
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આજરોજ માનકુવા ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યના હસ્તે કુલ રૂ.૨.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ત્રણ નવા રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જયારે રૂ.૧.૫ કરોડના ખર્ચે અન્ય ત્રણ નવા રસ્તા બનાવવા જાહેરાત કરાઇ હતી.

માનકુવા સદુરાઈ તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્યએ રૂ.૬0 લાખના ખર્ચે બનનારા એસ.એચ.ટુ કેરા માનકુવા રોડથી બાલક્રિષ્ના ગૌ શાળા કોડકી ગામને જોડતો રોડ , રૂ.૪૦ લાખના ખર્ચે બનનારા માનકુવા ગામ તળાવથી ભારાસરને જોડતો રસ્તો તથા રૂ.૧૨૦ લાખના ખર્ચે ભારાસરના રતના કાનજીના મકાનથી દક્ષિણ બાજુ અનુસૂચિત જાતિના કબ્રસ્તાનથી રવજી મૂળજીની વાડી રેલવે ક્રોસિંગને જોડતો રસ્તો એમ કુલ ત્રણ રસ્તાનું ભૂમિપૂજન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સરકાર પર લોકોના વિશ્વાસ થકી જ કરોડોના વિકાસકામો થઇ રહ્યા છે. વડાપ્રધાનશ્રી કચ્છની સતત ચિંતા સેવી રહ્યા છે. નર્મદાના વધારાના વન મિલીયન એકર ફીટ પાણી કચ્છને ફાળવાયા છે ત્યારે ટૂંકસમયમાં વડાપ્રધાનના હસ્તે લીંકનું ખાતમુહુર્ત કરાશે અને વર્ષ ૨૦૨૪ સુધી કામ પુર્ણ થઇ જાય તેવો અથાગ પ્રયાસ કરાશે. જેથી કચ્છમાં આ પાણી થકી ડેમ, તળાવો ભરીને સિંચાઇ સાથે લોકોની પાણીની જરૂરીયાતને સંતોષી શકાય. તેમણે કચ્છની આ જીવાદોરી સમી યોજના માટે નવું નામ સૂચવવા લોકોને આહવાન કર્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રીન્યુએબલ એનર્જીમાં કચ્છ પ્રથમ નંબરે છે. હવે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે. આમ સોલાર એનર્જીના પ્રોજેકટથી કચ્છ વિશ્વના નકશામાં મુકાઇ જશે . વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કચ્છને ભૂકંપમાંથી બેઠું કર્યા બાદ લોકોની પાણીની સમસ્યા હલ થાય તે માટે ઘરે ઘરે નર્મદાના નીર પાઇપલાઇન વાટે પહોંચાડ્યા છે. જેનાથી ૯૦૦થી વધુ ગામો લાભાન્વિત થયા છે. તેમણે આ તકે ત્રણ નવા રસ્તાની મંજૂરીની જાહેરાત કરી હતી. જેમાં રૂ.૧ કરોડના ખર્ચે ડાકડાઇ વિસ્તાર અને રબારીવાસનો રસ્તો, રૂ.૩૦ લાખના ખર્ચે માનકુવા ભોજાણી વિસ્તાર નરાવારો રોડ, રૂ.૩૦ લાખના ખર્ચે માનકુવા પીરવારી નદીથી જુનાવાસ ડેરાવારો રોડનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર માનકુવા ગામના રસ્તાને ડામરથી રીસરફેશ માટે રૂ.૩ કરોડની દરખાસ્ત મુકાઇ છે. ત્યારબાદ તમામ પાકા એપ્રોચ રોડ ધરાવતું માનકુવા પ્રથમ ગામ બની જશે. પટેલ ચોવીસીમાં અત્યારસુધી ૧૦૦ કરોડથી વધુ નાણાં ફાળવીને રસ્તાના કામો કરાયા હોવાનું જણાવીને તેમણે ગ્રામવાસીઓ તથા લોકોને વિકાસકામોમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, દેશ અને ગામનો વિકાસ જેટ ગતિએ કરવો હોય તો રોડ કનેકટીવિટી મહત્વની છે. સરકાર આ જ કચ્છના અંતરીયાળ રસ્તા હોય કે પછી મુખ્ય રોડ તમામનું નવીનીકરણ, સ્ટ્રેન્ધનીંગ એન્ડ રિસર્ફેસીંગ કામ કરવા કટિબધ્ધ છે. સરકારના પ્રયાસ સાથે ગામડાઓમાં દાતાઓના સહકારથી થતાં વિવિધ વિકાસકામોને પણ તેમણે બિરદાવીને આ જ રીતે સહયોગ આપવા દાતાશ્રીઓને અનુરોધ કર્યો હતો.
આ તકે વિધાનસભા અધ્યક્ષશ્રીનું વિવિધ સમાજના આગેવાનો તથા આસપાસના ગામના સરપંચશ્રીઓ, કોડકી મંદિર સમિતિના સભ્યો, સતપંથ સમાજના આગેવાનો, ગોપેશ્વર મહાદેવ બાલક્રિષ્ના ગૌશાળા-પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ શાલ ઓઢાડી આદરભેર સન્માન કર્યું હતું.

આ કાર્યક્રમમાં માનકુવાના સરપંચશ્રી રમેશભાઇ ભુડીયા, ઉપસરપંચશ્રી શાન્તાબેન દબાસીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ડાયાભાઇ વરચંદ, સર્વશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રી, મનીષાબેન વેલાણી, દામજીભાઇ ચાડ, કુંવરબેન મહેશ્વરી, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સોનલબેન મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય ઉર્મિલાબેન ગોરાણી, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઇ છાંગા તથા આગેવાનોમાં સર્વશ્રી ભીમજીભાઇ જોધાણી, હરેશભાઇ ભંડેરી, વિશ્રામભાઇ હિરાણી, નીલેશભાઇ વરસાણી, જાદવજીભાઇ વરસાણી, મોહબ્બતસિંહ સોઢા, કાનજીભાઇ કાપડી, નવીનભાઇ પાંચાણી, મામદભાઇ રહીમ, હરીભાઇ આહિર, જયેશભાઇ ભાનુશાલી, જયમલભાઇ રબારી, જયંતિભાઇ મુખી તથા કાર્યપાલક ઇજનેરશ્રી એ.જે.ઠાકોર તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

