


દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભવિષ્યના પાણીના સંકટ થી બચવા જળ સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જળ સંચય અને રીચાર્જ કૂવા માટે સરકાર અનેક વાર આહવાહન કરી ચૂકી છે. મહેસાણાના સાંસદશ્રી શારદાબેન પટેલના સસરા શહીદવીર શ્રી ત્રિભોવન દાસ પટેલ પણ દેશ માટે આઝાદી ની લડત લડેલા અને હંમેશા ખેડૂતોના હિત માટે પ્રયત્નો કરતા. તેમની વિચારધારા હંમેશા આવનારી પેઢીના સુખાકારી માટેની હતી. શારદાબેન પટેલના પતિશ્રી માન. અનિલભાઈ પટેલ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમના પ્રયત્નો થી ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના ની મદદ થી ખેતી માટે અને પીવા માટે પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના વિચારોને પોતાનો આદર્શ બનાવી સંસદસભ્ય શારદાબેન પટેલ દ્વારા તેમના દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત પસંદગી પામેલા ગામોમાં આવનારી પેઢી ને પૂરતું પાણી મળી રહે તે માટે પાણી બચાવવા અને વધારાનું વહી જતું પાણી પાછું જમીન માં ઉતારવા માટે રીચાર્જ કુવાનો વિચાર આવ્યો. અને તે વિચારને ચરિતાર્થ કરવા માટે તેમના દીકરા આનંદ પટેલે કમર કસી અને તેમણે “અનિલ ત્રિભુવન જળ વ્યવસ્થાપન યોજના” નામ થી રીચાર્જ વેલ, જૂના બંધ થયેલા કૂવાને ફરીથી જીવતા કરવા, પ્રધાનમંત્રીજી ના “કેચ ધ રેન” સુત્રને સાર્થક કરતા વરસાદી પાણીનો સંગ્રહ જેવી પદ્ધતિ નો ઉપયોગ કરીને વધુમાં વધુ પાણીનો બચાવ આવનારી પેઢી માટે કરી શકાય તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા. આ અંતર્ગત શારદાબેન પટેલ દ્વારા “સાંસદ આદર્શ ગ્રામ યોજના” હેઠળ પસંદગી પામેલા બેચરાજી તાલુકાના ચડાસણા ગામમાં રીચાર્જ વેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. રીચાર્જ વેલ કેવી રીતે બનાવવો અને કેવી રીતે વધુમાં વધુ પાણી જમીનમાં ઉતારી શકાય જેથી પાણીના તળ ઊંચા આવે તેની માટે તેમના દ્વારા એક ટીમ બનાવીને સર્વે કરવામાં આવ્યો અને પાણીના આવરાનો અભ્યાસ કરવામાં આવ્યો અને પૂરતા રિસર્ચના અંતે ગામના તળાવની બાજુમાં રીચાર્જ કૂવો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ રીચાર્જ કુવા માં આ ચોમાસા દરમિયાન કેટલું પાણી સંગ્રહ થાય છે તેનો ઊંડાણ પૂર્વકનો અભ્યાસ કાર્ય બાદ અન્ય ગામોમાં પણ આ ટેકનોલોજી થી રીચાર્જ કુવા બનાવવામાં આવશે. આ સિવાય જુના બંધ થયેલા કુવાઓ નો સર્વે કરીને જે પણ કુવા જીવતા કરી શકાય તેમ હોય તેની માહિતી ભેગી કરીને તે કુવાઓ ને જીવતા કરવાની દિશામાં આગળની નક્કર કામગીરી કરવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સાંસદશ્રી શારદાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી શહીદવીર ત્રિભોવનદાસ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ ના નેજા હેઠળ આનંદ પટેલ દ્વારા ચડાસણા ગામના તળાવમાં રીચાર્જ વેલ બનાવવામાં આવ્યો. અને તેના લોકાર્પણ માટે શહીદવીર શ્રી ત્રિભોવનદાસ પટેલની પુણ્યતિથિ થી વધારે સારો દિવસ શું હોઈ શકે ? ચડાસણા ગામમાં જે રીચાર્જ વેલ બનાવ્યો છે તે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થી બનાવવામાં આવ્યો છે. તેમાં વોટર ફ્લો મીટર લગાવવામાં આવ્યું છે જેથી કેટલા લીટર પાણી જમીનમાં ઊતર્યું તે પણ મોબાઇલ એપ દ્વારા જાણી શકાશે. આ રીચાર્જ વેલ ૪ કલાકમાં અંદાજે ૧૦૦૦૦૦ (એક લાખ) લીટર પાણી જમીનમાં ઉતારી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. જેથી પ્રતિ વર્ષ કરોડો લિટર વધારાનું બગડતું પાણી જમીનમાં ઊતરશે. આ એક શરૂઆત છે આવનારી પેઢીને પાણી જેવી અમૂલ્ય ભેટ આપવાની કારણ કે જળ એ જીવન છે અને જળ વગરનું જીવન શક્ય નથી. ચડાસણા ગામમાં બનાવવામાં આવેલા રીચાર્જ કુવા થી અન્ય વિસ્તારના લોકો પણ પ્રેરણા લઇ શકે અને જળ સંચય ની દિશામાં વિચારે અને વહી જતા પાણીને જમીનમાં ઉતારવા માટે પ્રયત્નો કરે તેવી આશા સાંસદશ્રી શારદાબેન પટેલે વ્યક્ત કરી હતી. ચડાસણા ગામના રીચાર્જ વેલના લોકાર્પણના આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ સિંચાઇ મંત્રી શ્રી અરવિંદભાઈ ત્રિભોવનદાસ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષશ્રી હરિભાઈ પટેલ, સિંચાઇ સમિતિ ચેરમેન શ્રી ગણપતભાઈ પટેલ, બેચરાજી વિસ્તારના જિલ્લા તથા તાલુકા ડેલિગેટશ્રીઓ, સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્ય ની પેઢીને પાણી ની તકલીફ ના પડે તે માટેની આ સુંદર વ્યવસ્થા ને બિરદાવી હતી અને સાંસદશ્રી શારદાબેન પટેલ, અરવિંદભાઈ પટેલ, આનંદ પટેલ અને શ્રી શહીદવીર ત્રિભોવનદાસ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ નો આભાર માન્યો હતો.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
