
રિપોર્ટ : બીના પટેલ
આણંદ- ભારત સરકાર વિદ્યુત ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. જેના ભાગરૂપે હવે લો વોલ્ટેજ જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ થવાની સાથે બચત થાય તે હેતુસર ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા RDSS (Revamped Distribution Sector Scheme) નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો અસરકારક અને સુચારૂં અમલ થાય તે માટે આજે આણંદ સરકીટ હાઉસ ખાતે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
આ બેઠકમાં એમજીવીસીએલના અધિકારીએ આ યોજનાથી નવા ટ્રાન્સફોર્મર, નવા સબ સ્ટેશનો સહિત લો વોલ્ટેજના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેના સહિત સ્માર્ટ મીટર (પ્રિ-પેઇડ)ની યોજનાની રૂપરેખા આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવનાર છે. જેમાં સૌપ્રથમ ઔદ્યોગિક-કોમર્શિયલ ક્ષેત્રમાં સ્માર્ટ મીટરની યોજના અમલમાં મૂકવામાં આવશે ત્યારબાદ ગવર્નમેન્ટ સેકટરમાં યોજના દાખલ કરી ક્રમશ: તેમાં વધારો કરી સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ સહિત ધારાસભ્યો સર્વ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઇ સોઢા પરમાર અને નિરંજનભાઇ પટેલે બેઠક દરમિયાન વિદ્યુત સેવાઓની ગુણવત્તા જળવાઇ રહે અને તેની વિશ્વસનિયતા વધે તેવી કામગીરી કરવાનું સૂચન કરી જયાં ફીડરો મૂકવામાં આવ્યા છે અને ખુલ્લાં છે તેની યોગ્ય જળવણી કરવા, માર્ગમાં નડતરરૂપ હોય તેવા વીજ થાંભલા દૂર કરવા, જો આ શકય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલનું કામ કરવું જેવા સૂચનો રજૂ કર્યા હતા જેનો એમજીવીસીએલના અધિકારીઓએ હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેમ કહ્યું હતું.
શ્રી મિતેષભાઇ પટેલે RDSS યોજનાનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવનાર છે તેની જાણકારી મેળવી આ બાબતે જરૂરી સબ સ્ટેશનો, નવા ટ્રાન્ફોર્મર, ફીડરો ઉભા કરવા સહિત કામગીરીમાં કોઇ તકલીફ પડે તો તેઓનો સંપર્ક કરવા એમજીવીસીએલના અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ બેઠક દરમિયાન કેટલાંક મહત્વનાં સૂચનો કરી જિલ્લા પંચાયતમાં વીજને લગતી બાબતો અંગે રજૂઆત કરી હતી જેનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે તેવી ખાત્રી એમજીવીસીએલના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્યો સર્વ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઇ સોઢા પરમાર, નિરંજનભાઇ પટેલ, નિવાસી અધિકા કલેકટર શ્રી કેતકી વ્યાસ, એમજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા.

