આદિજાતિ ક્ષેત્રમા શિક્ષણ માટે સરકાર દ્વારા અથાગ પ્રયાસો હાથ ધરાયા – શ્રી મુરલી ક્રિષ્ના



રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૩: ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા આવેલા વઘઇ તાલુકાના વાંકન, પાંઢરમાળ, અને કાલીબેલ પ્રાથમિક શાળામા, રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચિવ શ્રી મુરલી ક્રિષ્નાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો.
દિપ પ્રાગટય, અને પ્રાથના ગીત સાથે શરૂ થયેલા કાર્યક્રમની દરમિયાન મહાનુભાવો દ્વારા નવા પ્રવેશ પામતા બાળકોને શાળાની કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
દરમિયાન સચિવ શ્રી મુરલી ક્રિષ્નાએ સરકાર શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી જેવા કાર્યક્રમો થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રયાસ કરી રહી છે. આવા કાર્યક્રમો દ્વારા શાળામા ડ્રોપ આઉટનો રેશિયો ઘટ્યો છે.
તેમણે શાળાના શિક્ષકોને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, તેઓ બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપે. બાળકો મોટા થાય પછી તેઓને દિશા અને માર્ગદર્શન આપે. કારણ કે બાળકો દેશનુ ભવિષ્ય છે. આ વિદ્યાર્થીઓ પોતાના ગામ, અને દેશનુ નામ રોશન કરશે. શિક્ષણથી દરેક ક્ષેત્રમા પ્રગતિ કરી શકાય છે. ફક્ત નોકરી મેળવવા માટે શિક્ષણ જરૂરી નથી, શિક્ષણ મેળવી ખેતી ક્ષેત્રમા પણ પ્રગતિ કરી શકાય છે.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શિક્ષિત યુવાઓની બેરોજગારી દૂર કરવા માટે કોશલ્યવર્ધન કેદ્રો પણ ઊભા કરવામા આવ્યા છે.
આદિજાતિ વિસ્તારમા નેટવર્કની સુવિધાઓ પ્રાપ્ત થાય, નેટવર્કના લીધે ભવિષ્યમા ઓનલાઈન શિક્ષણમા તકલીફ ન પડે, તેમજ આરોગ્ય, ધંધો વેપાર માટે નેટવર્ક ઉપયોગી છે, તે માટે સરકાર દ્વારા રૂ.૧૧ કરોડની વિશેષ ગ્રાન્ટની ફાળવણી પણ કરવામા આવી છે.
પ્રાયોજના વહીવટીદાર શ્રી કે.જે.ભગોરાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, શિક્ષણ વગર સમાજનો વિકાસ શક્ય નથી. નવી પેઢી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આવનાર પેઢીને શિક્ષણથી વંચીત રાખીશુ તો એ મોટી ભૂલ ગણાશે. શિક્ષણ દરેક ક્ષેત્ર માટે ખુબ જ જરૂરી છે. બાળકોરૂપી કાચા હીરાને ચમકાવવાની જરૂર છે. વાલીઓને જાગૃત કરવા પડશે. દીકરા દિકરીમા ભેદભાવ રાખવો નહિ, બન્ને એકસમાન છે.
તેમણે ડાંગ જિલ્લામા વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વનસ્પતિના રોપાઓના ઉછેર માટે લોકોને અનુરોધ કર્યો હતો. શ્રી ભાગોરા એ ઉપસ્થિત ગ્રામજનોને ટી.એસ.પી.ની યોજનાઓ વિશે વિસ્તાર પૂર્વક જાણકારી પણ આપી હતી.
દરમિયાન શ્રી મુરલી ક્રિષ્નાએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે ગ્રામજનોના પ્રશ્નો જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા સચિવ શ્રી ક્રિષ્નાએ અનુરોધ કર્યો હતો.
શાળાના બાળકોએ કોરોના, પાણી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર નિબંધ રજૂ કર્યા હતા. શાળામા પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકોને સન્માનિત કરવામા આવ્યા હતા. શાળાના તમામ બાળકોને પુસ્તકો આપીને સન્માનિત કરાયા હતા. મહાનુભાવોએ વાંકન શાળાના પટાંગણમા વૃક્ષારોપણ પણ કર્યું હતું.
કાર્યક્રમમા આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.એ.કનુજા, ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના શિક્ષકો, ભૂલકાઓ, અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

