
લાઈટ મળવાથી અમારા જીવનમાં પ્રકાશ ફેલાયો- લાભાર્થીશ્રી કુંભાર હસનભાઇ
ભુજ
“લાઇટ મળવાથી અમારા જીવનમાં પ્રકાશ ફેલાયો છે. વીજળી આવવાથી જામ ફાયદો થયો છે એટલે આભાર તો કહેવો જ પડે બેન” આ શબ્દો છે ભુજ તાલુકાના ગોડપર ગામના ભંગારકામની મજુરી કરતા શ્રમિક લાભાર્થીશ્રી કુંભાર હસનભાઇ જુનાસ અયુબના…………….
ભારત સરકારની સૌભાગ્ય યોજના હેઠળ ગરીબીરેખા નીચે જીવતા લાભાર્થીઓને વિનામુલ્યે ઘરગથ્થુ વીજ કનેકશન આપવામાં આવે છે જે પૈકી ગોડપર ગામ ખાતે લોખંડ ભંગારનું કામકાજ કરતા હસનભાઇને સરપંચશ્રી નારાણભાઇ કાબરીયા દ્વારા સૌભાગ્ય યોજનાની જાણ થઇ હતી અને તેમને વિનામુલ્યે “સૌભાગ્ય”યોજના હેઠળ ઘરમાં વીજકનેકશન મળ્યું છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલા ઉજ્જ્વલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭ વીજળી મહોત્સવ કાર્યક્રમમાં ભુજ તાલુકાના માધાપર ગામે હસનભાઇને આ યોજનાનું પ્રમાણપત્ર મળ્યું હતુ ત્યારે તેમણે પોતાનો પ્રતિભાવ આપતા વધુમાં જણાવ્યું હતુ કે “ લાઇટથી ઘરમાં જ નહિ અમારા જીવનમાંય અજવાળુ થયું છે, નહિ તો ભંગાર કામ કરીને જીવનારા અમો અંધારામાં જીવતા હતા. મારા છોકરા રાતે અજવાળામાં ભણી શકે છે મારી ઘરવાળી અને પુરો પરિવાર ખુશહાલ છે આથી PGVCLનો ખુબ આભાર.અમારા જેવાના ઘેર અજવાળુ કરનાર સરકારનોય આભાર બેન………
ઉલ્લેખનીય છે કે રૂ.૪૮૦૦ થી રૂ.૫૦૦૦ સુધી ઘરવીજ કનેકશનનો ખર્ચ ગરીબીરેખા હેઠળ જીવતા પરિવારને સરકારની સૌભાગ્ય યોજનામાં વિનામુલ્યે ઘરગથ્થુ વીજ કનેકશનના પગલે ટળી જાય છે.
PGVCL દહીંસરાના નાયબ ઇજનેરશ્રી ભાવિન પટેલ જણાવે છે કે વર્ષ ૨૦૧૮માં સૌભાગ્ય યોજના હેઠળ અમે ૮ વીજકનેકશન BPL લાભાર્થીઓને આપ્યા છે. આ સિવાય બીજી યોજના અન્વયે પણ ઘરગથ્થુ વીજ કનેકશન અપાય છે.

