

રિપોર્ટ : બીના પટેલ
કરમસદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો
ભારતીય1 સંસ્કૃતિએ માનવ જાતને ઘણું આપ્યું છે, આ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય યોગ દ્વારા થયું છે. એટલું જ નહી પરંતુ યોગ દ્વારા વિશ્વમાં ભારતને નવી ઓળખાણ મળી જેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે તેમ ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
“માનવતા માટે યોગ” થીમ આધારિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના કરમસદ સરદાર પટેલ મેમોરીયલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ સહભાગી થયા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી ચૌહાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુકત રાષ્ટ્રની સભામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે મૂકેલા પ્રસ્તાવને ૧૭૭ દેશોએ સમર્થન આપ્યું અને ત્યારથી ૨૧, જૂન ૨૦૧૫ થી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું જણાવી યોગ એ એક અનુભૂતિ છે, જેને સમગ્ર વિશ્વએ સ્વિકારી છે. આજની આધુનિક જીવનશૈલીમાં યોગ થકી માનવીના જીવનમાં આવતા સ્ટ્રેસ – થકાનને દૂર કરી શકાય છે. આથી આપણે સૌએ યોગનુ મહત્વ સમજી આપણી સાથે આપણા પરિજનોને પણ યોગ સાથે જોડીને આપણી ચિર – પુરાતન યોગ સંસ્કૃતિને આગળ ધપાવવાના કાર્યના વાહક બનવા આહવાન કર્યું હતું.
મંત્રીશ્રીએ ગુજરાતમાં યોગની સંસ્કૃતિને નવું બળ મળે તે માટે રાજય સરકાર દ્વારા યોગ બોર્ડની વિશેષ રચના કરવામાં આવી હોવાનું જણાવી ઉપસ્થિત સર્વેને તેમના જીવન વ્યવહારમાં યોગને સ્થાન આપી આપણી પ્રાચીન યોગ પરંપરાને આગળ લઈ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.
મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે બદલાતા સમયમાં જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે જેના પરિણામે આપણે અનેક દર્દોનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે આપણી જીવનશૈલીમાં પરિવર્તન કરીને યોગ-પ્રાણાયમને જીવનનો હિસ્સો બનાવવાનો સમય પાકી ગયો છે ત્યારે યોગને જીવનનો હિસ્સો બનાવી નિરોગી જીવનને યોગના માધ્યમથી ચરિતાર્થ કરવા જણાવ્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ જેટલા આઇકોનીક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, આ ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં સરદાર પટેલ મેમોરિયલ સહિત શાસ્ત્રી મેદાન, એન.ડી.ડી.બી., ડી.એન.હાઇસ્કૂલ, મહાત્મા વિનય મંદિર, મોગરી સહિત સમગ્ર જિલ્લાના અનેકવિધ સ્થળોએ યોજાયેલ યોગના કાર્યક્રમોમાં અંદાજિત ૫ (પાંચ) લાખથી વધુ લોકોએ સંમેલિત થઇ સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા.
યોગ દિનની ઉજવણી કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત સર્વેએ મૈસુર ખાતે યોજાયેલા યોગના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલ ઉદ્દબોધનને તથા ગુજરાતમાં અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાયેલ યોગના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલ ઉદ્દબોધનના જીવંત પ્રસારણને નિહાળ્યું હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી એમ.વાય.દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, કરમસદ નગરપાલિકા પ્રમુખશ્રી નિલેષભાઈ પટેલ, કરમસદ નગરપાલિકાના સભ્યો, અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

