ભુજ ખાતેના સ્મૃતિવનના વિવિધ વિભાગોની કાર્યપ્રગતિ વિશે અધિકારીશ્રીઓ અને એજન્સીઓના પ્રતિનિધિઓની સાથે કલેક્ટર કચેરીએ બેઠક યોજી

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજ ખાતેના સ્મૃતિવનના વિવિધ વિભાગોની કાર્યપ્રગતિ વિશે અધિકારીશ્રીઓ અને એજન્સીઓના પ્રતિનિધિઓની સાથે કલેક્ટર કચેરીએ બેઠક યોજી હતી. સ્મૃતિવનમાં કેટલું કાર્ય પૂર્ણ થયું છે તેની વિગત અધિકારીશ્રીઓ પાસેથી પ્રેઝેન્ટેશનના માધ્યમથી મેળવી હતી. આ ઉપરાંત તેઓએ સ્મૃતિવન પરિસરની જાત મુલાકાત લઈને કાર્યરત કામોનું નિરીક્ષણ કરીને જે કામ બાકી છે તેને નિયત સમયમાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓ તથા એજન્સીઓને સૂચના આપી હતી.

        ભુજિયા ડુંગરમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્ય સચિવશ્રીએ સબ સ્ટેશન, મ્યૂઝીયમ, રિસેપ્શન એરીયા, કેફેટેરીયા, પ્લે એરીયા, ફ્લડ મોડેલ, અર્થક્વેક મોડેલ, રેસ્કયૂ હોલોગ્રામ એરીયા, એમ્ફિથિયેટર, લિફ્ટ, પાર્કિંગ એરિયા સહિત અન્ય માળખાકીય સુવિધાના કામોના પ્રગતિની સમીક્ષા કરી હતી. તેઓએ સ્મૃતિવનના વિવિધ બ્લોકમાં તૈયાર થયેલા વિવિધ પ્રોજેક્ટને નિહાળ્યા હતા. જે વિભાગની કામગીરી પૂર્ણ થઈ છે તેને લઈને મુખ્ય સચિવશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જે વિભાગની કામગીરી બાકી છે તેને લઈને તમામ સહયોગ આપવા ખાતરી આપી હતી અને કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે સૂચના આપી હતી. ખાસ કરીને હવેનું કામ માનવબળ આધારિત હોય તો મહત્તમ સંખ્યામાં માનવબળ સાથે વિવિધ કામ પૂર્ણ કરવા તેઓએ એજન્સીઓને ભારપૂર્વક કહ્યું હતું.

તેઓએ વિવિધ બ્લોકમાં જઈને ભૂકંપ વિશેની ડોક્યુમેન્ટરી, સિંધુખીણની સંસ્કૃતિની ઝલક દર્શાવતી ટૂંકી ફિલ્મ તથા પર્યાવરણીય ડોકયુમેન્ટરી તેમજ આપદાની પરિસ્થિતિમાં કેવી રીતે સરકારના વિભાગો કામ કરે છે તેના વિશેની ડોક્યૂમેન્ટરી નિહાળી હતી.

        સ્મૃતિવનની મુલાકાત અને તેના સંદર્ભે યોજાયેલી બેઠક દરમિયાન અધિક મુખ્ય સચિવશ્રી (મહેસુલ અને GSDMAના સીઇઓ) કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી શ્રી એસ.બી.વસાવા, માર્ગ-મકાન વિભાગના ઇલેક્ટ્રીકલ સુપ્રીટેન્ડેટશ્રી યુ.ઓઝા, કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી વી.એન.વાઘેલા, અધિક્ષક ઈજનેર શ્રી એ.જે.ચૌહાણ તેમજ સંબંધિત વિભાગના સર્વશ્રી અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *