કચ્છ જિલ્લાના ૭ બાળકોને ડીબીટીના માધ્યમથી  બેંકના ખાતામાં સીધી સહાય સાથે કિટનું વિતરણ કરાયું

કલેક્ટર કચેરી ભુજ ખાતે વડાપ્રધાનશ્રીએ કચ્છ જિલ્લામાં કોરોનાના સમયગાળા દરમિયાન માતા પિતાની છત્રછાયા ગુમાવનારા ૭ બાળકોના ખાતામાં ડીબીટીના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરીને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમનું વર્ચ્યુઅલી આયોજન ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોનાના સમયગાળા દરમિયાન જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી તે બાળકોને PM કેયર્સ ફંડ હેઠળ સહાય આપવાની જાહેરાત ૨૯મે, ૨૦૨૧ના રોજ કરવામાં હતી. PM કેયર્સ ફોર ચિલ઼્ડ્રન યોજના અન્વયે બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે ૧૮થી ૨૩ વર્ષ સુધી માસિક સ્ટાઈપેન્ડ રૂ.૪૦૦૦ લેખે વાર્ષિક રૂ.૪૮,૦૦૦ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, જ્યારે બાળકની ઉંમર ૨૩ વર્ષ થશે ત્યારે સરકાર દ્વારા રૂ.૧૦ લાખ આપવામાં આવશે.

        આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ બાળકોને હિંમત આપતા કહ્યું કે આખો દેશ તમારી સાથે છે. મા ભારતી તમારી સાથે છે. PM કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત દેશ પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશવાસીઓએ પોતાના પરસેવાની કમાણી આ PM કેયર્સ  ફંડમાં આપી છે. હારને હતાશામાં ન બદલવી જોઈએ અને નિરંતર આગળ વધવાનો મંત્ર વડાપ્રધાનશ્રીએ બાળકોને આપ્યો હતો. બાળકોને સારા પુસ્તકો વાંચવાની અપીલ કરીને ફિટ ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા, યોગ જેવી ઈવેન્ટમાં જોડાવા કહ્યું હતું. સંકલ્પ કરીને આગળ વધશો તો તમારે જ્યા પહોંચવું છે ત્યાં પહોંચતા દુનિયાની કોઈપણ તાકાત રોકી શકશે નહીં એવું કહીંને વડાપ્રધાનશ્રીએ બાળકોનો જુસ્સો વધાર્યો હતો. વડાપ્રધાનશ્રીએ આર્શીવાદ આપીને જીવનમાં ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છા તમામ બાળકોને પાઠવી હતી.

        કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઈરાનીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીનું કાર્યાલય છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા ૪૩૪૫ બાળકોની સારસંભાળ લઈ રહ્યું છે. આ અનાથ બાળકોને સારી શિક્ષા મળે, સારું સ્વાસ્થ્ય મળે અને આર્થિક મદદ મળે તે વાતની ચિંતા વડાપ્રધાશ્રીએ કરી છે.

        PM કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ માતા-પિતાના મૃત્યુ વખતે ૧૮ વર્ષ પૂર્ણ ના થયા હોય એવા બાળકોને સહાય આપવામાં આવી રહી છે. આ યોજના પાછળ સરકારનો હેતુ બાળકોની વ્યાપક સંભાળ અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો છે. આ બાળકોના આરોગ્યની સંભાળ માટે આયુષ્માન હેલ્થકાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વીમાનું કવચ પણ સરકાર દ્વારા બાળકોને પૂરું પાડવામાં આવશે અને તેની સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે બાળકોને કેન્દ્રિય વિદ્યાલય અથવા તો આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આરટીઈના નિયમો હેઠળ આ બાળકોને આવરી લેવાયા હોવાથી યુનિફોર્મની સાથે પુસ્તકોનો તમામ ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવશે.

        PM કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં ૭ બાળકોને આ સહાય યોજના હેઠળ આવરી લેવાયા છે. જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે બાળકોને પ્રતિમાસ રૂ.૪૦૦૦ લેખે વાર્ષિક રૂ.૪૮,૦૦૦ની આર્થિક સહાય સીધા જ તેમના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, PM કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજનામાં બાળકોની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યા સુધી કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત માસિક રૂ.૨૦૦૦ મુજબ વાર્ષિક રૂ.૨૪૦૦૦ની સહાય આપવામાં આવશે. આ બાળકોને એક્સ ગ્રેસિયા અંતર્ગત સહાયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રૂ.૫૦૦૦૦ની આર્થિક મદદ કરાશે. આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાયા હોવાથી બાળકોને આરોગ્યની સુવિધાના લાભની સાથે રૂ.૫ લાખ સુધીનું વીમા કવચ પણ આપવામાં આવ્યું છે.

        આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, અંજારના ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહીર, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, મદદનીશ કલેક્ટરશ્રી ભુજ અતિરાગ ચપલોત, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી અવનીબેન દવે,  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.પી.રોહડીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરિયા, ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિ દિપાબેન લાલકા, સભ્યશ્રી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ શીલ્પાબેન ગોર, સભ્યશ્રી બાળ કલ્યાણ સમિતિ ડૉ.દેવજ્યોતિ શર્મા, સભ્યશ્રી બાળ કલ્યાણ સમિતિ જયદીપસિંહ જાડેજા, CRY-UNICEFના પ્રતિનિધિ શ્રી પ્રેમ વિરાણી સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓની સાથે લાભાર્થી બાળકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM