવામાં આવશે.પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આરોગ્ય સેવાઓ થકી ઝડપી નિદાન દવાઓ, ટેલિકન્સલ્ટેશન જેવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ક્રિનિંગ સુવિધા આપવામાં આવશે.ચેપી તથા બિન-ચેપી રોગોના નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા અંગે પણ લોકોને શિક્ષિત કરવામાં આવશે.આરોગ્ય મેળામાં બંને તાલુકાના કુલ મળીને ૧૪૬૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં ધંધુકા તાલુકાના સામુહિક આરોગ્ય કે ન્દ્ર ખાતે યોજાયેલા આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ- 152, હેલ્થ આઈ ડી કાર્ડ-153, ANC- 109, નિરામય કાર્ડ- ૨૨૫ કાર્ડ આપવામાં આવ્યા હતા તથા ૩૫ કિશોરીઓનું હિમોગ્લોબિન ચેક કરવામાં આવ્યું હતું. ધોળકા ખાતે યોજાયેલા આરોગ્ય મેળામાં ૩૨ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ હતુ. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આરોગ્ય મેળામાં બ્લડપ્રેશર ડાયાબિટીસ સ્ક્રિનિંગ, મોતિયા સહિત આંખની તપાસ, હેલ્થ આઈડી, ટેલીકન્સલ્ટિંગ, પીએમજય કાર્ડ, જનરલ ઓપીડી, આયુષ ઓપીડી, પ્રિકોશન ડોઝ કોવિડ વેક્સિનેશન, લેબોરેટરી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનું આઇઇસી પ્રદર્શન, વાહક જન્ય રોગ નિયંત્રણ માટે ફોગીંગ મશીન, નેપસેક પંપ, ફોગર મશીન, અબેટ, પોરા નિદર્શન, ડાયફ્લુબેન્ઝ્યુરોન સહિતના દવા સાધનોનું નિદર્શન- માહિતી, આઇસીડીએસ વિભાગનું આઇઇસી પ્રદર્શન તથા ફુડ સેફટી વિભાગ દ્વારા ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને નિદાન સારવાર ઉપરાંત સ્વસ્થ્ય જીવનશૈલી અપનાવવા માટેની મહત્વની જાણકારી પણ આપવામાં આવી હતી. આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા. આ અવસરે તાલુકા હેલ્થ ઓફિસર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
