
રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા માં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ત્રીજા દિવસે આણંદ ટાઉનહોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત ટાઉનહોલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવતીઓ તથા ગંગાસ્વરૂપ બહેનો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારે આગામી તા. ૧૫મી ઓગસ્ટ આપણા દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૩ થી ૧૫ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે ત્યારે જિલ્લાનું એકપણ મકાન તિરંગા લહેરાવ્યા વગરનું રહેવા ન પામે તે જોવાનો અનુરોધ કરી હર ઘર તિરંગા કાર્યક્રમના માધ્યમથી જન-જનમાં રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વધુ પ્રબળ બનાવવાનો રહેલો હોવાનું ઉમેર્યું હતું.
શ્રીમતી હંસાબેન પરમારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં રાજ્ય તથા જિલ્લા કક્ષાની નારી વંદન ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનું ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આપણી મહિલાઓ અને બહેનોને લગતી તમામ સરકારી યોજનાઓથી તેઓ પરિચિત થાય અને યોજનાઓના લાભ થકી તેઓનું જીવનધોરણ ઊંચું આવવાની સાથે મહિલાઓ સશકત બનવાની સાથે સક્ષમ ગુજરાત અને નારી શકિતને સ્વાવલંબી બનાવવાનો રહેલો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશકિતકરણનો જે સંકલ્પ કર્યો છે તેને મહિલાઓને સાર્થક કરવા સુચવ્યું હતું.

શ્રીમતી હંસાબેને મહિલાઓ પુરૂષ સમોવડી બનવાની વધુ સશકત બને તે માટે રાજય સરકાર દ્વારા અમલી યોજનાઓ જેવી કે, વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપ પુન:લગ્ન આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ હેલ્પલાઇન, મહિલા સ્વાવલંબન, સ્ત્રી રોગ નિદાન જેવી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
કેવી રીતે એક સ્ત્રી સમગ્ર રાષ્ટ્રના વિકાસમાં મૂળભૂત ભાગ ભજવે છે તે વિશે વાત કરતાં કહ્યું કે, એક શિક્ષિત સ્ત્રી આખી પેઢીને શિક્ષિત કરે છે. તેમણે મહિલાઓને બે હાથની મહિલાઓ નહીં પરંતુ હજાર હાથની મહિલાઓ છે એ વાતને મહિલાઓએ પોતાના ઉત્કૃષ્ટ કાર્યો દ્વારા બતાવી દેવાનું જણાવી મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.
હંસાબેને જિલ્લા રોજગાર કચેરી અને મહિલા બાળ વિકાસ દ્વારા સંયુક્ત રીતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સ્વરોજગાર માર્ગદર્શનને લગતી વિગતો પણ પૂરી પાડવામાં આવશે તેમ જણાવતા તમામ ઉપસ્થિત યુવતીઓને અને ગંગાસ્વરૂપે બહેનોને તેમાં ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો.
બહેનો દરેક ક્ષેત્રમાં આગળ છે અને દરેક ક્ષેત્રમાં પોતાનો પરચો બતાવી રહી છે ત્યારે જે બહેનો જાગૃત નથી તેમને પણ જાગૃત કરીએ. દીકરીઓને સ્વાવલંબી અને સશક્ત બને તેમ જણાવી શ્રીમતી હંસાબેન પરમારે ઉપસ્થિત મહિલાઓને મહિલા સ્વાવલંબન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલા સ્વાવલંબન યોજના અને વ્હાલી દિકરી યોજના અન્વયેના લાભાર્થીઓને ચેક અને મંજૂરી હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહિલા અગ્રણી શ્રીમતી નીપાબેન પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં કરી આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ આપણે આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી રાષ્ટ્રભરમાં મનાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી તા. ૧૩ થી ૧૫ દરમિયાન હર ઘર તિરંગાનું જે આહવાન આપ્યું છે તેને સાચા અર્થમાં સાર્થક કરવા મહિલાઓને અપીલ કરી હતી.

શ્રીમતી પટેલે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે સરકારના “જીઇએમ (GeM)” પોર્ટલ વિશે જાણકારી આપી મહિલાઓને આ પોર્ટલ ઉપર નોંધણી કરાવીને પોતે ઘરે બનાવેલી વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરી પોતાની આવકમાં વધારો કરી સ્વાવલંબી બની શકે છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ઉભા કરવામાં આવેલ સ્ટોલની જિલ્લા કલેકટર
શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર સહિત સર્વેએ મુલાકાત લઇ વેચાણ અર્થે મૂકવામાં આવેલ વિવિધ વસ્તુઓની ખરીદી કરી સંસ્થા અને તેની સાથે જોડાયેલ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી , તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજનાબેન પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિન્કીબેન, મહિલા અગ્રણી શ્રીમતી આશાબેન દલાલ સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે અંતમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી મનીષાબેન મુલતાનીએ આભારવિધિ કરી હતી.

