
લોકશાહીને વધુ સશકત બનાવવા નાગરિકોને મહત્તમ મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા ચૂંટણી અને પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બી.વી.એમ.એન્જિનિયરીંગ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.

રિપોર્ટ : બીના પટેલ
દેશની લોકશાહી વધુ સશકત બને અને મહત્તમ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા નવા મતદાર તરીકે નોંધણી કરાવવા લયાકાત માટે વર્ષમાં વિવિધ ચાર તારીખો જાહેર કરી છે જેની જાણકારી આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મનોજ દક્ષિણીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન (SVEEP) કાર્યક્રમ અંતર્ગત મતદાર સાક્ષરતા કલબ્સ (ELCs) ના ઉપક્રમે બી.જે.વી.એમ.એન્જિનિયરીંગ કોલેજ, વિદ્યાનગરના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં આણંદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અને પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટએ લોકશાહીના વધુ સશકત બનાવવા નાગરિકોને મહત્તમ મતાધિકારોની ઉપયોગ કરવાની અપીલ કરી યુવાનોને કોઇપણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય ત માટે તેઓનું યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.
શ્રી બારોટે વધુમાં વિદ્યાનગર એ વિદ્યાની નગરી હોઇ અહીં જિલ્લા સહિત રાજયના અને રાજય બહારના યુવા વિદ્યાર્થજ્ઞીઓ અભ્યાસ અર્થે આવતાં હોય આ યુવા વિદ્યાર્થીઓએ મતદાનની મહત્તા સમજીને પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ. આ માટે પોતે સ્વયં જાગૃત થઇને મતદાતા તરીકે આપણી મતદાર નોંધણીમાં નોંધણી થઇ છે કે કેમ તેની ચકાસણી કરી લેવી જોઇએ અને જો ન થઇ હોય તો અચુકપણે મતદાર યાદીમાં નામની નોંધણી કરાવી લઇને અન્યોને પણ સમજ આપવા જણાવ્યું હતું. શ્રી બારોટે આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને યુવાઓ તેમની વિગતો ઓનલાઇન જોઇ શકે છે તેમ જણાવી મતદાર યાદીમાં નામ નોંધાવાથી શરૂ કરીને નામ મતદાર યાદીમાં કોઇપણ ફેરફાર કરાવવા હોય તો કેવી રીતે કરાવી શકાય તેની વિગતવાર સમજ આપી હતી. શ્રી બારોટે વર્કશોપમાં ઉપસ્થિત સૌને ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલ મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. મામલતદાર શ્રી નિલેશભાઈ રબારીએ માનવીને મતાધિકારની અમૂલ્ય ભેટ મળી છે જે લોકશાહીમાં મહત્વનું અંગ બની રહ્યું હોવાની જણાવી લોકશાહીને સશકત બનાવવા માટે લોકશાહી મહત્વ સમજાવતા શ્રી રબારીએ કહ્યું કે લોકશાહીનું મહત્વ સમજી આપણે મતદાન એ આપણી પ્રાથમિક ફરજ હોવાની જાણકારી સમાજના તમામ લોકોને આપવી જોઇએ. તેમણે વધુમાં મતદાર તરીકેની મતાધિકારનો ઉપયોગ કરવાની પોતાની પવિત્ર ફરજ સમજી બહોળા પ્રમાણમા લોકો મતદાનમાં જોડાય અને મતદાન કરે એ જોવા સુચવ્યું હતું. બી.વી.એમ. કોલેજના આચાર્ય શ્રી ઇંદ્રજીત પટેલએ મતદાનને આઝાદી પછી આવેલા બંધારણ સમયથી મળેલ ફરજ અને હક ગણાવીને કહ્યું કે મતદાન એ આપણાં દેશની વ્યવસ્થાને સંતુલિત કરે છે. દરેક વિદ્યાર્થીએ મતદાર તરીકેની નોંધણી કરાવતા સમયે તમામ સાચી વિગતો ભરીને વ્યસ્ત સમયમાં પણ સમય કાઢીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેમ જણાવી તેમણે મત આપતા સમય પોતાની સમજશક્તિનો ઉપયોગ કરીને મત આપીએ જેથી લોકશાહીની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી શકાય તેમ કહ્યું હતું.

શ્રી પટેલે કેન્દ્ર અને રાજ્ય ચૂંટણી પંચની પ્રશંસા કરતાં કહ્યું કે આજે ચૂંટણી પંચની ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરીને કારણે આજે મતદાતાઓમાં જાગૃતિ આવતા મતદાન નીરસ ન બની રહેતા વધુ મતદાન થઇ રહ્યું છે.
આ પ્રસંગે નલિની-અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ તથા આણંદ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મતદાન જાગૃતિ અંગેનું પ્રેરક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જયારે મતદારોમાં જાગૃતિ આવે તે માટે તૈયાર કરવામાં આવેલ વિડિયો સોંગ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
મતદાર જાગૃતિ અભિયાન દરમિયાન કરવામાં આવનાર વિવિધ કામગીરીની વિગતવાર જાણકારી આપી આગામી તા. ૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો મતાધિકાર પ્રાપ્ત કરી શકે તે માટે અને કોઇપણ યુવાન મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં નોંધણી કરાવ્યા વગરનું રહી ન જાય અને તેઓ મતદાર તરીકે તેઓના નામની નોંધણી કરાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં આણંદ નાયબ મામલતદાર દીપકભાઈ રાઠોડ અને કૌશિક રાણા, બી.એલ.ઓ.સુપરવાઈઝર હર્ષદભાઈ રાઠોડ સહિત એન.એસ.એસ પ્રોજેકટ કો-ઓર્ડિનેટર કાર્તિકભાઈ અને સેક્ટર ઓફિસર વિનોદ પટેલ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

