બાળકોને શિક્ષિત બનાવી જગતમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરીએ મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

રિપોર્ટ : બીના પટેલ

શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આણંદ જિલ્લાની મોરડ અને પોરડા પ્રાથમિક શાળા ખાતે મહેસૂલ મંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં જિલ્લાની મોરડ અને પોરડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોએ હસ્તે આંગણવાડી અને ધોરણ – ૧ માં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોરડ ગામ ખાતે તેમને મળેલ ભવ્ય આવકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોરડ ગામનો પ્રેમ હું ક્યારેય નહીં ભૂલું. શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત થયા છે, તે જ બતાવે છે કે આ ગામ શિક્ષણ પ્રત્યે, તેમના બાળકો પ્રત્યે કેટલું જાગૃત છે. રાજ્ય સરકાર ભારતના ભાવિ એવા બાળકોની ઉજ્જવળ કારકિર્દીની સાથે સુ-સંસ્કારી શિક્ષણ થકી તેમનું ચારિત્ર્ય ઘડતર થાય તે માટેની ચિંતા કરી રહી છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બાળકો એ શાળા રૂપી મંદિરના ભગવાન છે, આવા બાળકોને શિક્ષિત બનાવી આ જગતમાંથી આપણે અજ્ઞાનતાના અંધકાર દૂર કરવાનો છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ મોરડ શાળાના વિકાસ માટે દાતાઓએ આપેલા સહયોગને બિરદાવતા ઉમેર્યું હતું કે, સમાજના સહકાર વિના કોઈ કાર્ય સફળ થઈ શકતું નથી. મોરડની આ શાળાનું શિક્ષણ ઉત્તમ છે, શાળા ઉત્તમ છે, એટલે જ દાતાઓ આ શાળામાં દાન દેવા પ્રેરાય છે. મંત્રીશ્રી ત્રિવેદીએ ગુજરાતમાં શિક્ષણને વેગ મળે તે માટે સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, રાજ્યની શાળામાં ૧.૬૭ લાખ વિદ્યા સહાયકોની નિમણૂક, ૭૨૮૩ શિક્ષકોને કાયમી નિમણૂક ઉપરાંત શૈક્ષણિક કાર્યમાં ટેકનોલોજીના ઉપયોગની સાથે વાંચન-લેખન અને ગણનની પ્રવૃતિ થકી બાળકોમાં ગુણાત્મક સુધારો થાય તે માટેનું કાર્ય ગુજરાતમાં થઈ રહયું છે.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવના હસ્તે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોની સાથે પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં પ્રવેશપાત્ર મોરડ ખાતે આંગણવાડીમાં ૧૩૫ અને ધો.૧ માં ૬૦, જયારે પોરડા ખાતે આંગણવાડીમાં ૩૦ અને ધો.૧ માં ૪૬ મળી કુલ-૨૭૧ બાળકોનો શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો. મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ધોરણ ૩ થી ૮ માં ગત વર્ષે પ્રથમ ક્રમે આવનાર ભૂલકાઓને સ્મૃતિ ભેટ આપી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામના દાતાઓ કે જે સમયાંતરે ગામને અને શાળાને દાન આપે છે તથા ભૂલકાઓને તિથિ ભોજન કરાવે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમના પ્રારંભમાં મંત્રીશ્રીના હસ્તે મોરડ પ્રાથમિક શાળા ખાતે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોને લોકાર્પિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી મનોજ દક્ષિણી, પૂર્વ મંત્રીશ્રી સી.ડી.પટેલ, પેટલાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રાંત અધિકારી શ્રી જાની, મોરડ ગામના સરપંચશ્રી ઠાકોરભાઇ પરમાર, પોરડા ગામના સરપંચશ્રી, અગ્રણી શ્રી વિપુલભાઇ પટેલ, કમલેશભાઇ પટેલ, નિરવભાઈ અમીન, કિરણભાઇ પરમાર,મયુરભાઇ સુથાર, દિપકભાઇ પટેલ, મામલતદારશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિવેદિતા ચૌધરી, શિક્ષણ વિભાગના અધિકારીઓ, દાતાઓ, વાલીઓ, શાળાના આચાર્યશ્રી નિમર્લદાન ગઢવી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM