કચ્છ જિલ્લામાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કેના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી

ભુજ, સોમવાર :
કલેકટરશ્રી પ્રવિણા ડી.કેના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આજરોજ કલેકટર કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં નવી વાજબી ભાવની દુકાનો ,બ્રાન્ચ એફપીએસ દુકાન શરૂ કરવા તથા ઇ.એફ.પી.એસ મારફતે આધાર આધારિત વિતરણ પધ્ધતિ જથ્થાનું વિતરણ સહિતની બાબત અંગે વિસ્તૃત ચર્ચા કરવા સાથે ચાર તાલુકામાં નવી ૮ દુકાનો મંજુર કરવામાં આવી હતી. જ્યારે ૧૩ દુકાનોની પ્રક્રિયા ત્વરીત પુર્ણ કરવા સુચન કરાયું હતું. જુન-૨૦૨૨માં કચ્છમાં આધારકાર્ડ આધારીત બાયોમેટ્રીક ટ્રાન્ઝેકશનમાં ૯૪.૧૪ ટકા સાથે કચ્છ રાજયમાં સીએમ ડેશબોર્ડમાં પ્રગતિ કરતા કલેકટરશ્રી તથા પુરવઠા વિભાગની ટીમની કામગીરીને કમિટીના સભ્યોએ બિરદાવી હતી.
કલેકટરશ્રી પ્રવિણા ડી.કેના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વાજબી ભાવની દુકાનોના ગોડાઉનમાં વધારો કરવા અંગેની દરખાસ્તો, ગોડાઉનનું સ્થળ બદલવા અંગેની મંજુરી સાથે તાલુકા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિ ગાંધીધામ, લખપત, અંજાર અને મુંદરા તરફથી અગ્રતા ક્રમ નક્કી રજુ કરાયેલી ૮ અરજીઓને મંજુરી અપાઇ હતી. જયારે બાકી રહેતી ૧૩ અરજી સંદર્ભે કાર્યવાહી કરવા સુચન કરાયું હતું. આ સાથે બ્રાન્ચ એફપીએસ હેઠળ એક દુકાનની મંજુરી અપાઇ હતી. બેઠકમાં ઓનલાઇન અરજીમાં થતી સમસ્યા અંગે ચર્ચા કરાતા કલેકટર દ્વારા આવી અરજીઓના નિકાલ માટે મામલતદાર ઓફીસમાં ખાસ ડેસ્ક રાખીને મદદ કરવા સુચના અપાઇ હતી.
કોરોના સમયે કોવિડથી મૃત્યુ પામેલા દુકાનદારોની સહાય અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ દુકાનો મંજુરી અંગે ઓનલાઇન અરજી કરવામાં નડતી સમસ્યાને ત્વરીત ઉકેલવા જણાવ્યું હતું. અંજાર વિસ્તારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે કચ્છમાં પેટ્રોલપંપ સિવાય છુટકમાં લારી-રેકડીઓ પર વેંચાતા પેટ્રોલ-ડીઝલનના વેંચાણને રોકવા પુરવઠા શાખાને ખાસ સ્કવોર્ડ રચીને ચેકીંગ કરવા સુચના આપી હતી. તેમજ તહેવાર સમયે ફુડ શાખા દ્વારા સક્રિય કામગીરી કરાય તેવી ચર્ચા કરી હતી. બેઠકમાં રાશનકાર્ડ અંગેની વિવિધ સમસ્યાઓ રજુ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૨ માસ દરમિયાન કચ્છ જિલ્લામાં વન નેશન-વન રેશનકાર્ડ યોજના અંતર્ગત કુલ ૪૬૪૫૭ લાભાર્થીઓએ લાભ લીધો છે. આ યોજનામાં એનએફએસએ હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓ માત્ર આધારકાર્ડ બાયોમેટ્રીક ઓથેન્ટીકેશનથી આંતર તાલુકા, આંતર જિલ્લા અને આ યોજનાહેઠળ ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલા અન્ય રાજયોમાં આવેલી વાજબી ભાવની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી કેશવજીભાઇ રોશીયા, અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષી, મુંદરા-બારોઇ નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઇશીતાબેન ટીલવાણી, પંડિતશ્રી દિનદયાળ ગ્રાહક ભંડાર એસોસિયેશનના પ્રમુખ મનુભા જાડેજા, ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી કલ્પેશભાઇ કોરડીયા, દશરથસિંહ ઝાલા તથા પુરવઠા કચેરીના સંબંધિત કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM