
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાધાણી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતીમાં વટવા વિધાનસભામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ વર્ષે ઘોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરનારા સરસ્વતીના સાધકોનો મહાનુભાવોના હસ્તે સન્માન કરીને આગામી કારકિર્દી ના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાબળ પુરૂ પાડવામાં આવ્યું હતુ.

શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાધાણીએ પ્રસંગોચિત ઉદબોધનમાં ઉપસ્થિત તમામ તેજસ્વી વિધાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન ને બિરદાવ્યા હતા તદ્ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને પણ જીવન ઘડતરના પાઠ શીખવીને ઉત્તરોઉત્તર પ્રગતિ કરવા અને જીવનમાં સકારાત્મક વલણ , વિચાર અને અભિગમ દાખવવાની શીખ આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભારતનું ભવિષ્ય ગણાવીને તમામમાં દેશદાઝ જગાડવા આ વર્ષે ૧૩ તી ૧૫ મી ઓગસ્ટ યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનીને દેશસેવા માટે સંકલ્પબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ સાથે કેળવણીનું સિંચન કરીને જ્ઞાન સાથે વ્યવહારૂ જ્ઞાન મેળવીને સ્કીલ્ડ બનવાની શીખ આપી હતી. આ તકે તેઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલનો ચિતાર રજૂ કરીને વધુમાં વધું વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓના લાભ લઇ કારકિર્દી ઘડતર માટે અનુરોધ કર્યો હતો.

આ ક્ષણે મંત્રી શ્રી વટવા વિધાનસભાના પ્રજાવત્સલ જનપ્રિય ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓના સંસ્મરણો વાગોડ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ રાજનીતીને સત્તા નહીં પરંતુ સેવાનું માધ્યમ બનાવ્યું હોવાનું જણાવી સ્વ. શ્રી અશોક ભટ્ટ અને ધારાસભ્ય શ્રી પ્રદિપસિંહ જાડેજાજીની હોસ્પિટલની ક્ષેત્રની નિ:સ્વાર્થ સેવાકીય પ્રવૃતિઓને યાદ કરીને પ્રજાસમક્ષ મૂકીને લોકોને સેવા-સુશ્રુષાતી અવગત કરાવ્યા હતા.
પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વટવા વિધાનસભા ફક્ત એક મતવિસ્તાર નહીં પરંતુ પરિવાર હોવાનું જણાવી અહીંના તારલાઓના સન્માનને સામાજીક ઉત્તરદાયિત્વની નિભાવણી હોવાનું જણાવ્યું હતુ.
આ પ્રસંગે તેઓએ વટવા વિધાનસભામાં છેલ્લા દાયકામાં થયેલ વિકાસના વિવિધ પ્રકલ્પો, વિકાસ પામેલ સેવાઓ અને સુવિધાઓ થી લોકોને અવગત કરાવ્યા હતા.

તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઇ પરમાર, સાસંદ શ્રી હસમુખભાઇ પટેલ, કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સાહિત્યકાર સાઇરામ દવે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
