














માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા અબડાસા વિસ્તારમાં રૂ.૧૪૧.૧૧ કરોડના ખર્ચે રોડ રસ્તાના વિસ્તૃતિકરણ, રિસર્ફેસીંગ તથા નવિનીકરણના વિવિધ ૧૫ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ આજે દયાપર ખાતે કરવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પૂર્ણેશ ભાઈ મોદીએ રૂ.૨.૧૦ કરોડના ખર્ચે નિર્મિત બીબર- ગંદુઆ દાદા મંદિર રોડ, અબડાસા વિસ્તારમાં રૂ.૨૩ લાખના ખર્ચે લક્ષ્મીરાણી એ રોડ, રૂ. ૫.૭૮ કરોડના ખર્ચે બનેલા લાઠેડી ડુમરા- સંધાણ રોડ અને રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે નિર્મિત જખૌ -દરારવાંઠ રોડનું પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના અન્વયે લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ રૂ. ૧૩૦.૫૦ કરોડના કુલ ૧૧ કામોના ભૂમિપૂજન પણ કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરહદના લોકોને સલામતી, શાંતિ, સુખાકારી આપવા સરકાર કટિબદ્ધ છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ અને વિષમ ભૌગોલિક પરિસ્થિતિ વાળા કચ્છમાં રોડ કનેક્ટિવિટી નાગરિકોને રોજગારી અને સામાજિક જીવન તેમજ રોજીંદા જીવન વ્યવહાર માટે મહત્વપૂર્ણ છે. રોડ-રસ્તાના વિકાસના પગલે રાજ્યની દેશમાં આગવી ઓળખ ઊભી થઈ છે. જિલ્લામાં બે દિવસમાં રૂ. ૫૦૦ કરોડના ૫૦૦ કિલોમીટરના વિવિધ રસ્તાઓના કામો પૈકી આજે રૂ.૧૪૧.૧૧ કરોડના ૧૫ કામો થયા છે. ભારતના સૌથી મોટા જિલ્લામાં રોડ કનેક્ટિવિટી અનિવાર્ય પાયાની જરૂરિયાત છે. છેવાડાના અને સરહદી વિસ્તારના લોકોનો વિકાસ માર્ગ રોડ રસ્તા પરથી નક્કી થાય છે ત્યારે સરકાર કચ્છની સરક્રિક, અબડાસા મતવિસ્તાર, નડાબેટ જેવા સ્થળોએ રોડ કનેક્ટિવિટી આકાર આપી રહી છે. છેલ્લા છ માસમાં રૂ.૧૨૨૦૦ કરોડના રોડ-રસ્તાના વિકાસકામોના ખાતમુહુર્ત લોકાર્પણ રાજ્યમાં થયા છે. રાજ્યના ૧૬૦૦ કિમી દરિયા કિનારાના શહેરો અને બંદરોને માર્ગ કનેક્ટિવિટી પ્રવાસન તરીકે વિકસાવી રોજગારી અને સુખાકારી માટે તૈયાર કરવાના છે. કચ્છ જિલ્લાને પણ ધાર્મિક પ્રવાસન અને સરહદી વિકાસ પ્રવાસન તરીકે વધુ વિકસાવાશે. અમદાવાદ-ભુજ-અમદાવાદની આજથી પ્રારંભ હવાઈ સફર એરકનેક્ટિવિટીનો વિદેશ અને મુંબઈમાં વસતા અને અન્ય પ્રાંતના લોકોને લાભ મળશે. લોકોનાં નાણાં ,સમય અને ટ્રાન્સપોર્ટેશનનો પણ બચાવ થશે .
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં થતા વિકાસકામો નોંધનીય છે. વિકાસના નિર્માણ અને સંચાલનથી રોજગારીની પણ વિપુલ તકો ઊભી થાય છે. આજથી પ્રારંભ અમદાવાદભુજ હવાઈ સેવાથી દેશ-વિદેશમાં વસતા કચ્છીઓ અને કચ્છમાં વસતા પરપ્રાંતના સૌને ઉત્તમ લાભ મળશે.
અબડાસા મત વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે,’ આપણા વિસ્તારના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાના લોકો માટે સુગમ સફર માટે સલામત માર્ગ વાહન વ્યવહારમાં આજે થયેલા વિકાસકામો માટે સરકારનો આભાર માનું છું. એક જ દિવસે એક સાથે રૂ.૧૪૧.૧૧ કરોડના રોડ-રસ્તાના વિવિધ કામોથી સ્થાનિકોના જીવન વ્યવહારમાં સરળતા સલામતી આવશે. સરકારે બાળકો માટે ખિલખિલાટ અને માણસો માટે જ નહીં ઘેટા બકરા પશુના માટે પણ તેમના આરોગ્યની ચિંતા કરી છે . આ તકે તેમણે વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસકામો વિશે જણાવી કહ્યુ હતું કે, કચ્છમાં યાત્રાધામ અને પ્રવાસન વિકાસની ગ્રાન્ટો ફાળવી પ્રજાના વિકાસ અને વ્યવસ્થાઓ માટે સરકાર સક્રિય કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કચ્છનો ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર અને જિલ્લા કલેકટરશ્રી ખંતપૂર્વક ધ્યાન રાખી વિકાસ કરાવે છે. સરહદી છેડાના વિસ્તારના વિકાસ માટે હું પ્રજા વતી સૌનો આભાર માનું છું. આ તકે અબડાસા વિસ્તારના અગ્રણીઓ , વિવિધ સમાજો અને વિવિધ સંગઠનોએ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનું ભવ્ય સન્માન કર્યું હતું .આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન માર્ગ-મકાન વર્તુળ વિભાગના ઇજનેરશ્રી દલવાડિયાભાઈએ કર્યું હતું. આભારવિધિ રાજુભાઈ સરદારે કરી હતી. કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું. આ પ્રસંગે સર્વશ્રી અગ્રણી વેસલજીદાદા, દિલીપભાઈ પટેલ, મહેશભાઈ ભાનુશાળી, દેવશીભાઇ રબારી, જેતમલ જાડેજા, હસમુખ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન ચોપડા,આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી કરસનસિંહજી જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી નયનાબેન પટેલ, પરસોતમભાઈ મારવાડા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયસુખભાઇ પટેલ, અબડાસા વિપક્ષી નેતા મહાવીરસિંહ જાડેજા, સંધ્યાબેન પલણ, મહેન્દ્રસિંહ ,દિલીપભાઈ , ,રાજુભાઈ પલણ ,યોગેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંતશ્રી મેહુલ બરાસરા ,મા.મ.વર્તુળ અધિક્ષક ઈજનેરશ્રી એ.જે.ચૌહાણ, મા.મ.પં વિભાગ કાપાઈશ્રી વી.એન.વાઘેલા, શ્રી સી.બી.ડુડીયા, એસ.ટી.નિયામકશ્રી વાય.કે.પટેલ, મા.મ.વિભાગ (પંચાયત) શ્રી એમ.જે.ઠાકોર, જિલ્લા અને તાલુકાના અગ્રણી પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
