ગીર સોમનાથ જિલ્લામાં ૫ જુલાઈથી ૧૯ જુલાઈ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, સ્વસહાય મહિલા જૂથો અને ગ્રામવિકાસની યોજના તેમજ સરકારની અન્ય યોજનાના લાભાર્થીઓને અપાશે સહાય

ભારતના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના શીર્ષ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. નોંધનીય છે કે, જિલ્લામાં ૫ જુલાઈથી ૧૯ જુલાઈ દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાકક્ષાથી લઈ ગ્રામ્ય કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો થશે.

આ યાત્રામાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાકિય કામગીરીને રાજ્યની જનતા સુધી પહોંચાડવા માટે સહાય વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ, વિવિધ યોજનાઓની માહિતી, ફિલ્મ નિદર્શન, વૃક્ષારોપણ, સાફલ્યગાથાઓ તેમજ વીસ વર્ષના વિકાસકાર્યોનું વિહંગાવલોકન જેવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

ઉપરાંત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં સફાઈ અભિયાન, વિનામૂલ્યે રોપા વિતરણ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી અંગે સમજ, સ્વસહાય મહિલા જૂથો અને ગ્રામવિકાસની યોજના, શાળાઓમાં ચિત્ર તેમજ નિબંધ સ્પર્ધા, પ્રભાત ફેરી, આંગણવાડીમાં બાળતુલા કાર્યક્રમ, પોષણ આધારિત વાનગી નિદર્શન, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) લાભાર્થીઓને કીટ વિતરણ તેમજ વ્હાલી દીકરી યોજના હેઠળ લાભાર્થીઓને મંજૂરી હુકમના વિતરણ અને સરકારશ્રીની અન્ય યોજનાના લાભાર્થીઓને વિવિધ સહાય તેમજ કીટ આપવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *